રવિવારને અષાઢી અમાસ ચાંદોદના ત્રિવેણી સંગમના કાંઠે સ્નાન માટે આવેલા પાંચ પૈકી બે મિત્રો નદીમાં ગરકાવ થયા હતા. રવિવારની મોડી સાંજ સુધી સ્થાનિક તરવૈયાઓની શોધખોળ છતાં યુવાનોનો પત્તો લાગ્યો ન હતો, ત્યારે આજે વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવાઈ હતી. આ દરમિયાન લાપતા થયેલા બે મિત્રો પૈકી એકનો મૃતદેહ મળી આવ્યો હતો.
બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના થડગામના મૂળ રહેવાસી અને હાલ વડોદરા તરસાલી ખાતે રહેતા પાંચ મિત્રો અષાઢી અમાસને રવિવારના રોજ રીક્ષા લઇ ચાંદોદના ત્રિવેણી સંગમ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા ઉતર્યા હતા. દરમિયાન પાંચ મિત્રો પૈકી બે મિત્રોને ઊંડા પાણીનો અંદાજ નહીં રહેતા એકાએક તણાવા લાગ્યા હતા. બચાવ કામગીરી અર્થે સ્થાનિક નાવડી ચાલકો પહોંચે તે પહેલાં જોત જોતામા બંને યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.
બીજા દિવસે એક યુવાનનો મૃતદેહ મળ્યો
આ ઘટનાના પગલે આવી પહોંચેલી ચાંદોદ પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી શોધખોળ આદરી હતી, પરંતુ, મોડી સાંજ સુધી યુવાનોની ભાળ મળી ન હતી, જ્યારે સોમવારે સવારે વડોદરા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી લાપતા યુવાનની શોધખોળ હાથ ધરાઇ હતી. શોધખોળ દરમિયાન બપોરે 2:15 વાગ્યે નિતીન દેવજીભાઈ રાઠવા (ઉ.25)નો મૃતદેહ શોધી કાઢવામાં ફાયર બ્રિગેડની ટીમને સફળતા મળી હતી, જેને પગલે પરિવારજનોમાં માતમ જોવા મળ્યો હતો જોકે, હજી એક યુવાનનો પત્તો લાગ્યો ન હોવાથી ફાયર ફાયટરો દ્વારા તેની શોધખોળ ચાલી રહી છે. મૃતક નીતિન રાઠવાના મૃતદેહને ડભોઇ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ચાંદોદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
(અહેવાલઃ કિંજલ ભટ્ટ, ચાંદોદ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.