ગૂંગળાવાથી મોત:વડોદરામાં ગુમ બાળકનો મૃતદેહ બીજા દિવસે બાજુની સોસાયટીના પાર્કિંગમાં પડેલી કારમાંથી મળ્યો

વડોદરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક બાળકની ફાઇલ તસવીર.

શહેરના તાંદલજા વિસ્તારમાંથી ગુમ થયેલ માનસિક દિવ્યાંગ બાળકનો મૃતદેહ બાજુની સોસાયટીમાં આવેલ બંધ કારમાંથી મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં બાળક જાતે જ કારમાં પુરાતા ગૂંગળાઇ જવાથી મોત નિપજ્યું હોવાની જાણવા મળ્યું છે. સમગ્ર મામલે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથધરી છે.

બપોરે ગુમ થયેલ બાળકની સાંજ સુધી ભાળ ન મળી
વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલ મહાબલીપુરમ-2માં રહેતો સાત વર્ષિય માનસિક દિવ્યાંગ અસદ અઝીઝ મલેક ગઇકાલ બપોરે 1 વાગ્યાથી ગુમ હતો. જેથી પરિવાર અને સ્થાનિકો દ્વારા તેની શોધ કરવામાં આવી પરંતુ મોડી સાંજ સુધી તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો. જેથી બાળક ગુમ થવા અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

બાળક બીજી સોસાયટીમાં જતો CCTVમાં દેખાયો
દરમિયાન પરિવાર દ્વારા પોતાના બાળકનો ફોટો સોશિયલ મીડિયામાં મુકી તેને શોધવા માટે અપીલ કરવામાં આવી હતી. બીજી તરફ પોલીસ પણ બાળકને શોધવા કામે લાગી હતી. ત્યારે મહાબલીપુર-2ની બાજુમાં આવેલ તૈયબ રેસીડેન્સીના સીસીટીવી પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતાં. જેમાં બાળક સોસાયટીમાં આવતો નજરે પડ્યો હતો. જેથી સોસાયટીના પાર્કિંગમાં તપાસ કરતા બાળકની લાશ એક બંધ કારમાંથી મળી આવી હતી.

ગૂંગળાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક માનસિક દિવ્યાંગ હોવાથી રમતો રમતો કારમાં બેસી ગયો અને અંદરથી કારનો દરવાજો બંધ કરી લીધો હતો. જેથી ગૂંગળાઇ જવાથી તેનું મોત નિપજ્યું હતું. બાળકનો મૃતદેહ મળતા તેના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી. સમગ્ર મામલે હાલ જે.પી. રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.