યુવકનો વિચિત્ર ઢબે આપઘાત:વડોદરામાં બેંકકર્મીએ મોં પર ઓક્સિજન માસ્ક, એની પર કોથળી પહેરીને શ્વાસ રૂંધ્યો

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • મૂળ હરિયાણાના અને ગોત્રીમાં રહેતા યુવકનો વિચિત્ર ઢબે આપઘાત, પોલીસ પણ ચોંકી ઊઠી
  • તેણે સુસાઇડ નોટમાં આ માટે કોઈ જવાબદાર નથીનો પણ ઉલ્લેખ કર્યો

ગોત્રીમાં રહેતા 24 વર્ષના બેંકકર્મચારીએ વિચિત્ર ઢબે આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. કર્મચારીએ ઓક્સિજનની બોટલ લાવી માસ્ક લગાવી અને મોઢા પર કોથળી પહેરી આપઘાત કર્યો હોવાનું સામે આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. મૂળ હરિયાણાના મંકવાસ ભિવાનીના પાડવાન ગામનો 24 વર્ષનો આશિષ અનિલ સંઘવાન શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા કૃષ્ણદીપ ટેનામેન્ટમાં નીચેના માળે ભાડેથી રહેતો હતો. આશિષ 6 મહિના પહેલાં વડોદરા આવ્યો હતો અને એસબીઆઈ બેંકમાં નોકરી કરતો હતો. હાલમાં તે મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચમાં ટ્રેનિંગમાં હતો.

ગત 11મી તારીખે તે ઓક્સિજન સિલિન્ડર લઈને આવ્યો હતો અને ત્યાર બાદ તેણે સાંજે ઉપરના માળે રહેતા મકાનમાલિક પાસે ઓક્સિજનનો બોટલ ખોલવા માટે પાનાં પક્કડ માગ્યા હતા. ત્યાર બાદ તેણે મકાન અંદરથી બંધ કરી સૂઈ ગયો હતો. ગત શુક્રવારથી તે ઓફિસે ગયો ન હોવાથી તેની બેન્કના કર્મચારીએ મકાનમાલિકનો સંપર્ક કરતા તેમણે નીચેના માળે આવી તપાસ કરી હતી.

પરંતુ બારણું અંદરથી બંધ હોવાથી પાછળની બારી ખોલી જોતાં આશિષનો મૃતદેહ ફૂલેલી હાલતમાં દેખાયો હતો. તેણે મોઢા પર ઓક્સિજન માસ્ક લગાવી એના પર કોથળી પહેરેલી હાલતમાં જણાતાં પોલીસને જાણ કરી હતી. પોલીસને એક ત્રણ લિટીની લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હું મારી જાતે સુસાઇડ કરું છું, આ ઘટના માટે કોઇ જવાબદાર નથી એવો ઉલ્લેખ કર્યો હતો.

ઓક્સિજનથી મૃત્યુની શકયતા નહિવત, કોથળીને કારણે શ્વાસ રૂંધાયો હોઈ શકે
સયાજી હોસ્પિટલના તબીબ ડો. બેલીમ ઓ.બીએ જણાવ્યું હતું કે ઓક્સિજનને કારણે કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થવાની શકયતા નહિવત્ છે. ઓક્સિજનની બોટલ પૂર્ણ થઈ ગયા બાદ મોઢા પર પહેરેલી કોથળીને કારણે તેનો શ્વાસ રૂંધાયો હોઈ શકે અથવા સુસાઈડનું કોઇ બીજું કારણ હોઈ શકે.

10મી તારીખે UPSCની પરીક્ષા આપી હતી
મૂળ હરિયાણાનો આશિષ સંઘવાન 6 મહિના અગાઉ વડોદરા આવ્યો હતો. તે હાલમાં મકરપુરા જીઆઇડીસીમાં આવેલી એસબીઆઈ બેંકમાં ટ્રેઇની તરીકે કામ કરતો હતો. પોલીસના કહેવા પ્રમાણે, તેને 10મી તારીખે જ UPSCની પરીક્ષા આપી હતી. ત્યાર બાદ 11મી તારીખથી કોઈના સંપર્કમાં નહોતો.