મ.સ.યુનિ.ની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના વિવાદમાં કમિટી સોમવારે રિપોર્ટ આપે તેવી શક્યતા છે. મંગળવારે સિન્ડિકેટની બેઠક હોવાથી તે પહેલાં રિપોર્ટ આપી દેવાશે. જ્યારે હિન્દુ દેવી-દેવતાના વાંધાજનક આર્ટવર્ક બનાવનાર કુંદન યાદવ વતન બિહાર ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે. કમિટી સમક્ષ ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, વિદ્યાર્થી આર્ટવર્ક એક મહિનાથી બનાવી રહ્યો હતો.
ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં 4 મેએ હિન્દુ દેવી-દેવતાના વાંધાજનક આર્ટવર્કના મુદ્દે હોબાળો મચ્યો હતો. એન્યુઅલ ડિસ્પ્લે પહેલાં જ ધમાલ થતાં ડિસ્પ્લે બંધ રખાયુ હતું. વિવાદ વધતાં યુનિવર્સિટીએ સત્ય શોધક કમિટીની રચના કરી હતી. રવિવારે કમિટી મળી હતી, જેમાં 6 વિદ્યાર્થી અને 3 અધ્યાપકોનાં નિવેદન લેવાયાં છે. જેમાં ખુલાસો થયો હતો કે, આર્ટવર્ક પ્રથમ વર્ષના વિદ્યાર્થી કુંદન યાદવે જ વર્કશોપમાં બનાવ્યા હતા, તે પરીક્ષાના ભાગરૂપે હતા.
અધ્યાપકે કમિટી સમક્ષ જણાવ્યું હતું કે, વર્કને ડિસ્પ્લેમાં મૂકાયું હતું. મૂલ્યાંકન દરમિયાન 2 મેએ જ્યૂરીનાં એક મહિલા સભ્યે વર્કને વાંધાજનક ગણાવ્યા બાદ તેને ઉતારી લેવામાં આવ્યું હતું. જોકે તે દરમિયાન જ કોઇએ તેના ફોટા પાડી લીધા હતા અને પ્રદર્શન શરૂ થાય તે પહેલાં તેને વાઇરલ કર્યા હતા. વાંધાજનક આર્ટ વર્ક બનાવનાર કુંદન યાદવ બિહાર જતો રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. ડીન જયરામ પોંડવાલનું નિવેદન હજુ બાકી છે. બહાર હોવાથી સોમવારે તેમનું નિવેદન નોંધાશે. જો સોમવારે નિવેદન ના આપે તો પણ કમિટી રિપોર્ટ આપશે તેમ સૂત્રો એ જણાવ્યું છે.
પોલીસને લાફો મારનાર 2, દેખાવ કરનાર 31 સામે હુલ્લડનો ગુનો
સમગ્ર વિવાદમાં પોલીસને તમાચા મારનાર કાર્તિક જોષી અને ધ્રુવ પારેખ સામે પણ ગુનો દાખલ કરાયો છે. જ્યારે દેખાવો કરનાર 31 છાત્રો સામે સયાજીગંજ પોલીસે હુલ્લડનો ગુનો નોંધ્યો છે. હેડ ઓફિસ ખાતે એબીવીપીના કાર્યકરોને ડબ્બામાં ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. 31 છાત્રોમાં એબીવીપીના સિદ્ધાર્થ પટેલ, સિદ્ધરાજ ગઢવી, નિશીત વરીયા, નુપૂર, કિષ્કાંતી વર્મા, વૃંદા તૌર સહિતનો સમાવેશ થાય છે.
ડિપાર્ટમેન્ટમાં CCTV ન હતા
સ્કલ્પચર વિભાગમાં સીસીટીવી ન હોવાનું, ઉપરાંત વિદ્યાર્થીઓ પાસે જ ડિપાર્ટમેન્ટની ચાવી રહેતી હતી, તેઓ મોડી રાત સુધી કામ કરતા અને ગમે ત્યારે વિભાગમાં આવતા-જતા હોવાનું કમિટીને જણાયુ હતું.
ફોટા વાઇરલ કરનાર સામે પોલીસ ફરિયાદ કરાશે કે નહિ?
વિવાદી આર્ટવર્કના ફોટો પાડી તેને વાઇરલ કરવાના પગલે સમગ્ર વિવાદ ઊભો થયો છે. ફોટા વાઇરલ કરનાર સામે ફરિયાદ કરીને પગેરુ મેળવાશે કે નહિ તેના પર સિન્ડિકેટની બેઠકમાં તડાફડી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.