નબળો પ્રતિસાદ:સયાજીપુરા સ્થિત રાત્રી બજાર માટે 9મી વાર અરજી મંગાવાઇ, ત્રીજીવાર ભાવ ઘટાડો કરવો પડયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 35 દુકાનો માટે 17 નવેમ્બર સુધી અરજી કરવાની રહેશે

શહેરના પૂર્વ વિસ્તારમાં ચાર વર્ષ પહેલાં બનેલા રાત્રી બજાર 35 દુકાનોની મિનિમમ અપસેટ વેલ્યુ માટે ત્રીજી વખત ભાવ ઘટાડો કરાયા બાદ નવમી વખત ઓફર મંગાવવામાં આવી છે અને 17 નવેમ્બર સુધી આ ઓફર આપવાની છે. શહેરના પૂર્વ વિસ્તારના છેવાડે સયાજીપુરામાં રાત્રી બજાર બનાવવામાં આવેલું છે. આ રાત્રી બજારમાં 35 દુકાનો છે અને દરેક દુકાન ચોવીસ ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં આઠ વખત પ્રયાસ કરવામાં આવ્યો છે પરંતુ આ દુકાનો લેવા માટે કોઈ એ રસ દાખવ્યો નથી.

રાત્રી બજાર બનાવ્યા બાદ પ્રથમવાર જાહેર હરાજીથી આ દુકાનો ફાળવવા માટે મીનીમમ અપસેટ વેલ્યુ રૂપિયા છ લાખ અને ડિપોઝિટની રકમ પણ રૂપિયા છ લાખ નક્કી કરીને અરજીઓ મંગાવી હતી.પરંતુ એક પણ અરજી આવી ન હતી. જેથી તેમાં ભાવ ઘટાડો કરીને મીનીમમ વેલ્યુ અને ડિપોઝિટની રકમ રૂપિયા 3.11 લાખ રાખી હતી. એ પછી ત્રણ વખત જાહેરાત આપી અરજીઓ મંગાવી હતી,પરંતુ કોઈ એ રસ દર્શાવ્યો નહતો. ત્યારબાદ રૂ.2.25 લાખની રકમ નક્કી કરવામાં આવી હતી અને તેમાં પણ ત્રણ વખત અરજી મંગાવવામાં આવી હતી.

આજવા રોડ પાસેના રાત્રી બજારની તમામ દુકાનો જેમ બને તેમ જલ્દી ફાળવીને આવક ઊભી કરી શકાય તે માટે મીનીમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમમાં ફરી ઘટાડો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે મુજબ, આ રાત્રી બજારમાં આપવામાં આવેલી વિવિધ સગવડો જોતાં વાર્ષિક ભાડા માટે મીનીમમ અને ડિપોઝિટની રકમ દોઢ લાખ રાખવા વિચારણા કરવા સ્થાયી સમિતિમાં ઠરાવ કરવામાં આવ્યો હતો.

અગાઉ મિનિમમ અપસેટ વેલ્યુ અને ડિપોઝિટની રકમ સવા બે લાખ રૂપિયા હતી. ત્યારે તેમાં ઘટાડો કરીને દોઢ લાખ રાખીને વાર્ષિક ઉપયોગ ફી નક્કી કરી ત્રણ વર્ષની મુદત માટે દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટેના નિર્ણયને તાજેતરમાં સમગ્ર સભાએ બહાલી આપી છે.

અન્ય સમાચારો પણ છે...