સાઇબર માફિયા દ્વારા લોકોને ઠગવા અવનવા કીમિયા કરાય છે. હાલમાં કેનેડામાં સક્રિય થયેલા ગઠિયા ડોલર મોકલવા કે મગાવવાના બહાને છેતરપિંડી કરતા થયા હોવાની માહિતી બહાર આવી છે. જોકે સાયબર ક્રાઈમ વિભાગ દ્વારા આવાં તત્ત્વોથી દૂર રહેવા ચેતવણી અપાઈ છે તેમ છતાં કમાણીની લાલચમાં લોકો મોટી રકમ ગુમાવતા હોય છે.
કેનેડા ડોલર સ્કેમ અંગે સોશિયલ મીડિયા પર પણ ઠગોના ફોટા અને છેતરપિંડીની તરકીબો અંગે વિગતો ફરતી થઈ છે. એક ભોગ બનેલા ડભોઇના પરિવારે આપવીતી રજૂ કરી આવા લોકોથી દૂર રહેવા અપીલ કરી હતી. તેના થોડા સમયમાં જ સમાના પરીવાર સાથે 43 લાખની ઠગાઈ થઈ હતી અને મામલો કારેલીબાગ પહોંચ્યો હતો. અગાઉ હિન્દી કે અંગ્રેજી ભાષામાં વાત કરતાં ગઠિયા હવે ગુજરાતીમાં વાત કરે છે અને તેથી ગુજરાતી વાતોમાં આવી જાય છે અને ઠગાઈ ભોગ બને છે. કેનેડામાં વસતા ગુજરાતી સોશિયલ મીડિયા પર ગ્રૂપ ધરાવે છે અને કોઈ પણ વસ્તુ કે મકાન, દુકાનથી માંડી કાર કે ઘર ઉપયોગની વસ્તુ વેચવા કે લેવાની ચર્ચા આ ગ્રૂપમાં કરે છે ત્યારે ડોલર મોકલવા કે મગાવવાનો મેસેજ ગ્રૂપમાં મૂકાતાં ગઠિયા સક્રિય થઈ જાય છે અને ડોલરના બજાર ભાવ કરતાં વધુની ઓફર આપી મોટી રકમ મેળવ્યા બાદ છેતરપિંડી કરે છે.
~43 લાખ સુરત મગાવી ઠગે ફોન બંધ કરી દીધો
સમાના અર્પણ પટેલના પરીવારને લગ્નમાં ભેટમાં મળેલી રકમ કેનેડા મોકલવી હતી. ગઠિયાએ સારા ભાવની લાલચ આપી 43 લાખ સુરત મગાવી ફોન બંધ કરી દીધો હતો. કારેલીબાગ પોલીસમાં તેની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે ડભોઇના પરીવારના પુત્રે કેનેડાથી મોકલેલા ડોલરની રકમ અહીં મળી જ નથી.
અજાણ્યા લોકો સાથે નાણાની કોઈ લેવડ દેવડ કરવી નહિ
સાયબર ક્રાઇમના પીઆઇ પટેલે જણાવ્યું કે, હજી સુધી કેનેડિયન ડોલર સ્કેમનો મામલો આવ્યો નથી. અન્ય પોલીસ મથકોમાં નોંધાયો છે, પરંતુ સાયબર વિભાગ દ્વારા જનતાને વારંવાર અપીલ કરાય છે કે અજાણ્યા લોકો સાથે લાલચમાં આવી નાણાકીય વ્યવહારથી દુર રહેવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.