બે આરોપીઓની ધરપકડ:સિલિન્ડરમાંથી ગેસ રિફીલિંગ કૌભાંડમાં એજન્સીના ગોડાઉનની પણ તપાસ કરાશે

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અંપાડના રસ્તે ગેસ રિફીલિંગ કરતા 2 શખ્સ પકડાયા હતા
  • પુરવઠા વિભાગે તપાસતાં ઘરેલુ ગેસના 59 સિલિન્ડરમાં વજન ઓછું હતું

ભીમપુરાથી અંપાડ જવાના રસ્તે ગેસ રિફીલિંગ કરનારા બે આરોપીઓની એસઓજીએ ધરપકડ કરી છે. જ્યારે ગેસ રિફીલિંગ કૌભાંડમાં પોલીસે વધુ તપાસ સોંપતા પુરવઠા વિભાગ રૂદ્ર ગેસ એજન્સીના જાસપુરના ગોડાઉનમાં પણ તપાસ કરશે. બંને આરોપીઓ દ્વારા આ અગાઉ કેટલી વખત ગેસ રિફીલિંગ કરવામાં આવ્યું છે, આટલી મોટી સંખ્યામાં ગેસ રિફીલિંગ કરીને કોમર્શીયલ ગેસ ક્યાં વેચતા હતાં તે અંગેની તપાસ પણ પોલીસે શરૂ કરી છે.

તોલમાપ વિભાગે પોતાની તપાસમાં બંને ટેમ્પામાંથી 59 ઘરેલું ગેસ સિલિન્ડરમાંથી વજન ઓછું મળી આવ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે 1.80 લાખના સિલિન્ડર સહિત 4.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ભીમપુરાથી અંપાડના રસ્તા પર ઉભા રહી ગેસ રિફીલિંગ કરતા પપ્પુરામ રામલાલ બિશ્નોઈ અને અનુપારામ રામલાલ બિશ્નોઈ (બંને રહે-ગણપતભાઈ મહાપુરાવાળાના ફાર્મ પર અંપાડ,વડોદરા)ને ઝડપી લીધા હતાં.

આરોપીઓ પાસેથી ગેસના બોટલોની 36 નંગ પાવતીઓ મળી આવી હતી. પપ્પુરામ બિશ્નોઈના ટેમ્પોની તપાસ કરતા તેમાં એચપી કંપનીના 32 ઘરેલું સિલિન્ડર સીલબંધ હતાં. તેમજ ભારતગેસના 6 સિલિન્ડર કોમર્શીયલ સિલ વગરના હતાં. આમ ટેમ્પામાં કુલ 38 સિલિન્ડર મળી આવ્યાં હતાં. જ્યારે અનુપારામ બિશ્નોઈના ટેમ્પામાં 29 ગેસના સીલબંધ સિલિન્ડર હતાં. જેમાં 26 ઘરેલું સિલિન્ડર એચપી કંપનીના અને 3 કોમપર્શીયલમાં 1 એચપી અને 2 ભારત ગેસ કંપનીના બોટલો ભરેલા હતાં.

બંને આરોપીઓને સેવાસી પોલીસ ચોકી ખાતે લાવવામાં આવ્યાં હતાં. પોલીસ ચોકી ખાતે લાવ્યા બાદ તોલમાપ વિભાગનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વિભાગે આવતાં અને તપાસ કરતાં ઘરેલુ ગેસના 59 સિલિન્ડર અને કોમર્શિયલ ગેસના 10 સિલિન્ડરમાંથી ઓછું વજન મળી આવ્યું હતું. જેને પગલે આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...