કાર્યવાહી:આસ્થા ફાઉન્ડેશનના બેંક વ્યવહાર સહિતની ગતિવિધિની તપાસ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આસ્થા ફાઉન્ડેશનનો ટ્રસ્ટી નોટિસ બાદ પણ સીઆઇડી ક્રાઇમમાં ન પહોંચ્યો
  • 20 લાખની​​​​​​​ ખંડણી માગવાનો કેસ, કોવિડ ટેસ્ટ બાદ રાજેશ ભાલિયાની ધરપકડ

મોબાઈલમાંથી અંગત પળોના વીડિયો મેળવીને વેપારી પાસે 20 લાખની ખંડણી માગવાની ઘટનામાં પોલીસે નોટિસ પાઠવ્યા છતાં આસ્થા ફાઉન્ડેશનના કહેવાતો ટ્રસ્ટી અને વકીલ પોલીસ સમક્ષ હાજર થયો નથી. પોલીસ વકીલને શોધવા માટે તજવીજ હાથ ધરી છે. જ્યારે કેસનો અન્ય એક આરોપી રાજેશ ભાલિયા એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો, જેને રજા આપતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.

બીજી તરફ મામલાની તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઈમ દ્વારા હવે આસ્થા ફાઉન્ડેશન ટ્રસ્ટની ગતિવિધિઓની પણ તપાસ હાથ ધરશે. પ્રાથમિક રીતે આ ટ્રસ્ટ પાલનપુરનું હોવાનું પોલીસના ધ્યાન પર આવ્યું છે, જેના કારણે હવે તેના ટ્રસ્ટીમાં કોણ કોણ છે અને કયા પ્રકારની કામગીરી કરી ચૂક્યા છે, તેમના બેંક ખાતાના વ્યવહારની પણ તપાસ કરાશે. તપાસમાં એમ પણ બહાર આવ્યું છે કે, આ મામલાના આરોપી વકીલ હિમાંશુ દેસાઈ સામે અગાઉ પણ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને સીઆઇડી ક્રાઈમના એક ગુનામાં દેસાઈ સહિત અન્ય 7 વર્ષનો જેલવાસ ભોગવી ચૂક્યા છે.

ઉલ્લેખનિય છે કે, જમીન દલાલનું કામ કરતા વેપારીએ વર્ષ 2018માં રાજેશ ભાલિયા (વડસર બ્રિજ પાસે) થકી તેમની દુકાન 5 હજાર ભાડેથી લીધી હતી. ધંધો ચાલતો ન હોવાથી તેઓ ભાડું આપી શક્યા નહતા. જેથી ભાડાની ઉઘરાણી કરવા રાજેશ ભાલિયા ફરિયાદીનું લેપટોપ, મોબાઈલ અને ચેકબુક લઈને જતો રહ્યો હતો.

રાજેશ ભાલિયાએ ફરિયાદીના મોબાઈલમાં તેમના અને તેમની પત્નીના અંગત પળના વીડિયો જોઈ લીધા છે, વીડિયો વાઇરલ થશે તો તમે ક્યાંયના નહીં રહો, કહી 20 લાખની માગણી કરી હતી. દરમિયાન આસ્થા ફાઉન્ડેશનના ટ્રસ્ટીએ પણ વેપારીને તેમના વીડિયો જોયા હોવાથી 15 લાખ આપવા જણાવ્યું હતું.

આખરે ફરિયાદી રાજેશના ઘરે ગયા હતા, જ્યાં રાજેશ અને તેની પુત્રી હાજર હતાં. રાજેશની પુત્રીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, તમારી બધી વસ્તુઓ મારા વકીલ પાસે મૂકવા આપી છે. તમે જતા રહો નહીં તો ખોટા કેસમાં ફસાવી દઈશ. આખરે કંટાળીને ફરિયાદીએ રાજેશ ભાલિયા, રાજેશ ભાલિયાની પુત્રી અને હિમાંશુ દેસાઈ સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરી હતી.

સયાજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા આરોપી રાજેશ ભાલિયાને ગુરુવારે હોસ્પિટલમાંથી રજા અપાતાં સીઆઇડી ક્રાઈમ દ્વારા અટકાયત કરી કોરોના રિપોર્ટ કરાવ્યો હતો, જે નેગેટિવ આવતાં સત્તાવાર ધરપકડ કરી અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...