કાર્યવાહી:મોરબીના ડબલ મર્ડર કેસનો આરોપી વડોદરાથી ઝડપાયો

વડોદરા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
આસીફ સુમરા - Divya Bhaskar
આસીફ સુમરા
  • નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા થઇ હતી
  • હત્યા કર્યા​​​​​​​ બાદ 5 આરોપી જુદી જુદી દિશામાં ભાગ્યા હતા

મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યા કરી અલગ-અલગ દિશામાં ફરાર થઇ ગયેલા પાંચ આરોપી પૈકી એક આરોપીને વડોદરા રેલવે પોલીસે વડોદરા રેલવે સ્ટેશનના પ્લોટફોર્મ નંબર 4ના ઓવરબ્રિજ પાસેથી ઝડપી લીધો હતો. આરોપીને મોરબીપોલીસને સોંપવાની તજવીજ શરૂ કરાઈ હતી. રેલવે પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ તાજેતરમાં મોરબી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારુક મેમણ અને તેમના પુત્ર ઇમ્તિયાઝ મેમણની ચાકુ અને છરીના ઘા મારીને હત્યા કર્યા બાદ 5 શખ્સ ફરાર થઇ ગયા હતા.

દરમિયાન રેલવે પોલીસને બાતમી મળી હતી કે, વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4ના અમદાવાદ તરફના ઓવરબ્રિજ નીચે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં બેઠેલો છે. જેથી પોલીસે દરોડો પાડી આસીફ રહીમ સુમરા નામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસ પૂછપરછમાં આસીફે જણાવ્યું હતું કે, તે તેના સાથીદારો હસો મિયાણા, જુસો મિયાણા, લાલો અને ડાડો ઝેડા સાથે મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ ફારુક મેમણના ઘેર ગયા હતા.

ત્યારબાદ ડાડા ઝેડાએ ફોન કરી બહાર બોલાવતાં ફારુક મેમણ અને તેમનો પુત્ર ઇમ્તિયાઝ ઘરની બહાર આવતાં પાંચેય જણાએ ભેગા મળીને ચાકુ અને છરા વડે હુમલો કરી બંનેની હત્યા કરી હતી. ત્યારબાદ તમામ હત્યારા અલગ-અલગ દિશામાં ફરાર થઇ ગયા હતા. પોલીસે આસીફને ઝડપી લઇને મોરબી બી ડિવિઝન પોલીસને સોંપવાની તજવીજ કરી હતી. ચૂંટણી સમયના મનદુ:ખમાં હત્યા કરાઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

અન્ય 4 આરોપી મોરબીમાંથી ઝડપાયા
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મોરબી નગરપાલિકાના માજી ઉપપ્રમુખ અને તેમના પુત્રની હત્યાના બનાવમાં સંડોવાયેલા અન્ય 4 આરોપીને પોલીસે મોરબી અને આસપાસના વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા, જ્યારે મોરબી છોડીને ભાગી છૂટેલો આસીફ વડોદરા પહોંચ્યો હતો. તે વડોદરા સ્ટેશનથી ટ્રેન દ્વારા ભાગી છુટવાની વેતરણમાં હતો ત્યારે જ પોલીસના હાથે ઝડપાયો હતો. પોલીસે તેને મોરબી પોલીસને સોંપવાની તજવીજ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...