ભાસ્કર એક્સક્લૂઝિવ:વડોદરામાં 50 લાખના ટ્રી મ્યુઝિયમનું બાળમરણ હવે 54 લાખના અર્બન ફોરેસ્ટનો ઉછેર

વડોદરા6 દિવસ પહેલાલેખક: નિરવ કનોજીયા
  • કૉપી લિંક
અગાઉ - Divya Bhaskar
અગાઉ
  • 4 વર્ષ પૂર્વે વડસર પાસે 8 હજાર છોડ વાવ્યા પણ માવજત ન કરી
  • પાલિકાના 75 પ્લોટ પર 6 હજાર વૃક્ષો ઉછેરવા રૂા. 20 લાખનો નિભાવણી ખર્ચ કરાશે
  • સપનાનું વાવેતર : લેન્ડફીલ સાઇટ પરથી લીલોતરી ગાયબ

પાલિકાએ રૂા. 54 લાખના ખર્ચે અર્બન ફોરેસ્ટ બનાવવાનું નક્કી કર્યુ છે. ચાર વર્ષ પહેલાં વડસર પાસે રૂા. 50 લાખના ખર્ચે બનાવેલું મ્યુઝિયમ ઓફ ટ્રી દેખરેખના અભાવે સૂકું ભઠ્ઠ બન્યું છે. જેમાં 8 હજાર વૃક્ષો વાવ્યા હતા. પરંતુ તેની યોગ્ય દરકાર નહીં લેવાતા અા પ્રોજેકટનું બાળ મરણ થઇ ગયું હતું. પાલિકાની નિષ્કાળજીના કારણે થયેલા રૂા. 50 લાખના ધુમાડા બાદ ફરીથી રૂા. 54 લાખનો ધૂમાડો લીલોતરીના નામે કરવાનો કારસો ઘડી કાઢયો છે.

અત્યારે: લેન્ડફીલ સાઇટ પર બનેલા વડસર ટ્રી મ્યુઝિયમની જાળવણી ન થતાં દુર્દશા થઇ છે.
અત્યારે: લેન્ડફીલ સાઇટ પર બનેલા વડસર ટ્રી મ્યુઝિયમની જાળવણી ન થતાં દુર્દશા થઇ છે.

સ્માર્ટ સિટીના નામે પાલિકાએ અનેક એવા પ્રોજેકટ હાથે લીધા હતા. જેનાથી તંત્રની તિજોરીને નુકસાન જ પહોંચ્યું છે. વર્ષ 2018માં પાલિકાએ વડસર લેન્ડ ફિલ સાઈટની જગ્યા ખાલી થતા ત્યાં મ્યુઝિયમ ઓફ ટ્રી બનાવ્યું હતું. જેમાં રૂા. 50 લાખના ખર્ચે 8 હજાર જેટલા છોડ લગાડવામાં આવ્યા હતાં.

તે સમયે ખુદ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેનું ઉદ્ઘાટન કરી ગૌરવ લીધું હતું અને આ પ્રકારનો પ્રોજેકટ અન્ય શહેરમાં પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જોકે યોગ્ય માવજતના અભાવે હવે આ મ્યુઝિયમ સૂકું ભઠ્ઠ બન્યું છે. પાલિકાના તંત્રની નિષ્કાળજીથી રૂ. 50 લાખનો વેડફાટ થયો છે. જોકે આ ખર્ચ માથે પડ્યા બાદ પાલિકાના સત્તાધીશોએ એક અર્બન ફોરેસ્ટ બનાવવાનું નક્કી કર્યું છે.

આ વર્ષના બજેટમાં પાલિકા વિવિધ પ્લોટમાં વૃક્ષો ઉછેરવા માટેનું પ્લાનિંગ કરી અર્બન ફોરેસ્ટ નામનો નવો કોન્સેપ્ટ લઈને આવી છે. જેમાં પાલિકાની પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખાએ રૂ. 54 લાખના ખર્ચે 6000 વૃક્ષ ઉછેરવાનું નક્કી કર્યું છે. શહેરમાં પાલિકા હસ્તકના 75 પ્લોટ પર અલગ અલગ જાતના છોડને ઉછેરી તેની ફરતે ફેંસિંગ તેમજ અન્ય સિવિલ વર્ક કરવામાં આવશે.

જેનો ખર્ચ પણ વાર્ષિક ઇજારમાંથી થશે. તદુપરાંત પાલિકા 6 હજાર છોડની નિભાવણી પાછળ રૂ. 20 લાખ વાર્ષિક ખર્ચશે. રૂ. 50 લાખનું આંધણ કર્યા બાદ હવે પાલિકા તંત્રને સુજેલા નવા તુક્કા પાછળ રૂ. 74 લાખ ખર્ચ કરશે.

પાલિકાની યોજના એક, નામો અનેક જેવો ઘાટ
શહેરમાં વૃક્ષો ઉછેરવા માટે પાલિકા દ્વારા આયોજન થતું રહે છે. અગાઉ તત્કાલિન મ્યુ. કમિશનર ડો. વિનોદ રાવ મિશન મિલિયટ ટ્રીઝનો પ્રોજેકટ લાવ્યા હતા. જેમાં કેટલા વૃક્ષો આવ્યા અને કેટલા ઉછેર્યા તેની કોઇ માહિતી નથી. ત્યાર બાદ ટ્રી મ્યુઝિયમ બનાવાયું હતું. જેની હાલત જોવા જેવી થઇ ગઇ છે. હવે અર્બન ફોરેસ્ટના નામે 54 લાખનો ખર્ચ કરાશે.

ટ્રી મ્યુિઝયમમાં માત્ર 25 ટકા જ વૃક્ષો સુકાઈ ગયા છે
આપણે આ પ્રોજેક્ટ વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યો છે. કેટલાક છોડ સુકાઈ ગયા છે. વાર્ષિક ઇજારાથી આપેલા ઇજારદાર દ્વારા નિભાવણી કરવામાં આવે જ છે. માત્ર 25 ટકા જ વૃક્ષો સુકાઈ ગયા છે. - ડો. હિતેન્દ્ર પટેલ, અધ્યક્ષ, સ્થાયી સમિતિ

જે વૃક્ષો છે તે સાચવો, પછી બીજા ઉગાડો
પાલિકાએ જે ખર્ચો મુક્યો છે તે મારા હિસાબે વધારે છે. જો પાલિકા આટલો ખર્ચો કરતી હોય તો એવા વૃક્ષો ઉછેરવા જોઇએ કે જેનું રાખવું ઉપયોગી બને. પહેલા જે વૃક્ષો ઉગેલા છે તેની માવજત કરે અને ત્યારબાદ બીજા વૃક્ષો ઉછેરે. - પ્રો. અરુણ આર્ય, હેડ, બોટની ડિપાર્ટમેન્ટ,MSU

ટ્રી મ્યુઝિમય અન્યો માટે ઉદાહરણરૂપ હતું
તત્કાલિન સીએમ વિજય રૂપાણીએ ટ્રી મ્યુઝિયમના ઈનોગ્રેશન વેળાએ અન્ય શહેરોએ પણ વડોદરાથી શીખ લેવી જોઈએ તેમ કહ્યું હતું. પરંતુ માવજતના અભાવે વૃક્ષો સૂકાઇ ગયા,છોડને ત્રણ વર્ષ થતાં જાળવણી કરવી જોઈતી હતી. - ડો. જીતેન્દ્ર ગવલી, નિયામક, લોક વિજ્ઞાન કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...