તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • The 27 Crore Solar Project In Vadodara Will Generate 14 Lakh Units Of Electricity A Year, Energy Minister Saurabh Patel Will Inaugurate Today.

દેશનો સૌપ્રથમ રોડ સોલર પ્રોજેક્ટ:વડોદરામાં 27 કરોડના ખર્ચે તૈયાર થયેલો સોલર પ્રોજેક્ટ વર્ષે 14 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરશે, ઉર્જામંત્રી સૌરભ પટેલે લોકાર્પણ કર્યું

વડોદરા3 મહિનો પહેલા
  • રૂફટોપ સોલર પ્લાન્ટ દ્વારા રોજ 3930 યુનિટ વીજળી જનરેટ કરશે, પાલિકાને વાર્ષિક વીજ બીલમાં 87 લાખ રૂપિયાની બચત થશે
  • વર્ષમાં 185 દિવસ સોલર ટનલ રંગબેરંગી વીજળીથી ઝગમગશે, શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે

વડોદરાના હાર્દ સમા અકોટા-દાંડિયા બજાર બ્રિજના રોડ પર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલો રૂફટોપ સોલર પાવર પ્લાન્ટનું આજે રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલે લોકાર્પણ કર્યું હતું. આ રૂફટોપ સોલર પ્લાન્ટ દ્વારા પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. રૂફટોપ સોલર પ્લાન્ટથી વડોદરા મહાનગરપાલિકા વાર્ષિક વીજ બીલમાં 87 લાખ રૂપિયાની બચત થશે. વીજળી આપવા સાથે આ સોલર પ્લાન્ટ શહેરીજનો માટે એક પીકનીક સ્પોટ બની રહેશે. વર્ષમાં 185 દિવસ સોલર ટનલ રંગબેરંગી વીજળીથી ઝગમગશે અને વડોદરાના લોકોને આનંદ આપશે.

ઉર્જા મંત્રી સર સયાજી નગરગૃહમાંથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા લોકાર્પણ કર્યું
વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર(વહીવટ) સુધિર પટેલે રૂફટોપ સોલર પ્લાન્ટ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડોદરાના હાર્દ સમા દાંડિયાબજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલર પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલો આ રૂફટોપ સોલર પ્લાન્ટ આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સર સયાજી નગરગૃહમાંથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા વડોદરાને લોકાર્પણ કર્યું હતું.

વર્ષમાં 185 દિવસ સોલર ટનલ રંગબેરંગી વીજળીથી ઝગમગશે, શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે
વર્ષમાં 185 દિવસ સોલર ટનલ રંગબેરંગી વીજળીથી ઝગમગશે, શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે

રૂફટોપ સોલર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે
રૂફ ટોપ સોલર પ્લાન્ટની વિશેષતા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ રૂફટોપ સોલર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલા રાજીવનગર સુએઝ પમ્પિંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પિંગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે. જેથી વડોદરા મહાનગરપાલિકાને વર્ષે આવતો રૂપિયા 87 લાખનો વીજળી ખર્ચ બચી જશે અને કોર્પોરેશનની તિજોરી ઉપર રૂપિયા 87 લાખનું ભારણ ઓછું થશે.

20 વર્ષ સુધી સોલર પ્લાન્ટનું મેઇન્ટેનન્સ ઇજારદાર કરશે
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ.કે. પટેલે વધુમાં જણાવ્યું હતું કે, આગામી 20 વર્ષ સુધી આ સોલર પ્લાન્ટનું મેઇન્ટેનન્સ અને સર્વિસ રૂફ ટોપ સોલર પ્લાન્ટ તૈયાર કરનાર ઇજારદાર કરશે. ઉત્પન્ન થનારી વીજળી અંગે મધ્ય ગુજરાત વીજ કંપની અને વડોદરા મહાનગરપાલિકા વચ્ચે MOU થશે. આ રૂફ ટોપ સોલર ટનલ વીજળી આપવા સાથે વડોદરા શહેર માટે એક આકર્ષણરૂપ પુરવાર થશે.

ઉર્જા મંત્રી સૌરભ પટેલે સર સયાજી નગરગૃહમાંથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા લોકાર્પણ કર્યું
ઉર્જા મંત્રી સૌરભ પટેલે સર સયાજી નગરગૃહમાંથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા લોકાર્પણ કર્યું

શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે
તેમણે ઉમેર્યું હતું કે, આ રૂફ ટોપ સોલર ટનલ વીજળી ઉત્પન્ન કરવા સાથે શહેરીજનો માટે પિકનીક સ્પોટ પણ બની રહેશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ સોલર ટનલમાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી છે. આ લાઇટીંગ શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર તહેવારોના દિવસોમાં ચાલુ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ લાઇટીંગ ચાલુ કરવા માટે વર્ષના 185 દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સોલર ટનલમાં ફરવા આવનાર શહેરીજનો માટે અન્ય સુવિધાઓ ઉભી કરવાનું પણ કોર્પોરેશન દ્વારા વિચારવામાં આવી રહ્યું છે.

સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 27.4 કરોડના ખર્ચે પ્લાન્ટ તૈયાર થયો
ઉલ્લેખનિય છે કે, વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ફેઝ-2 તથા સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 27.4 કરોડના ખર્ચે દાંડિયા બજાર અને અકોટાને જોડતા બ્રિજ ઉપર તૈયાર થયેલા રૂફટોપ સોલર પ્લાન્ટનું લોકાર્પણ આજે રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલના હસ્તે સાંજે 5 કલાકે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ પ્લેટફોર્મના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજ્યના મંત્રી યોગેશ પટેલ, સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર કેયુર રોકડીયા, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ તેમજ શહેરના ધારાસભ્યો જીતેન્દ્ર સુખડીયા, સીમાબહેન મોહિલે, મનિષાબહેન વકીલ સહિત કોર્પોરેશનના કાઉન્સિલરો, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોરોના વોરિયર્સનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

રાજ્યના સોલર રૂફટોપ યોજનાના 15 ટકા લાભાર્થી માત્ર વડોદરાના જ છે
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, રહેણાંક માટે સોલર રૂફટોપ યોજના બહાર પાડી છે. જેમાં વડોદરામાં 39 હજાર અરજીઓ મળી છે. વડોદરા જિલ્લામાં 33702 લોકોના ઘરે સોલર રૂફટોપ યોજના કાર્યરત છે. જેમાંથી 32 હજાર લોકો માત્ર વડોદરા શહેરના લાભાર્થી છે. વડોદરા શહેર અને જિલ્લાના લોકો 130 મેગાવોટ વીજળી ઉત્તપન્ન કરે છે. રાજ્યના સોલર રૂફટોપ યોજનાના 15 ટકા લાભાર્થી માત્ર વડોદરાના જ છે.