લોકસભાની ચૂંટણી આવતાં જ ભાજપે હવે મતદારોને રીઝવવાના કાર્યક્રમો શરૂ કર્યા છે. જેમાં મન કી બાતના 100 એપિસોડ બાદ હવે 101માં એપિસોડ 101 સ્થળે યોજવાનું આયોજન છે. જેમાં 101 મહિલાઓ 101 બહેનોને જોડી તેમને નમો એપ ડાઉનલોડ કરાવશે. જે મહિલાઓ એપ્લિકેશન ડાઉનલોડ કરશે તેમની નિશુલ્ક આરોગ્ય તપાસ કરવાનું નક્કી કરાયું છે. ભાજપ દ્વારા 101માં મન કી બાત કાર્યક્રમમાં બહેનોને જોડવાનું આયોજન કર્યું છે.
જેમાં 101 સ્થળોએ 35 મહિલા કાઉન્સિલરો, 35 મહિલા મોરચાના હોદ્દેદારો અને અન્ય સામાજિક સંસ્થાઓ ગુલાબી પહેરવેશમાં 10,000થી વધુ મહિલાઓને એકત્ર કરી તેમને વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમ સંભળાવશે. જેમાં વૈષ્ણવ, પાટીદાર, ક્ષત્રિય, આદિવાસી અને સામાજિક રીતે પછાત વર્ગની મહિલાઓ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવશે. 28મી તારીખે જે મહિલાઓ નમો એપ ડાઉનલોડ કરશે, તેમના આરોગ્યની નિશુલ્ક તપાસ ભાજપના ડોક્ટર સેલ દ્વારા કરવામાં આવનાર છે. તે માટે શહેરમાં 13 હોસ્પિટલો નક્કી કરાઈ છે.
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે આરોગ્યની તપાસ સાથે લેબોરેટરીના રિપોર્ટ, સોનોગ્રાફી, રેડિયોલોજી તેમજ સ્તનના કેન્સરનું નિદાન કરતી મેમોગ્રાફી સહિતની ચકાસણી વિનામૂલ્ય કરાશે. બીજી તરફ મીડિયા ઇન્ચાર્જ સત્યેન કુલાબકર દ્વારા જે મહિલાઓ નમો એપ ડાઉનલોડ કરશે, તે મહિલાઓને શહેરમાં 7 પીયુસી સેન્ટર પરથી પીયુસી સર્ટિફિકેટ પણ નિશુલ્ક કાઢી આપવામાં આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.