12 વર્ષના લગ્ન જીવન દરમિયાન બે સંતાનની યુવાન પરિણીતાને સમાજના લગ્ન પ્રસંગમાં સમાજના જ યુવાન સાથે આંખ મળી જતાં પ્રેમ કરી બેઠી હતી. એક વર્ષના પ્રેમ સબંધ દરમિયાન યુવાને પરિણીત પ્રેમિકાને પત્ની તરીકે રહેવા માટે મજબૂર કરતો હતો. જોકે, પરિણીતા માટે શક્ય ન હોય, ઇન્કાર કરી દેતા યુવાને આપઘાત કરી લેવાની ધમકી આપી હતી. ધમકીથી ગભરાયેલી પરિણીત પ્રેમિકાએ ઝેરી દવા ગટગટાવી લઇ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી પરિણીતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું.
સુખી દાંપત્ય જીવનમાં દુઃખના દિવસો શરૂ થયા આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે 27 વર્ષિય દિપાલીનું (નામ બદલ્યું છે) 12 વર્ષ પહેલાં પાદરામાં મહેશ (નામ બદલ્યું છે) સાથે લગ્ન થયું હતું. 12 વર્ષના લગ્ન જીવનમાં બે સંતાનો છે. મહેશ છૂટક મજૂરી કામ કરીને પત્ની અને બે સંતાનોનું ગુજરાન ચલાવે છે. અને સુખમય જીવન પસાર કરે છે. ઓછી આવકમાં પણ મહેશ પત્ની તથા બે બાળકોને ખૂશ રાખતો ન હતો. પરંતુ, એક વર્ષ પહેલાં દિપાલી અને મહેશના સુખી દાંપત્ય જીવનમાં વડોદરાના એક યુવાનનો પ્રવેશ થતાં સુખી દાંપત્ય જીવનમાં દુઃખના દિવસો શરૂ થયા હતા.
ફોન ઉપર પ્રેમાલાપ કરતા હતા
મળેલી માહિતી પ્રમાણે એક વર્ષ પહેલાં સમાજમાં લગ્ન પ્રસંગ હતો. દિપાલી પણ લગ્ન પ્રસંગમાં ગઇ હતી. આ લગ્ન પ્રસંગમાં સમાજનો વડસર ખાતે રહેતો અરૂણ પણ ગયો હતો. આ લગ્ન પ્રસંગમાં યુવાન પરિણીતા દિપાલી અને અરૂણની આંખો મળી ગઇ હતી. બંનેએ એક-બીજાને પોતાના મોબાઇલ ફોન નંબર આપ્યા હતા. અવાર-નવાર બંને ફોન ઉપર પ્રેમલાપ કરતા હતા.
પ્રેમી સાથે સંસાર માંડવો અશક્ય
એક વર્ષના સમયગાળા દરમિયાન દિપાલી અને અરૂણ ફોન ઉપર થતી પ્રેમની વાતોને પગલે બંને એકબીજાને ગળાડૂબ પ્રેમ કરવા લાગ્યા હતા. પ્રેમાલાપ દરમિયાન બંને એકબીજા વગર રહેવું શક્ય નથી. તેવી પણ વાતો કરી રહ્યા હતા. જોકે, દિપાલી માટે પોતાના પતિ અને બે સંતાનો સહિતના પરિવારને છોડી પ્રેમી અરૂણ સાથે સંસાર માંડવો શક્ય ન હતો.
પ્રેમિએ પ્રેમિકાને ધમકી આપી
થોડા સમય પહેલાં અરૂણે પ્રેમિકા દિપાલીને જણાવ્યું કે, "તું મારા ઘરે મારી પત્ની તરીકે રહેવા આવી જા" પરિણીત પ્રેમિકાએ પ્રેમીની માંગને ઠુકરાવી દેતા જણાવ્યું કે, આ શક્ય બનશે નહિં. ત્યારે પ્રેમી અરૂણે ધમકી આપતા જણાવ્યું કે, "જો તું મારી ઘરે મારી પત્ની તરીકે રહેવા નહિં આવે તો હું મારી જાતે મરી જઇશ"
પરિણીતા પાદરામાં સારવાર હેઠળ
પ્રેમી અરૂણે આપેલી ધમકીથી ગભરાયેલી પ્રેમિકા દિપાલીએ પોતાના ઘરમાં પડેલી જંતુનાશક દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા ગટગટાવી લેતા બેભાન થઇ ગયેલી દિપાલીને હાલ પાદરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે પાદરા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ રાજુભાઇ તપાસ કરી રહ્યા છે. તપાસ કરી રહેલા રાજુભાઇએ જણાવ્યું હતું કે, આપઘાતનો પ્રયાસ કરનાર યુવતી બેભાન અવસ્થામાં હોવાથી નિવેદન લઇ શકાયું નથી. ભાનમાં આવ્યા બાદ નિવેદન લીધા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.