વડોદરા મહાનગર પાલિકાએ ચૂંટણી બાદ પાલિકાએ રૂ. 199 કરોડના ખર્ચે બનનારા બ્રિજના ટેન્ડર રદ્દ કર્યા હતા. તે સમયે નાણા ન હોવાના કારણે નિર્ણય લેવાયો હતો. જ્યારે હવે રદ્દ કરાયેલા 4 બ્રિજ પૈકી બે બ્રિજ બનાવવાના કામ માટે પાલિકાએ રૂ. 98 કરોડના અંદાજ ખર્ચ માટે ટેન્ડર મંગાવ્યા છે.
પાલિકાએ સમા તળાવ જંકશન, ખોડીયાર નગર ચાર રસ્તા, સરદાર એસ્ટેટ જંકશન તેમજ વૃંદાવન જંકશન પર રૂ. 199 કરોડ અંદાજીત ખર્ચે 4 બ્રિજ બનાવવાના હતા. આ તમામ બ્રિજના કામો પણ 18 મહિના પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ કામ માટેની પ્રક્રિયા ચૂંટણી પહેલા જ શરૂ કરાઈ હતી. પરંતુ મતદાનની પ્રક્રિયા પૂર્ણ થતાં જ પાલિકાએ તમામ ચાર ટેન્ડરને રદ્દ કર્યા છે. ત્યારે પાલિકા પાસે ફંડ નહીં હોવાથી હાલ પૂરતી કામગીરી બંધ રાખવામાં આવી હોવાની ચોંકાવનારી બાબત સામે આવી હતી.
ત્યારે હવે પાલિકાએ સરદાર એસ્ટેટ અને વૃંદાવન ચાર રસ્તા ઉપર બે ફ્લાય ઓવર માટેની પ્રક્રિયા શરૂ કરી છે. એક તરફ હજી પાલિકાને 3.5 કિમી લાંબા અટલ બ્રિજની બાકી ગ્રાન્ટ મળી નથી, માત્ર સરકારે અશ્વાસ આપ્યું છે ત્યારે પાલિકાએ સરદાર એસ્ટેટ ચાર રસ્તા પર રૂ. 50.07 કરોડ અને વૃંદાવન ચાર રસ્તા પર રૂ. 48.51 કરોડના ખર્ચના અંદાજ સાથે ટેન્ડર બહાર પાડી ભાવપત્રો મંગાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણીમાં વિકાસના બણગા ફૂંકી પ્રજાને લોભાવવા માટે બ્રિજના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ નાણાના અભાવે ટેન્ડર રદ્દ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વડોદરામાં રાજ્યના સૌથી મોટા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને હવે શહેરમાં પાલિકા દ્વારા વધુ બે બ્રિજ બનાવવા માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.