અકસ્માત:ટેમ્પો ચાલક જીવ બચાવવા હાઇવેને બદલે શહેરમાં ઘૂસ્યો, 2 સ્થળે 4ને અડફેટે લીધા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરણામા પાસે દારૂ પીધા બાદ ચાર્જિંગ મુદ્દે અન્ય ડ્રાઇવર સાથે તકરાર થઈ હતી
  • L&T સર્કલ પાસે અને બાપોદમાં અકસ્માત, લોકોએ પકડી પાડી મેથીપાક આપ્યો

વરણામા પાસે હોટલમાં જમીને દારૂ પીધા બાદ ચાર્જિંગ મુદ્દે અન્ય ડ્રાઈવર સાથે તકરાર થતાં ટેમ્પોચાલક ટેમ્પો લઈ ભાગ્યો હતો. લોકોએ પીછો કરતાં તે હાઈવેને બદલે શહેરમાં ઘૂસી ગયો હતો. તેણે એલએન્ડટી સર્કલ પાસે વાહન ચાલકને ટક્કર મારી બાપોદમાં અકસ્માત કરતાં લોકોએ તેને પકડીને માર્યો હતો. પોલીસે ચાલકની ધરપકડ કરી હતી. ટેમ્પાે ચાલકે ચાર જણને ઇજા પહોંચાડી હતી.વાઘોડિયા રોડ ઇશ્વરનગરમાં રહેતા વિક્રમ ભરવાડે ફરિયાદમાં જણાવ્યું કે, રાતે 11-15 વાગે મિત્ર વનરાજસિંહ પરમારનો કોલ આવ્યો હતો. તેણે કહ્યું કે, વાઘોડિયા ચોકડી પાસે તક્ષ ગેલેક્ષીમાં મોલ સામે મિત્ર હાર્દિક બારિયાને આઈસર ટેમ્પો ટક્કર મારી ભાગ્યો છે.

ટેમ્પો ચાલકે એલએન્ડટી પાસે પણ બે જણાંને ટક્કર મારી છે, તમે સરદાર એસ્ટેટ આવો. વિક્રમ ભરવાડે બાઈક લઇને ટેમ્પાેનો પીછો કરતાં જે.પી.નગર પાણીની ટાંકી પાસે ટેમ્પાને આેવર ટેક કરવાનો ઇશારો કરતાં બાઈકને ટક્કર મારી હતી, જેથી વિક્રમ ભરવાડને ઇજા થઇ હતી. તે પછી વૃંદાવન ચાર રસ્તા પાસે ચાલકે ટેમ્પો ઊભો રાખતાં લોકોએ મેથીપાક આપ્યો હતો.

બાપોદ પોલીસે જણાવ્યું કે, આરોપી ઇમરાન મુશ્તાકઅલી સૈયદ (સંજયનગર, અમદાવાદ) ભરૂચથી ભંગાર લઇ અમદાવાદ જતો હતો. વરણામા પાસે ચાર્જિંગ મુદ્દે અન્ય ડ્રાઇવર સાથે ઝઘડો થતાં તે ભાગ્યો હતો. લોકોએ પીછો કરતાં ઇમરાન સૈયદ અને ક્લીનર ટેમ્પો લઇ હાઈવેને બદલે મકરપુરા થઇ શહેરમાં ઘૂસી ગયા હતા.

પોલીસની ગાડી આવી જતાં ચાલક બચી ગયો
​​​​​​​બેફામ ટેમ્પો લઇ નીકળેલા ચાલકને વૃંદાવન ચોકડી પાસે લોકોએ ઘેરી લીધો હતો. જેથી પોલીસને બોલાવી હતી અને પોલીસની ગાડી આવતાં ટોળું વિખેરાયું હતું અને ડ્રાઈવર બચી ગયો હતો. હું પાનના ગલ્લે બેઠો હતો ત્યારે ઘટના બની હતી. (વાઘોડિયા રોડના કમા ભરવાડ સાથેની વાતચીત)

આરોપી ભંગાર લઇ અમદાવાદ જતો હતો
આરોપી ઇમરાન સૈયદ અને ક્લીનર ભરૂચથી ભંગારના પીપનો સામાન લઇને અમદાવાદ જતા હતા ત્યારે મધરાતે ઘટના બની હતી.પોલીસે જણાવ્યું કે, આરોપી પીધેલો હતો અને તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...