બેવડી હત્યા:તેજસે લગ્નની જીદ કરતાં પ્રેમિકાએ 25 દિવસથી વાત કરવાનું બંધ કર્યું

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પત્ની-પુત્રીની હત્યા કરનાર તેજસની પ્રેમિકાની પૂછપરછ
  • હત્યા કર્યા બાદ તેજસ પટેલે ફોન કરી પત્નીને કંઈ થઈ ગયાનું કહ્યું હતું

સમાની ચંદનપાર્ક સોસાયટીમાં પત્ની અને પુત્રીની હત્યાના બનાવમાં શનિવારે પોલીસે તેજસની કહેવાતી પ્રેમિકાને બોલાવી ત્રણ કલાક પૂછપરછ કરી હતી. જેમાં તેજસે લગ્ન કરવાની જીદ પકડતા પ્રેમિકાએ તેની સાથે છેલ્લા 25 દિવસથી વાતચીત બંધ કરી હતી. બીજી તરફ હત્યા કર્યા બાદ સવારે તેજસે પ્રેમિકાને ફોન કરી તેની પત્નીને કંઈ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું. જોકે પ્રેમિકાએ માત્ર શું થયું છે તેમ કહી કોઈ ખાસ રિસ્પોન્સ આપ્યો ન હોવાનું પોલીસને જણાવ્યુ હતુ.

સમા ચંદનપાર્ક સોસાયટીમાં ઘરજમાઈ તરીકે રહેતા તેજસ પટેલે તેની પત્ની શોભના અને 6 વર્ષની પુત્રી કાવ્યાને ઝેર મિશ્રિત આઈસક્રીમ ખવડાવી અને ગળું દબાવી હત્યા કરી હતી. આ ઘટના માટે પતિ તેજસનું પ્રેમ પ્રકરણ પણ જવાબદાર હોવાની આશંકાએ પોલીસે શનિવારે પ્રેમિકાને પૂછપરછ માટે સમા પોલીસ મથકે બોલાવી હતી. જેની ત્રણ કલાક પૂછપરછ કરી હતી. સમા પોલીસના જણાવ્યા પ્રમાણે પતિ તેજસ પટેલે યુવતી સાથે લગ્ન કરવાની જીદ પકડતાં યુવતીએ 25 દિવસ પહેલાથી જ તેજસ સાથે વાત કરવાનું બંધ કર્યુ હતું. તેજસ અવાર નવાર તેણીને તું મારી સાથે કેમ નથી બોલતી તેવા મેસેજ કરતો હતો. પરંતુ યુવતીએ રિપ્લાય આપવાનું ટાળ્યું હતું. જે ચેટ પણ યુવતીએ પોલીસને બતાવી હતી.

બહેન સાથે લગ્ન કરવાની જીદ કરનાર તેજસને યુવતીના ભાઈએ પણ સમજાવ્યો હતો. બીજી તરફ ઘટનાની સવારે તેજસે યુવતીને સવારે ફોન કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે મારી પત્નીને કંઈ થઈ ગયું છે. જોકે આ સાંભળી યુવતીએ તેને ઘટનાનું કારણ પૂછ્યું હતું, પરંતુ કોઈ વધારે રિસ્પોન્સ આપ્યો નહતો. સમા પોલીસને કોર્ટમાંથી તેજસના ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે. જે દરમિયાન તેના રિમાન્ડ પૂર્ણ થતાં હવે સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...