મહિલા પોલીસ જ સુરક્ષિત નથી:વડોદરામાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની યુવકે છેડતી કરી

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વાડી પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
વાડી પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • મહિલા પોલીસકર્મી રોમિયોગીરી કરતા યુવકને ઝડપી પાડી પોલીસ મથકમાં લઇ ગઇ

વડોદરામાં દિવસે દિવસે યુવતીઓની છેડતીના બનાવો વધી રહ્યા છે. હવે પોલીસ તંત્રમાં ફરજ બજાવતી મહિલા પોલીસ પણ સલામત રહી નથી. વડોદરા શહેરના વાડી વિસ્તારમાં સિવિલ ડ્રેસમાં રોડ રોમિયોની વોચમાં ઉભેલી મહિલા પોલીસ કોન્સ્ટેબલની જ યુવકે છેડતી કરી હતી. જોકે, પોલીસે રોડ રોમિયોને ગણતરીની મિનીટોમાં ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો.

મહિલા પોલીસ કોન્સ્ટેબલને યુવકે બીભત્સ ઈશારા કર્યાં
વડોદરા શહેરના વાડી પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અન્ય કર્મી સાથે પ્રતાપનગર ત્રણ રસ્તાથી યમુના મિલ સુધી સાદા ડ્રેસમાં ચેન સ્નેચિંગ તથા રોડ રોમિયોને શોધવાની કામગીરીમાં હતા. તે સમયે મહિલા કોન્સ્ટેબલ વિહાર સિનેમા પાસે ઉભી હતી. તે સમયે નજીકના પાનના ગલ્લા ઉપર ઊભેલો એક વ્યક્તિ તેમને જોઈને બીભત્સ ઈશારા કરતો હતો. યુવકની કરતૂતને પગલે મહિલા કોન્સ્ટેબલ ત્યાંથી થોડે નજીક શાકમાર્કેટ ત્રણ રસ્તા ખાતે જઇ ઊભી રહી હતી.

રોમિયોએ મહિલા પોલીસકર્મીને કહ્યું: 'આપણે આવતી કાલે મળીશું
યુવકના ચેનચાળાથી છૂટકારો મેળવવા માટે મહિલા કોન્સ્ટેબલ દૂર જતી રહી હોવા છતાં, રોમિયોએ કોન્સ્ટેબલનો પીછો કર્યો હતો અને કોન્સ્ટેબલને ઈશારા કરીને ફોન નંબર માંગ્યો હતો. અને જણાવ્યું હતું કે, 'આપણે આવતી કાલે મળીશું' જેથી પોલીસે રોમિયોગીરી કરતા યુવકને ઝડપી પાડી પોલીસ મથકમાં લઇ આવી હતી. પોલીસ મથકમાં લાવ્યા બાદ રોમિયોની પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ અમીન અબ્દુલકાદર વ્હોરા(રહે, ખત્રીવાડ, હાથીખાના,વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

મહિલા પોલીસ પણ રોડ રોમીયોથી સલામત રહી નથી
જાહેર માર્ગ ઉપર સિવીલ ડ્રેસમાં ફરજ બજાવી રહેલ વાડી પોલીસ મથકની મહિલા કોન્સ્ટેબલની છેડતી કરતા રોડ રોમીયો સામે વાડી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય બાબત એ છે કે, વડોદરા શહેરમાં દિવસે દિવસે યુવતીઓની છેડતીના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. હવે તો મહિલા પોલીસ પણ રોડ રોમીયોથી સલામત રહી નથી. વાડી પોલીસ મથકના મહિલા પોલીસ સાથે બનેલા આ બનાવે પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મૂકી હતી.

અન્ય સમાચારો પણ છે...