જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આજે શિક્ષકો દ્વારા સમિતિના કમ્પાઉન્ડમાં ગાયત્રી યગ્ન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
શિક્ષકો પોસ્ટર્સ અને બેનર્સ સાથે જોડાયા
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મુખ્યાલય મધ્યવર્તી શાળા ખાતે શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો. જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ સાથે ગાયત્રી યજ્ઞના કાર્યક્રમમાં તમામ શિક્ષકો પોસ્ટર્સ અને બેનર્સ સાથે જોડાયા હતા અને જુની પેન્શન યોજના શરૂ કરવાની માંગ કરી હતી.
સંવેદનશીલ સરકાર માંગ પૂરી કરે
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના મંત્રી જીગર ઠાકરે જણાવ્યું હતું કે, આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો દ્વારા આજે સમિતીની કચેરી ખાતે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો અને જુની પેન્શન યોજના શરૂ કરવા માંગણી કરવામાં આવી છે. અમારી સાથે વડોદરા જિલ્લાના વિવિધ સંગઠનો છે. રાજ્યની સંવેદનશીલ સરકાર અમારી માંગ પૂરી કરે તેવી અમારી લાગણી અને માગણી છે. જો સરકાર દ્વારા અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો ગુજરાત સંયુક્ત મોરચા દ્વારા જે ગાઇડ લાઇન જાહેર કરશે તે પ્રમાણે આગળ વધીશુ.
ચોથા વર્ગના કર્મચારીઓએ રામધૂન કરી
ઉલ્લેખનીય છે કે, હાલમાં ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી કરવાની માંગ સાથે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. આજે તેમના આંદોલનનો ચોથો દિવસ છે. બે દિવસ દરમિયાન તેમણે તંત્રની આંખો ખોલવા માટે પોતાના હકો ભીખ સ્વરૂપે માંગ્યા હતા. ત્યારબાદ રામધૂન બોલાવી આંદોલનમાં પ્રાણ ફૂંકયો હતો. અને આજે ચોથા દિવસે ગાયત્રી યગ્ન કરી માતાજી પાસે સરકારને સદબુદ્ધિ આપવા માટે પ્રાર્થના કરી હતી. કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારીઓ પદાધિકારીઓ આંદોલનનો નિવેડો લાવવા કોણીએ ગોળ લગાવી રહ્યા છે.
શિક્ષણ સમિતિ કોર્પોરેશનની સહમતી વગર આગળ વધવા તૈયાર નથી
કોર્પોરેશને કાયમી અંગેનો નિર્ણય શિક્ષણ સમિતિ ઉપર ઢોળ્યો છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિ કોર્પોરેશનની સહમતી વગર આગળ વધવા તૈયાર નથી. આમ બાય બાય ચારણીના કારણે ત્રસ્ત બનેલા કર્મચારીઓ આંદોલનને વળગી રહ્યા છે. વર્ષોથી લડત ચલાવતા કર્મચારીઓની સમર્થનમાં અગાઉ કોઈ માથું મારતું ન હતું. પરંતુ હવે કર્મચારીઓ લડતના મૂડમાં આવતા રાજકીય લોકો પણ રોટલો શેકવાનો પ્રયાસ કરતા નજરે ચડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.