કોરોનાના વધતા જતા કેસો વચ્ચે શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સતત સંક્રમિત થઈ રહ્યા છે. મ.સ. યુનિવર્સિટીના આસિસ્ટન્ટ રજિસ્ટર તથા સાયન્સ ફેકલ્ટીના 3 વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત શહેર-જિલ્લાની 4 સ્કૂલના શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે, જેના પગલે સ્કૂલ બંધ કરવામાં આવી છે.કોરોનાના કેસોમાં ધરખમ ઉછાળો આવ્યો છે. મ.સ. યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ રજિસ્ટર મયંક વ્યાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં સેક્શન બંધ કરવામાં આવ્યું હતું. 13મી જાન્યુઆરીએ યોજાનારી સેનેટની ચૂંટણી માટે તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી હતા.
જોકે તેઓ સંક્રમિત થતાં તેમની જગ્યાએ હવે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કે.એમ.ચુડાસમા ચાર્જ સંભાળશે. આ સિવાય યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના 3 વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. બોટની વિભાગની એક વિદ્યાર્થિની અને કેમિસ્ટ્રીના 2 વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતાં વિભાગ બંધ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ શહેર-જિલ્લાની 4 સ્કૂલોમાં શિક્ષકો પોઝિટિવ આવ્યા હતા, જેમાં તેજસ વિદ્યાલયના પ્રાથમિક શિક્ષક, ડોન બોસ્કો વિદ્યાલયના પ્રાથમિક શિક્ષક તથા સોખડાના શ્રી શિવમ વિદ્યાલય તથા વડુની મહાલક્ષ્મી નગીનદાસ પ્રાથમિક શાળાના શિક્ષકો સંક્રમિત થતાં શાળા બંધ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કર્મચારીઓ મળીને 50થી વધારે લોકો સંક્રમિત થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.