ભાસ્કર વિશેષ:GST વિભાગના દુરાગ્રહથી કરદાતા પરેશાન, માત્ર ભાડાની આવક તોય ઓફિસનું રજિસ્ટ્રેશન મગાય છે,મૃતકના નંબર રદ કરવા નન્નો

વડોદરા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GST રજિસ્ટ્રેશન-કેન્સલેશનમાં હેરાનગતિ કરાતી હોવાનો CGCTCનો આક્ષેપ

જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા જાહેર કરાતા ‘ઉપર’થી આવેલા હુકમો અને નિયમોની આડમાં જીએસટી રજિસ્ટ્રેશન અને કેન્સલેશન માટે વ્યવસાયિકો અને વેપારીઓ હેરાન થઇ રહ્યાં છે. માત્ર મિલકતને ભાડે આપીને જ જીવન ગુજારતી વ્યક્તિને જીએસટી રજિસ્ટ્રેશન અપાતું નથી તો પણ નંબર માટે દુરાગ્રહ રખાય છે. બીજી તરફ પરિવારજનના મોત બાદ તેના નામના જીએસટીએનને કેન્સલ કરવા માટે જીએસટી વિભાગ નનૈયો ભણે રાખે છે. જેના પગલે સેંકડો વેપારીઓ અને વ્યવસાયિકો હેરાન થઇ રહ્યા છે. શહેરમાં 50 હજારથી વધુ જીએસટી કરદાતા છે.

સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ્સ(સીજીસીટીસી)ના હોદ્દેદારોના જણાવ્યા મુજબ રજિસ્ટ્રેશનના ધાંધિયા તો છેલ્લા ઘણા મહિનાઓથી ચાલે છે પણ હાલમાં જે નિયમો વિભાગ દ્વારા બતાવવામાં આવે છે તે વ્યવહારુ હોતા નથી. જેના પગલે તેને પૂરા કરવા કાં તો અશક્ય હોય છે કે કાં તો ખૂબ જ મુશ્કેલ હોય છે. આ હાલતમાં વેપારીઓ અને વ્યવસાયિકો અવઢવમાં જ નહીં ઘણા કિસ્સામાં રીતસરના મુશ્કેલીમાં મૂકાઇ જાય છે.

અધિકારીઓના મનઘડંત નિયમોને પગલે ટેક્સ કન્સલ્ટન્ટ્સને તેમના ક્લાયન્ટ્સ વેપારીઓ અને વ્યવસાયિકોને સાચી સ્થિતિ સમજાવતા નાકે દમ આવી જાય છે. રજિસ્ટ્રેશન માટેની ત્રણવાર અરજી રદ થઇ હોય તેવા પણ સંખ્યાબંધ કરદાતા શહેરમાં છે. ઉપરાંત જીએસટી કાયદામાં છે જ નહીં તેવા ડોક્યુમેન્ટ્સ મગાય છે. જેમાં એમએસએમઇના, ગુમાસ્તાધારાના સર્ટિફિકેટનો સમાવેશ થાય છે.

નાના સોફ્ટવેર ડેવલપર્સ ઓફિસ કેમ ખરીદે?
ટેક્સ કન્સલ્ટન્ટસ દ્વારા વિભાગ દ્વારા નિયમો બતાવીને કેવી હેરાનગતિ થાય છે તેના કિસ્સાની વાત કરતાં કહે છે કે, નાના સોફ્ટવેર ડેવલપર્સ હોય જેમને માત્ર કમ્પ્યૂટરની જરૂર હોય છે, તે જીએસટી નંબર માગે ત્યારે ઘરનું નહીં ઓફિસનું સરનામું મોકલવાનું કહેવાય છે. જ્યારે કોઇ ધંધા માટે પ્રાથમિક અરજી કરાય ત્યારે પહેલાં જ પાનકાર્ડની ઝેરોક્સ, ફોટો વગેરે માગી લેવાય છે. પછી રજિસ્ટ્રેશન માટે જાય ત્યારે પણ આ ડોક્યુમેન્ટ્સ મગાય છે.

એકના એક ડોક્યુમેન્ટ વારંવાર માગવા એ કાં તો વિભાગ ટેક્નોલોજીમાં પછાત છે કાં તો વ્યવસાયિકો આક્ષેપ મૂકે છે તેમ બિનજરૂરી હેરાનગતિ કરાઈ રહી છે. જ્યારે સીજીસીટીસીના સભ્યોના જણાવ્યા મુજબ કોઇ વ્યક્તિનું નિધન થયું હોય કે કંપની, ધંધો બંધ કરવો હોય તો જીએસટી નંબર કેન્સલ કરવાનો પ્રયાસ કરાય તો પણ વિભાગ કેન્સલ કરતું નથી. ધંધો ન હોય તો પણ રિટર્ન આવે છે અને રિટર્ન ન ભરે તો લેટ ફીની ‘ચિઠ્ઠી’ ફાટે છે.

અન્ય સમાચારો પણ છે...