વડોદરા પાલિકાનું રાજકોટ મોડલ:જાહેરમાં નોનવેજ લટકાવી વેચતી 3 હજાર લારી પર તવાઇ, પકડાશે તો બંધ કરાવાશે

વડોદરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આજથી ડ્રાઇવ શરૂ કરાશે ,લારીઓમાં અને જાહેર માર્ગ પરની દુકાનોમાં માંસાહાર અને ઇંડાં દેખાય નહીં તે રીતે ઢાંકીને રાખવા આદેશ
  • શહેરમાં નોનવેજની કેટલી લારીઓ-દુકાનો છે તે પાલિકાને ખબર જ નથી, માર્ગો પર કાયમી પાર્ક થતાં વાહનોનો ચાર્જ વસૂલવા કવાયત

રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ શુક્રવારથી શહેરમાં 3 હજાર જેટલી નોનવેજ અને ઇંડાની લારીઓ પર ડ્રાઇવ કરાશે. જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, તેને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીના પગલાં લેવાશે. પાલિકાના શુક્રવારથી ડ્રાઇવ શરૂ કરવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે નોનવેજની કેટલી લારીઓ છે તેની પાલિકાને ખબર જ નથી. બીજી તરફ પાલિકા દ્વારા હવે શહેરના રાજમાર્ગો પર રોજ પાર્ક કરાતા વાહનો પાસેથી પાર્કિગનો ચાર્જ વસૂલવાની પણ કવાયત શરૂ કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓની બોલાવેલી બેઠકમાં મુખ્ય રસ્તા ઉપર અને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારી પર વસ્તુઓ દેખાઇ નહિ તેવી સૂચના આપી છે. રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન-મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા સૂચના આપી અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે મચ્છી વેચનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે સ્થાયી અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની બેઠક બોલાવી નોન વેજ અને આમલેટની લારી ચલાવતા વેપારીઓને જાહેરમાં મટન સહિતની વસ્તુઓ દેખાઇ નહીં તે પ્રકારે રાખવા માટેની સૂચના આપી છે.

ડો. હિતેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે શહેરમાં મટન કે મચ્છીની દુકાન- લારીઅો ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવી અન્ય રીતે વેચાણ કરે એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા એવી પણ સૂચના અપાઇ હતી કે શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે તદુપરાંત રસ્તા ખોદકામ કરીને જે ઓપ્ટિક ફાઈબર કેબલ નખાયા છે તેના ભાડાની કરોડોની આવકની વસુલાત કરવા બે વિભાગો વચ્ચે સંકલન રાખી તાત્કાલિક વસુલાત કરવામાં આવે.

કાયદો તો પહેલેથી જ છે પરંતુ હવે અમલ થશે
નિતિ નિયમ પ્રમાણે માંસ જાહેરમાં દેખાય ન તે રીતે રાખવા માટે કાયદો બનાવાયો છે જોકે વર્ષોથી આ કાયદાનો અમલ કરાતો નથી. હવે માંસાહારને જાહેરમાં ઢાંકીને રાખવાનો નિર્ણય કર્યો છે,તેનો અમલ કરાશે તેવી આશા છે. - પ્રકાશ શેઠ,જૈન અગ્રણી

દરેક વોર્ડદીઠ અલગ ઝોનની માગ કરી જ છે
શહેરમાં 16 હજાર લારી પૈકી 3 હજાર જેટલી નોનવેજ-ઇંડાની લારી છે. અગાઉ પણ રજૂઆતો કરી હતી કે દરેક વોર્ડ પ્રમાણે નોનવેજની લારી માટે અલગ હોકીંગ ઝોન બનાવાય. - અરવિંદ સિંધા- પ્રમુખ,સ્ટ્રીટ વેન્ડર એસો.

નોનવેજના વેચાણ પર પ્રતિબંધ જ હોવો જોઇએ
કોર્પોરેશને જે પણ નિર્ણય લીધો છે તે સારો છે, નોનવેજનું વેચાણ થવું જ ન જોઇએ. હિન્દુ ધર્મમાં એક કીડીને મારવી પણ ગુનો ગણાય છે ત્યારે નોનવેજના વેચાણ પર પ્રતિબંધ હોવો જોઇએ. - અનિલ જૈન, પ્રમુખ વીએચપી

પાલિકાએ બનાવેલા નિયમોનું પાલન કરાશે
કોર્પોરેશનએ જે નિયમ બનાવ્યો છે કે નોન વેજ ઢાંકીને રાખવાનું તથા સ્વચ્છતા રાખવાનું, તેનું પાલન કરવામાં આવશે. લોકોને તકલીફ ના પડે તેનું ધ્યાન રાખવું વેપારીઓની ફરજ છે અને નિયમોનું પાલન કરાશે. -મુન્ના ઘાંચી,નોનવેજના વેપારી

અન્ય સમાચારો પણ છે...