ભાસ્કર વિશેષ:તંત્રની આંખ પર પાટા : અક્ષર પબ્લિક સ્કૂલમાંથી જ પાઠ્ય પુસ્તકો લેવાની ફરજ પડાતાં વાલીઓનો દરોડો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અનેક સ્કૂલો બુક સ્ટોલ સાથે સાંઠગાંઠ કરી ત્યાંથી પુસ્તકો ખરીદવા આગ્રહ કરે છે

સેવાસી ખાતે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે વાલીઓને પાઠ્ય પુસ્તકો સ્કૂલમાંથી જ લેવાની ફરજ પાડવામાં આવી રહી હોવાનું સામે આવતાં હોબાળો મચી ગયો હતો. વાલી મંડળ દ્વારા સ્કૂલ પર રેડ પાડીને પાઠ્ય પુસ્તકો વેચવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ફરિયાદ પણ કરવામાં આવશે.

સ્કૂલોમાંથી પુસ્તકો નહિ વેચવા માટેની સૂચના હોવા છતાં પણ સ્કૂલો દ્વારા ગેરકાયદેસર રીતે પુસ્તકો વેચવાની કામગીરી કરવામાં આવી રહી છે. ઘણી સ્કૂલો દ્વારા બુક સેલરો સાથે સાંઠગાંઠ કરીને ચોક્કસ દુકાનો પરથી જ પુસ્તકો ખરીદવાનો આગ્રહ રાખવામાં આવતો હોય છે. જેના કારણે વાલીઓ પર ખોટું ભારણ આવે છે.

સેવાસી ખાતે આવેલી અક્ષર પબ્લિક સ્કૂલ ખાતે વાલીઓને પાઠ્ય પુસ્તકો અને નોટબુક સ્કૂલના પાછળના ભાગે વેચવામાં આવી રહી હોવાની વાલી મંડળને ફરિયાદ મળી હતી. વાલી મંડળના સભ્ય દીપક પાલકરે જણાવ્યું હતું કે, વાલીઓને સ્કૂલમાંથી જ પુસ્તકો ખરીદવા માટે કહેવામાં આવ્યું હતું. સ્કૂલમાં પાછળના ભાગે કમ્પાઉન્ડમાં પાઠ્ય પુસ્તકો અને નોટબુકોનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું.

તેમના રૂમોમાં પાઠ્ય પુસ્તકો અને નોટબુકોના ઢગલા પડેલા હતા. 2 વર્ષ પહેલાં ખાનગી શાળા અક્ષર પબ્લિક સ્કૂલ સેવાસીને ફી નિયમન સિમતિ દ્વારા શાળાની અંદર પુસ્તકો વેચવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. શાળા પરિસરમાં જ ખાનગી પુસ્તકોનું વેચાણ કરવું જે કાયદાથી વિપરીત છે અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે રજૂઆતો કરવામાં આવશે.

આગામી સમયમાં શિક્ષણમંત્રી, મુખ્યમંત્રને પણ ફરિયાદ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, શાળા દ્વારા પુસ્તકો, યુનિફોર્મ સહિત તમામ વસ્તુઓનો ધંધો કરવામાં આવે છે, જે અંગે અનેક ફરિયાદો છતાં પણ કાર્યવહી કરવામાં આવી નથી.

સ્કૂલની પાછળના ભાગે પુસ્તકો વેચી રહ્યાં હતાં
અક્ષર પબ્લિક સ્કૂલની પાછળના ભાગે પુસ્તકોને વેચવામાં આવી રહ્યા હતા, જેથી કોઇ વિવાદ ન થાય. જોકે વાલીઓ દ્વારા જ વાલી મંડળને ફરિયાદ કરવામાં આવી હતી અને જેના પગલે સમગ્ર વાત બહાર આવી હતી.

અન્ય સમાચારો પણ છે...