અનાજ કૌભાંડ:ટેમ્પાની GPS સિસ્ટમ સાથે છેડછાડ કરી અનાજનો જથ્થો અન્ય સ્થળ પર ઠાલવ્યો

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • સરકારી અનાજ વગે કરતા સસ્તા અનાજની દુકાનના 2 સંચાલક સહિત 8 સામે ગુનો
 • GPSમાં નિયત લોકેશન જ બતાવતું હતું, સીસીટીવી જોતાં ટેમ્પો અન્ય સ્થળોએ દેખાયો

સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ ભરીને નીકળેલા ટેમ્પામાં જીપીએસ સિસ્ટમ સાથે છેડછાડ કરીને રૂા.8 લાખનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના ગુનામાં પુરવઠા નિરીક્ષક દ્વારા ધી માંજલપુર કો.ઓપ.સોસાયટી લિ. અને શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ. સસ્તા અનાજની દુકાનના સંચાલક સહિત કુલ 8 લોકો વિરુદ્ધ સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

પુરવઠા નિરીક્ષક શબ્બીર મહંમદ દિવાનની ફરિયાદ મુજબ, 18 જુલાઈએ દરોડો પાડતાં સંચાલક નરેશ જગદીશચંદ્ર અગ્રવાલની ધી માંજલપુર કો.ઓ.સો.લિ. દુકાનમાં ઘઉંમાં 718 કિલોની વધ, ચોખામાં 11,552 કિલો ઘટ, ખાંડમાં 15.700 કિલો વધ મળી હતી. પ્રમુખ ઈશ્વર ખુમાનસિંહ સોલંકીની શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ.ની સસ્તા અનાજની દુકાનમાં ઘઉંમાં 3622 કિલોની ઘટ, ચોખામાં 14,521 કિલો ઘટ અને ખાંડમાં 257.040 કિલોની ઘટ હતી.

તપાસમાં પુરવઠાના ગોડાઉનથી અનાજ ભરીને નીકળેલા ટેમ્પાએ માંજલપુર કો.ઓ.સો.લિ.માં 17 જુલાઈએ 1000 કિલો ઘઉં, 18,600 કિલો ચોખા પહોંચાડ્યા હતા. શ્રીનાથ કો.ઓ.ક.સો.લિ.ની દુકાનમાં 950 કિલો ઘઉં, 3850 કિલો ચોખા અને બીજા રાઉન્ડમાં 650 કિલો ઘઉં અને 3950 કિલો ચોખા આપ્યા હતા. નિરીક્ષકે હુજરાતપાગાના ગોડાઉનથી 17 જુલાઈએ સવારે 10.45 વાગે, સાંજે 6:27 વાગ્યે અનાજ લઈ નિકળેલા ટેમ્પાના જીપીએસ લોકેશન, રૂટના સીસીટીવી જોતાં ટેમ્પો દુકાનો સુધી ન પહોચીને ક્યાંક બીજે જ અનાજ ખાલી કર્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

રૂટ પ્રમાણે જથ્થો ઉતારતાં 4 કલાક લાગે જે 69 મિનિટમાં જ ઉતારાયો
વડોદરા | સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજનો જથ્થો લઈને નિકળેલા ટેમ્પાને માંજલપુરની બે સસ્તા અનાજની દુકાનો પર શિડ્યુલ મુજબ 4 કલાકમાં જથ્થો ઉતારી શકાય તેમ હોવા છતાં આરોપીઓએ 69 મિનિટમાં જ જથ્થો ઉતાર્યાનું અને ત્રણ અલગ-અલગ સ્થળોએ એક જ સમયે એન્ડ ટ્રીપ કરી હોવાનું જોવા મળ્યું હતું. નિગમના ટેમ્પામાં જીપીએસ ટ્રેકીંગ મોનીટરીંગ સીસ્ટમની ફાર આઈ એપમાં આરોપીઓએ છેડછાડ કરીને રૂટ બદલી જથ્થો ડાયવર્ટ કર્યો હોવાનું બહાર આવ્યું છે.

પુરવઠાની તપાસમાં ગોડાઉનથી નીકળેલા ટેમ્પોનું જીપીએસ ચેક કરતાં ટેમ્પો નિયત રૂટ પર બતાવ્યો હતો જો કે સીસીટીવી જોતાં 11:05 કલાકે અકોટા પોલીસ લાઈન તરફ ગયો હોવાનું દેખાય છે. ત્યારબાદ ટેમ્પો ખાલી હોવાનું દેખાતું હતું. આ રીતે અન્ય લોકેશનોમાં પણ ગેરરીતી ઝડપાઇ હતી.

ઈપીઓડીમાં પણ એક જ દુકાનદારનો ફોટો હતો
ટેમ્પાના ચાલકે જથ્થો પહોંચાડ્યાની સાબિતી તરીકે ઈપીઓડી લેવાની હોય છે. જમાં બંને વ્યાજબી ભાવની દુકાનોનો જથ્થો કોઈ એક જ દુકાનદારનો ફોટો અપલોડ કરેલો હોવાનું જોવા મળ્યું હતું. આમ પુરવઠાના ગોડાઉનથી નિકળેલો ટેમ્પામાંથી જીપીએસ સીસ્ટમ દુર કરીને અલગ જ દુકાને લઈ જવામાં આવ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

કયા કયા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો

 • સમીર દિપકભાઈ માવાણી (રાજકોટ), ડોર સ્ટેપ ડિલિવરીના ઈજારદાર અને સમીર ટ્રેડર્સના પ્રોપરાઈટર
 • રાજેશ ચંદુભાઈ પટણી (રહે-ઉમા સોસાયટી, હરણી રોડ), સમીર ટ્રેડર્સના પ્રતિનિધી
 • કમલેશ પટણી (રહે-વૃંદાવન પાર્ક, હરણી રોડ), સમીર ટ્રેડર્સના પ્રતિનિધી
 • ભરત પટણી (રહે-દિપીકા સોસાયટી, કારેલીબાગ), સમીર ટ્રેડર્સના પ્રતિનિધી
 • ઈરફાન અહેસાન અંસારી (રહે-અશોકનગર, તુલસીવાડી), ટેમ્પાનો માલિક
 • પ્રવિણ રસીકભાઈ બારીયા (શંકરપુરા, વાઘોડિયા), ટેમ્પાનો ડ્રાઈવર
 • નરેશ જગદીશચંદ્ર અગ્રવાલ, ધી માંજલપુર કો.ઓપ.સોસાયટીના સંચાલક
 • ઈશ્વર ખુમાનસિંહ સોલંકી, શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ.નો પ્રમુખ
અન્ય સમાચારો પણ છે...