ગાજ્યા મેઘ વરસે નહીં:વડોદરા જિલ્લાની 3 બેઠકો ઉપર બળવો કરનાર વર્તમાન અને બે માજી ધારાસભ્યો છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જશે તેવી ચર્ચા

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બળવાખોરોની ઓફિસે કાર્યકરોના ધામાય - Divya Bhaskar
બળવાખોરોની ઓફિસે કાર્યકરોના ધામાય
  • ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલાને ટિકીટ અપાશતો ભડકો
  • ડભોઇમાં કોંગ્રેસના 500 કાર્યકરોએ કેસરીયા કર્યા

ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની પાંચ બેઠકો ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. પાંચ બેઠકો પૈકી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠકો ઉપર ભડકો થયો છે. વાઘોડિયા બેઠકના વર્તમાન ધારાસભ્ય, કરજણ અને પાદારના માજી ભાજપાના ધારાસભ્યોએ અન્ય પાર્ટી અથવા અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જોકે, આ ત્રણે બેઠકના ધારાસભ્યો "ગાજ્યા મેઘ વરસે નહીં" તે કહેવતને સાર્થક કરે તેવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે.

તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જો રાતોરાત ભાજપ છોડી કોંગ્રેસમાં આવેલા તક સાધુઓને ટિકિટ આપશે તો કોંગ્રેસમાં પણ ભડકો થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં ડભોઇમાં કોંગ્રેસના 500 કાર્યકરો ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા તક સાધુને કોંગ્રેસ ટિકિટ આપનાર હોવાની દહેશતને લઇ કેસરીયા કર્યાં છે.

ડભોઇમાં કોંગ્રેસના 500 કાર્યકરોએ કેસરીયા કર્યા હતા.
ડભોઇમાં કોંગ્રેસના 500 કાર્યકરોએ કેસરીયા કર્યા હતા.

કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા પ્રયાસ
ભાજપ દ્વારા વડોદરા જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં વાઘોડિયા બેઠક ઉપર જિલ્લા ભાજપા પ્રમુખ અશ્વિન પટેલ, કરજણ બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરા બેઠક ઉપર પાદરા નગરપાલિકા પ્રમુખ ચૈતન્યસિંહ ઝાલા, સાવલી બેઠક ઉપર કેતન ઇનામદાર અને ડભોઇ બેઠક ઉપર શૈલેષ મહેતા (સોટ્ટા)નું નામ જાહેર કરવામાં આવ્યું છે.

સાવલી અને ડભોઇને બાદ કરતા વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ભાજપે ટિકિટ ન આપતા વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કરજણ બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા) અને પાદરા બેઠકના ભાજપના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલે (દિનુ મામા) બળવો કરી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેમાં મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ (દિનુ મામા)એ અપક્ષ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જ્યારે કરજણ બેઠક ઉપરથી સતિષ પટેલ (નિશાળીયા)એ કોંગ્રેસમાંથી ટિકિટ લડવા માટે કોંગ્રેસનો સંપર્ક કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી ચૂંટણી લડવાની તૈયારી કરનાર ભાજપાના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)
કોંગ્રેસમાંથી ટિકીટ મેળવી ચૂંટણી લડવાની તૈયારી કરનાર ભાજપાના પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ (નિશાળીયા)

માત્ર ફૂંફાડા મારે છે
વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠકના ભાજપના કેટલાક કાર્યકરો અને બળવો કરવાના મૂડમાં આવેલા કાર્યકરો અને કેટલાક સમર્થકોએ જણાવ્યું હતું કે, ગુજરાતીમાં જાણીતી કહેવત છે "ગાજ્યા મેઘ વરસે નહિં" ટિકિટ ન મળતા બળવો કરી ચૂંટણી લડવા માટે ફૂંફાડા મારી રહેલા કરજણના સતીષ પટેલ (નિશાળીયા), પાદરાના દિનેશ પટેલ (દિનુ મામા) અને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ કાર્યકરો કહેશે તો અમે ચૂંટણી લડવા તૈયાર છે. તેમ જણાવી રહ્યા છે. પરંતુ, વાસ્તવિકતા એ છે કે, બળવો કરી ચૂંટણી લડવા માંગતા ત્રણે દિગ્ગજો ભાજપા હાઇકમાન્ડથી ડરી રહ્યા છે. તેઓ માટે અપક્ષ કે બીજી પાર્ટીમાંથી ટિકિટ લાવી ચૂંટણી લડવી અશક્ય છે.

પાદરા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ભાજપાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા)
પાદરા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલા ભાજપાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના ચેરમેન દિનેશ પટેલ (દિનુ મામા)

ત્રણે ભાજપાની કામગીરી કરવી પડશે
કેટલાક કાર્યકરો અને સમર્થકોએ એ પણ જણાવ્યું કે, આ ત્રણે દિગ્ગજો દૂધે ધોયેલા નથી. જો તેઓ પ્રામાણિક હોત તો તેઓને પક્ષ દ્વારા ટિકીટ પણ આપવામાં આવી હોત. પરંતુ, તેઓની છબી સારી ન હોવાના કારણેજ તેઓને ટિકીટ આપવામાં આવી નથી. જો તેઓ હિંમત કરીને અપક્ષ અથવા બીજા પક્ષમાંથી ટિકીટ લાવીને ચૂંટણી લડશે તો ભાજપાની સત્તાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. શક્ય છે કે, તેઓને ભાજપા જો પોતાનો પાવર બતાવશે તો આર્થિક, માનસિક અને શારીરીક રીતે પણ હેરાન થવું પડે. આથી વાઘોડિયા, કરજણ અને પાદરા બેઠક ઉપર ટિકીટ ન મળતા નારાજ થયેલા મધુ શ્રીવાસ્તવ, સતીષ પટેલ (નિશાળીયા) અને દિનેશ પટેલ (દિનુ મામા) ભલે ફૂંફાડા મારે, ઉમેદવારી પત્રો પણ ભરી આવે. પરંતુ, છેલ્લી ઘડીએ પાણીમાં બેસી જશે. અને ત્રણેને ભાજપામાં કામ કરવાની ફરજ પડશે.

વાઘોડીયા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડવા માટે કાર્યકરોનો અભિપ્રાય લેવા ઓફિસે બોલાવ્યા
વાઘોડીયા બેઠક ઉપર અપક્ષ ચૂંટણી લડવા માટે કાર્યકરોનો અભિપ્રાય લેવા ઓફિસે બોલાવ્યા

કોંગ્રેસમાં ભડકો થવાના એંધાણ
તો બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ જો સાવલીમાં ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલા કુલદીપસિંહ રાઉલજી, ડભોઇમાં ભાજપામાંથી કોંગ્રેસમાં આવેલા બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)ને ટિકીટ આપવામાં આવશે તો સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોના વિરોધનો ભોગ બનવું પડશે. ડભોઇમાં તો હજુ બાલકૃષ્ણ પટેલ (ઢોલાર)નું કોંગ્રેસ દ્વારા નામ પણ જાહેર કરવામાં આવ્યું નથી. તે પહેલાંજ ડભોઇના 500 જેટલા કાર્યકરોએ ભાજપાના ધારાસભ્ય અને વર્તમાન ઉમેદવાર શૈલેષ મહેતા (સોટ્ટા)ની હાજરીમાં કેસરીયા કરી લીધા છે. ત્યારે કોંગ્રેસ જો ચર્ચા મુજબ ભાજપામાંથી આવેલા ટિકીટ વાંચ્છુઓને ટિકીટ આપશે તો શું થશે?

અન્ય સમાચારો પણ છે...