રજૂઆત:તલાટી કમ મંત્રી મહામંડળે વાઘોડિયાના મહિલા TDOની બદલી કરવાની માંગ સાથે DDOને આવેદનપત્ર આપ્યું

વડોદરા5 મહિનો પહેલા
  • TDO દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ

વાઘોડિયા તાલુકાના તલાટીઓની ઊંઘ હરામ કરી દેનાર તાલુકા વિકાસ અધિકારી કાજલબેન આંબલીયા સામે આજે નારાજ તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા ડીડીઓની બદલી કરવાની માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તલાટીએ આવેદનપત્રમાં આક્ષેપ કર્યો છે કે, ટીડીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ ગ્રામ પંચાયતના સરપંચ એસોસિએશને જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે ગામોમાં તલાટીઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી. ટીડીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તે યોગ્ય છે. તેઓની બદલી કરવામાં ન આવે તેવી માગણી કરી હતી.

વાઘોડિયા તાલુકામાં 67 ગ્રામ પંચાયત છે જેમાં 37 ગામોમાં તલાટીઓ છે. 37 તલાટીઓ પૈકી 27 તલાટીઓ સામે હાલ ખાતાકીય તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે તલાટી એસોસિએશન દ્વારા ડીડીઓની બદલી કરવામાં આવે તેવી ઉગ્ર માંગ સાથે જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વાઘોડિયાના તલાટીઓ દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે તલાટીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન સફળ કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત ઇ શ્રમ કાડમાં પણ સારી કામગીરી કરવામાં આવી રહી છે.

તેમણે આક્ષેપ કર્યો છે કે ટીડીઓ દ્વારા મનરેગા હેઠળના ગ્રામ સેવકોને પણ છૂટા કરી દેવામાં આવ્યા છે. તાલુકામાં પંદર દિવસથી મીટીંગ ચાલતી હોવાથી તલાટીઓ ગામોમાં જઈ શક્યા નથી. તેવી પણ તેઓએ આવેદન પત્રમાં રજૂઆત કરી છે કે ટીડીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે. અને માનસિક ત્રાસ પણ આપવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. કે અગાઉ ટીડીઓ મહુધા અને સુઈગામ હતા ત્યારે પણ ત્યાંના કર્મચારીઓ તેમના ત્રાસનો ભોગ બન્યા હોવાનો આક્ષેપ કર્યો છે. તેઓએ આવેદનપત્રમાં ટીડીઓની તાત્કાલિક બદલી કરવાની માગણી કરી છે.

તો બીજી બાજુ ટીડીઓની તરફેણમાં ગ્રામ પંચાયતોના સરપંચોએ એવી રજૂઆત કરી છે કે ટીડીઓ તરીકે કાજલ અંબાલીયા આવ્યા બાદ વાઘોડિયામાં અને તાલુકામાં સારી કામગીરી થઇ રહી છે. ગ્રામ પંચાયતોના તલાટીઓને કામ કરવું કરવું ન હોવાથી તે લોકો ખોટા આક્ષેપો કરી રહ્યા છે. આથી ટીડીઓની કોઈપણ હાલતમાં બદલી થવી જોઈએ નહીં. જો બદલી કરવામાં આવશે તો નાછુટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

તલાટીઓ દ્વારા મુકવામાં આવેલ આક્ષેપો અંગે ટીડીઓ કાજલબેન અંબાલીયાએ જણાવ્યું કે, તલાટીઓ સામે ગેરરીતિઓ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાથી મારી સામે આક્ષેપ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...