તંત્રનાં ઠાગાઠૈયાં:ડોર ટુ ડોર વાહનો પર કામ કરતા 951 કર્મીના PF-ESIના ડેટા આપવામાં તંત્રનાં ઠાગાઠૈયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચારેય ઝોનના કોન્ટ્રાક્ટરોએ સોલિડ વેસ્ટ વિભાગને દોઢ મહિને પણ ડેટા ન આપ્યા

શહેરમાં ફરતા ડોર ટુ ડોરના વાહનના મિસ પોઇન્ટ કરવા બદલ કરોડો રૂપિયાની પેનલ્ટી નહીં વસૂલવામાં આવી હોવાના ગંભીર આક્ષેપ ભાજપના કાઉન્સિલર દ્વારા કરવામાં આવ્યા છે. જેની તપાસ અભરાઈએ ચઢાવી દેવામાં આવી છે. બીજી તરફ ચાર ઝોનમાં કાઉન્સિલરે પીએફ અને ઈએસઆઈની માગેલી માહિતી 2 દિવસની જગ્યાએ દોઢ મહિનો થવા છતાં આપી નથી.ભાજપના વોર્ડ 15 ના કાઉન્સિલર આશિષ જોષીએ પહેલા પૂર્વ ઝોનમાં દોડતા ડોર ટુ ડોરના વાહનો દ્વારા મિસ પોઇન્ટ કરવામાં આવતા હોવા છતાં તેમની પાસેથી કરોડો રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં ન આવી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા.

જેના પુરાવાઓ આશિષ જોષીએ મ્યુનિસિપલ કમિશનર અને મેયરની સમક્ષ મૂક્યા હતા. ત્યારબાદ એક પછી એક અન્ય ઝોનના પુરાવાઓ પણ તંત્ર સામે મૂકી જવાબદાર અધિકારીઓને કોન્ટ્રાક્ટર સામે કૌભાંડ બદલ કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.આ રજૂઆત કર્યા બાદ સોફ્ટવેરમાંથી જૂના ડેટા પણ ગાયબ થયા હતા. જોકે આ સમગ્ર મામલે તંત્ર દ્વારા માત્ર કોન્ટ્રાક્ટરોને નોટિસો આપવામાં આવી છે અને તેના જવાબો લેવાની તસ્દી લેવાઈ નથી. ત્યારે કાઉન્સિલર આશિષ જોષીએ શહેરના ચાર ઝોનમાં ડોર ટુ ડોરનાં વાહનો પર કામ કરતા 951 કર્મચારીઓના પીએફ અને ઈએસઆઈના ડેટા માગ્યા હતા.

આધારભૂત સૂત્ર મુજબ આ ડેટા ઓડિટ વિભાગને બિલ સાથે આપ્યા હોવાનું સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું. ઓડિટ વિભાગ દ્વારા પણ તેમની પાસે આ અંગેની કોઈ માહિતી ન હોવાનું જણાવતાં અંતે ચાર ઝોનના કોન્ટ્રાક્ટરો પાસે બે દિવસની સમય મર્યાદામાં તમામ ડેટા સોલીડ વેસ્ટ વિભાગમાં સોંપવા 30મી ઓગસ્ટે નોટિસ આપી હતી.

જોકે બે દિવસમાં ડેટા આપવાની જગ્યાએ દોઢ મહિના ઉપરાંતનો સમય વીતવા છતાં હજી સુધી કોન્ટ્રાક્ટરોએ માહિતી આપી નહિ હોવાનું જાણવા મળ્યું છે. આમ, તંત્ર જાણે કોન્ટ્રાક્ટરોના ઘૂંટણીયે પડ્યું છે અને કોન્ટ્રાક્ટરો તંત્રને ગાંઠતા નથી તે આ બનાવથી સાર્થક થયું છે. જુલાઇમાં વોર્ડ 15ના કાઉન્સિલરે ડોર ટુ ડોર વાહનો દ્વારા કરવામાં આવેલા મિસ પોઇન્ટની તંત્ર દ્વારા કરોડો રૂપિયાની પેનલ્ટી વસૂલવામાં નહીં આવી હોવાના આક્ષેપ કર્યા બાદ તપાસ ઠેરની ઠેર છે.

અન્ય સમાચારો પણ છે...