નવી આપદા:સ્વાઇન ફ્લૂ વકર્યો, 1 દિવસમાં 9 કેસ 14 હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાણી-મચ્છરજન્ય રોગ બાદ વાઇરલથી તંત્ર દોડ્યું : ચારધામ જઇને આવેલા 30 ટકા દર્દી સ્વાઇન ફ્લૂની ઝપટમાં
  • 2020માં 9, 2021માં 16 દર્દી હતા, જ્યારે 2022માં સ્વાઇન ફ્લૂના 87 દર્દી નોંધાયા

શહેરમાં પાણીજન્ય રોગચાળો વ્યાપ વધારી રહ્યો છે. સાથે જ વરસાદના પાણીને પગલે મચ્છરજન્ય રોગચાળો પણ વધી રહ્યો છે. આરોગ્ય વિભાગ આ બે રોગચાળાની કામગીરીમાં દોડતું થયું છે. ત્યારે બીજી તરફ છેલ્લા 15 દિવસમાં એચ-1 એન-1 વાયરસથી થતો સ્વાઈન ફ્લૂ શહેરમાં વકરી રહ્યો છે. એક જ મહિનામાં શહેરમાં 60 ઉપરાંત દર્દીઓ નોંધાયા છે. જે પૈકી 11 દર્દીઓ હાલ સારવાર હેઠળ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈનફ્લુના દર્દીઓ નોંધાયા
શહેરના તબીબો મુજબ ચારધામ યાત્રાએથી પરત ફરેલા લોકોમાં સ્વાઈન ફ્લૂ મોટી સંખ્યામાં જોવા મળ્યો છે. શહેરના લગભગ તમામ વિસ્તારમાં સ્વાઈનફ્લુના દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગ મુજબ ગુરુવારે શહેરમાં કુલ 9 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. ત્યારે 27 અઠવાડિયામાં અત્યાર સુધી 87 દર્દીઓ પોઝિટિવ આવ્યા છે, જે ત્રણ વર્ષમાં સૌથી વધારે છે. શહેરની 14 પ્રાઇવેટ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બે સરકારી હોસ્પિટલ ગોત્રી અને સયાજીમાં પણ દર્દીઓ માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

કોરોના કરતા પણ સ્વાઈન ફ્લૂમાં મોર્ટાલિટી રેટ વધારે
​​​​​​​
કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરી જે દર્દી પોઝિટિવ આવ્યો હોય તેના પરિવારજનોમાં પણ લક્ષણો છે કે કેમ અને તેમને પણ દવાની જરૂર છે કે નહીં તે તમામ પાસા ઉપર નજર રાખવામાં આવી રહી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગ મુજબ કોરોના કરતા પણ સ્વાઈન ફ્લૂમાં મોર્ટાલિટી રેટ વધારે જોવા મળે છે.

કેટલાંક દર્દીમાં કોરોના-સ્વાઇન ફ્લૂનાં સંયુક્ત લક્ષણો જણાયાં
કોરોના અને સ્વાઈન ફ્લૂ બંને લક્ષણો હોય તેવા દર્દીઓ પણ જોવા મળે છે. અમારા દવાખાનામાં જ એક દર્દીને એક મહિનાની લાંબી સારવાર બાદ રજા આપવામાં આવી છે. શહેરના તમામ વિસ્તારમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓ જોવા મળી રહે છે. > ડો.મીનલ ગોહિલ, સનશાઇન ગ્લોબલ

હોસ્પિટલોમાં સ્ટાફ-ડૉક્ટરોને સ્વાઇન ફ્લૂ માટેની રસી મુકાઇ
કોર્પોરેશને તમામ હોસ્પિટલો પાસેથી સ્વાઈન ફ્લૂના દર્દીઓને રાખવાની વ્યવસ્થા અને રસીકરણની માહિતી સાથેના ફોર્મ મંગાવ્યા હતા. જેમાં શહેરની કોર્પોરેટ અને અન્ય મળી માત્ર 14 હોસ્પિટલોને મંજૂરી અપાઇ છે. શ્રીજી હોસ્પિટલના ડોક્ટર મિતેશ સુતરીયાએ જણાવ્યું કે, સ્વાઈન ફ્લૂના દર્દીઓની સારવાર કરનાર અને ડોક્ટરોને અલગ રખાયા છે અને ઇન્ફ્લુએન્ઝાની રસી પણ મૂકાઇ છે. જે હોસ્પિટલના સ્ટાફને રસી મુકવામાં આવી છે તેને જ કોર્પોરેશને મંજૂરી આપી છે. 30 ટકા દર્દી ચારધામ જઈને આવેલા જ જણાયા છે.

અન્ય સમાચારો પણ છે...