રાજકીય પકડદાવ:સ્વિમિંગ ‘ફૂલ’: 6 પૈકી 4 પુલ મરામતના નામે બંધ રાખીને મૂર્ખ બનાવતી પાલિકા

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજીવ ગાંધી સ્વિમિંગપુલની મુલાકાતે જવાની વિપક્ષી નેતાની જાહેરાત થતાં સ્થાયી અધ્યક્ષ દોડ્યા
 • માત્ર લાલબાગ-કારેલીબાગના સ્વિમિંગ પુલ ચાલુ , રાજીવ ગાંધી અને સરદાર બાગ પુલ લાંબા સમયથી બંધ,2 બેબી પુલ માટે મંજૂરી બાકીનું પાલિકાનું ગાણું, 12 હજારથી વધુ તરવૈયામાં નારાજગી

શહેરમા આવેલા 6 સ્વિમિંગ પૂલ પૈકી ચાર સ્વિમિંગ પૂલ બંધ હાલતમાં છે. જેનાથી 12 હજારથી વધુ તરવૈયામાં નારાજગી ફેલાઇ છે. પાલિકાના તંત્રની બેદરકારીના કારણે છેલ્લા 3 વર્ષથી વાઘોડિયા રોડ પર આવેલા રાજીવગાંધી સ્વિમિંગ પુલ અને વડીવાડી ખાતેના સરદારબાગ સ્વિમિંગ પુલને બંધ રાખવામાં આવ્યા છે. જોકે કોરોના કાળમાં મેન્ટેનન્સ કરવાની જગ્યાએ હાલમાં પાલિકાએ મેન્ટેનન્સનું કામ શરૂ કરતાં વિપક્ષે પણ સવાલો ઉઠાવ્યા છે. વાઘોડિયા રોડ પરના રાજીવગાંધી સ્વિમિંગ પુલ બંધ હાલતમાં હોવાની જાણ થતાં વિપક્ષના નેતા અમીરાવત શુક્રવારે મુલાકાત લેવા જવાના હતા.

દરમિયાન અા અંગેની જાણ થતાં સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે તેમની પહેલા દોડી ગયા હતા અને નિરીક્ષણ કર્યું હતું. અા પકડદાવનો ખેલ રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો હતો. શહેરમાં 4 મોટા સ્વિમિંગ પૂલો આવેલ છે અને 2 બેબી સ્વિમિંગ પૂલ હયાત છે. પરંતુ સ્ટાફના અભાવે અને અને કાળજી નહીં લેવાતા 6 પૈકીના 4 સ્વિમિંગ પૂલ છેલ્લા ત્રણ વર્ષથી બંધ હાલતમાં છે. હાલમાં વાઘોડિયા રોડ પર આવેલા રાજીવ ગાંધી સ્વિમિંગ પૂલ મેન્ટેનન્સને કારણે બંધ રાખવામાં આવ્યો છે.

જેમાં અધિકારીના જણાવ્યા પ્રમાણે પાણીનો યોગ્ય ભરાવો નહીં થતો હોવાથી સ્વિમિંગ પૂલ બંધ રાખવો પડી રહ્યો છે. બીજી તરફ વડીવાડી ખાતે આવેલા સરદાર બાગ સ્વિમિંગ પુલમાં પણ મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી તેને પણ છેલ્લા બે વર્ષથી બંધ રાખવામાં આવ્યો છે. જેના કારણે સ્વિમિંગ કરવા આવતા લોકોને અન્યત્ર જવા ફરજ પડી રહી છે. આ સિવાય લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે બેબી સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો છે તેવી જ રીતે કારેલીબાગ સ્વિમિંગ પૂલમાં પણ બેબી સ્વિમિંગ પૂલ મૂકવામાં આવ્યો છે. પરંતુ ત્યાં નવા એડમિશન અપાતા નથી. 20,000થી વધુ મેમ્બરો ધરાવતા 6 સ્વિમિંગ પૂલની હાલત તંત્રની નિષ્ક્રિયતાના કારણે અને સ્ટાફના અભાવે બદતર થઈ છે.

કોરોના ગાઇડલાઇનની દુહાઇ પણ 2 ચાલુ છે તો અન્ય 4 કેમ નહીં?
રાજીવ ગાંધી

 • સભ્યો : 2000થી વધુ મેમ્બરો
 • સ્થિતિ : છેલ્લાં 3 વર્ષથી સ્વિમિંગપુલ બંધ હાલતમાં
 • કોર્પોરેશનનું બહાનું : મેન્ટેનન્સ થયું પણ પાણીની સમસ્યાના કારણે ચાલુ કરવામાં આવતો નથી

સરદાર બાગ

 • સભ્યો : 10,000 લાઈફ ટાઈમ મેમ્બર
 • સ્થિતિ : કોરોના કાળથી બંધ
 • કોર્પોરેશનનું બહાનું : મેન્ટેનન્સ ચાલુ છે

કારેલીબાગ (બેબી સ્વિમિંગપુલ)

 • સ્થિતિ : કોરોના કાળથી બંધ હાલતમાં
 • કોર્પોરેશનનું બહાનું : તંત્રની મંજૂરી લેવાની બાકી છે(નવા એડમિશન બંધ)

લાલબાગ (બેબી સ્વિમિંગપુલ)

 • સ્થિતિ : કોરોના કાળથી બંધ હાલતમાં
 • કોર્પોરેશનનું બહાનું : તંત્રની મંજૂરી લેવાની બાકી છે(નવા એડમિશન બંધ)

કારેલીબાગ અને લાલબાગ સ્વિમિંગપુલ હાલ ચાલુ સ્થિતિમાં છે

આગામી 10 દિવસમાં રાજીવ ગાંધી સ્વિમિંગપુલ શરૂ થઈ જશે
સવારે આ રોડ પરથી નીકળતો હતો એટલે રાજીવ ગાંધી સ્વિમિંગ પુલની મુલાકાત લીધી હતી.પુલમાં પાણી ભરવાનું કામ ચાલી રહ્યું છે. આગામી 10 દિવસમાં પુલ શરૂ થઈ જશે. જ્યારે સરદાર બાદ સ્વિમિંગપુલને શરૂ થતાં એક મહિનો લાગશે.> ડો. હિતેન્દ્ર પટેલ, સ્થાયી અધ્યક્ષ

હાઇકોર્ટનો નિર્દેશ છતાં સ્વિમિંગપુલ ચાલુ ન કર્યો
2014-15થી રાજીવ ગાંધી સ્વિમિંગપુલ બંધ છે. 25થી 30 લાખના ખર્ચે મેન્ટેનન્સ થયા બાદ ચાલુ થયો નથી. 2018માં લાઈફ મેમ્બરો હાઈ કોર્ટમાં જતા પુલ ચાલુ કરવા નિર્દેશ કર્યો છતાં મેન્ટેનન્સના બહાને બંધ રખાયો છે.> અમી રાવત, વિપક્ષી નેતા

વડોદરામાં જ નવા એડમિશન બંધ કેમ?
શહેરમાં આવેલા સ્વિમિંગ પુલમાં નવા એડમિશનની પ્રક્રિયા બંધ છે. જયારે અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં પાલિકા સંચાલિત સ્વિમિંગપુલમાં નવી એન્ટ્રી અપાય છે તો વડોદરામાં કેમ નહીં.

અન્ય સમાચારો પણ છે...