તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા PI પત્ની હત્યા કેસ:સ્વિટીની હત્યા પૂર્વયોજિત કાવતરું, PIએ મહિના પહેલાં લાશનો નિકાલ કરવાનો પ્લાન ઘડ્યો હતો

વડોદરા2 મહિનો પહેલા
આરોપી અજય દેસાઈ - ફાઇલ તસવીર
 • પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને 11 દિવસના રિમાન્ડ
 • અટાલીની હોટેલ પાછળ લાકડાંના 5 ઢગલા કોણે કર્યા?
 • એક લાશ માટે 7 મણ લાકડાં જોઇએ તો કરાઠાથી આખી લાશ કેવી રીતે સળગી?
 • બ્લ્યૂ ફ્યૂઅલ સાથે જલદ પ્રવાહી વાપર્યાની શંકા

સ્વિટી પટેલની હત્યામાં પોલીસે પીઆઇ અજય દેસાઇ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરી14 દિવસના રિમાન્ડની માગ કરતાં અદાલતે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પીઆઈએ એક મહિના પહેલાં જ તેની બહેન અન્ય વ્યક્તિના શારીરિક સંબંધથી સગર્ભા બનતાં તેનો નિકાલ કરવાની કિરીટસિંહને વાત કરી હોઇ હત્યા પૂર્વયોજિત કાવતરું હોવાની પોલીસ શંકા સેવી રહી છે. કોઇ એક વ્યક્તિ લાશને કેવી રીતે સળગાવી શકે તથા ફ્યુઅલની વ્યવસ્થા કરી શકે તે સવાલની તપાસ કરાઇ રહી છે. બીજી તરફ પીઆઇ અજય દેસાઇને સસ્પેન્ડ કરાયો છે.

ડાબે પીઆઈ દેસાઈ અને જમણે સ્વીટી પટેલની ફાઇલ તસવીર
ડાબે પીઆઈ દેસાઈ અને જમણે સ્વીટી પટેલની ફાઇલ તસવીર

અટાલીના અવાવરુ હોટલની પાછળના ભાગે લાકડાના 5 ઢગલાંની વ્યવસ્થા એક જ દિવસમાં કેવી રીતે કરી શકાઇ અને એક લાશ સળગાવવા અંદાજે 7 મણ લાકડા જોઇએ તો આ લાશ સળગાવવા કરાઠીનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે સવાલ પોલીસ માટે મહત્ત્વનો બન્યો છે. કિરીટસિંહ જાડેજા હત્યા વિશે હજુ પણ મહત્ત્વની જાણકારી ધરાવે છે કે કેમ તે સહિતના સવાલ તપાસના મુદ્દા બન્યા છે.

મળેલા હાડકાને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા
મળેલા હાડકાને તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા

બીજી તરફ બનાવના એક મહિના પહેલાં અજય દેસાઇ કિરીટસિંહને મળ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રહેતી તેમની બહેનને સમાજના પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધથી 3-4 મહિનાનો ગર્ભ રહી ગયો છે, જેથી પરિવારના લોકો બહેનનો નિકાલ કરવા માગતા હોવાથી ભવિષ્યમાં જરૂર પડે તો મદદ કરવા જણાવ્યું હોવાનું કિરીટસિંહે પોલીસને જણાવતાં હત્યા માટે અજય દેસાઇએ અગાઉથી જ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે. લાશ સળગાવવા ડીઝલ ઉપરાંત એવરેજ વધારવા વપરાતું ડબ્લ્યુ ફ્યુઅલ વાપર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં અન્ય કોઈ કેમિકલ વાપર્યું હોવાની ક્રાઇમ બ્રાન્ચને શંકા છે.

સ્વીટી પટેલ તેના 2 વર્ષના છોકરા સાથે - ફાઇલ તસવીર
સ્વીટી પટેલ તેના 2 વર્ષના છોકરા સાથે - ફાઇલ તસવીર

સ્વિટી પટેલ બીજીવાર સગર્ભા હતાં કે કેમ તથા તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો કે કેમ તેની તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે પીઆઇ અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજાને સોમવારે સાંજે 6 વાગે કરજણ અદાલતમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા. અદાલતે લાંબી સુનાવણી બાદ 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. સોમવારે સવારથી કોર્ટ સંકુલમાં બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જિલ્લા પોલીસના 2 પીઆઇ, 3 પીએસઆઇ, 35 પોલીસ જવાન અને 20 જીઆરડી જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો હતો. એક સમયે કરજણ પોલીસમાં ફરજ બજાવનારા પીઆઇ દેસાઇ અને કરજણના કોંગ્રેસ અગ્રણી કિરીટસિંહને કોર્ટમાં લવાતા ઉત્તેજના છવાઇ હતી. સમી સાંજે કોર્ટમાં ટોળાં ઊમટી પડ્યાં હતાં.

સ્વીટી પટેલ અને પતિ પીઆઈ અજય દેસાઈ - ફાઇલ તસવીર
સ્વીટી પટેલ અને પતિ પીઆઈ અજય દેસાઈ - ફાઇલ તસવીર

PIની બંને પત્નીઓ એક જ સમયમાં ગર્ભવતી બની હતી
અજયની બંને પત્ની એક જ ગાળામાં સગર્ભા હતી. જોકે સ્વિટીએ તે સગર્ભા છે તે વાત 5-6 મહિના છૂપાવી હતી. અજયને ખબર પડી ત્યારે ગર્ભપાત માટે મોડું થઇ ચૂક્યું હતું. બીજી બાજુ અજયે જે મહિલા સાથે લગ્ન કર્યા હતાં તે પણ સગર્ભા હતી. સ્વિટીએ પુત્રને, અન્ય પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ બંને બાળકની ઉંમર 2 વર્ષની આસપાસ છે. આ બંને બાળકોનાં નામ પણ અજયની રાશી પરથી જ રખાયા છે.

કિરીટસિંહે હોટલ પર જાતે જઇ કોઇ ન હોવાની ખાતરી કરી હતી
બનાવના દિવસે અગાઉ કરેલી વાત મુજબ પીઆઇએ કિરીટસિંહને કોલ કરી જણાવ્યું કે, બહેનને મારી નાખી લાશ સાથે પરિવારના સભ્યો કરજણ આવ્યા છે. કિરીટસિંહ દહેજ તરફ ગયો હોવાથી તેણે હોટલ પર કોઇ નથી તેની ખાતરી કરી રોકાયો હતો. પીઆઇ દેસાઇ લાશ લઇ પહોંચતાં તે વૈભવ હોટલ પાસે હાજર રહી ચાલતા ચાલતાં બંધ હોટલવાળી જગ્યાએ જઇ લોકેશન સોશિયલ મીડિયાથી મોકલ્યું હતું.

મકાનના બાથરૂમમાં લોહીના ડાઘા કેવી રીતે આવ્યા, તે પ્રશ્ન
પીઆઇ અજય દેસાઇ પોલીસને એવું જણાવી રહ્યો છે કે તેણે સ્વિટી પટેલનું ગળું દબાવી હત્યા કરી હતી. જોકે પીઆઇના કરજણ સ્થિત મકાનમાં તપાસ કરાતાં બાથરૂમમાંથી લોહીના ડાઘા મળ્યા હતા.જેથી ખરેખર તે રાત્રે શું બન્યું હતું તે વિશે અજય દેસાઇની ઝીણવટભરી તપાસ કરાશે. તેમજ ઘટનાક્રમનું રિકન્સ્ટ્રક્શન કરાશે.

રિમાન્ડનાં કારણો

 • બાથરૂમમાંથી લોહીના ડાઘ મળ્યા હતા. જે વિશે FSL દ્વારા તપાસ કરાઇ રહી છે. PI પણ આ વિશે મહત્ત્વની જાણકારી ધરાવે છે. તે દિવસે ખરેખર શું બન્યું હતું?
 • સ્વિટી શું બીજીવાર સગર્ભા હતાં ? તેમની મેડિકલ ફાઇલ મેળવી તપાસ કરવાની છે.
 • સ્વિટીનું મર્ડર કોલ્ડ બ્લડેડ હોવાનું પોલીસ માની રહી છે જેથી સહ આરોપીઓની પણ તપાસ કરવાની છે.
 • PI દેસાઇએ પોતાના હોદ્દાની વગ વાપરી હત્યા કેસમાં કોઇની મદદ મેળવી હતી કે કેમ ?
 • લગ્ન અંગેની તકરારમાં ઉશ્કેરાઇ ગળું દબાવી હત્યા કરી હોવાનું PI દેસાઇએ જણાવ્યું છે, પણ આટલી નજીવી બાબતમાં હત્યા કરી શકે? હત્યા ખરેખર કેમ કરી અને ઝઘડો શું હતો તેની તપાસ બાકી છે.
 • અત્યારે 2 સ્થળે પંચનામું કરાયું છે પણ બંને સ્થળે આરોપીઓને હાજર રાખી ડિસ્કવરી પંચનામું કરવાનું છે.
 • PI દેસાઇ અને કિરીટસિંહના સીડીઆરની તપાસ.
 • લાશ સળગાવવા ડીઝલ, બ્લ્યુ ફ્યુઅલ સિવાય અન્ય જલદ કેમિકલ વાપર્યું હોવાની આશંકા.
 • સ્વિટી પટેલની લાશ સળગાવ્યા બાદ શરીરના ભાગના મોટાં અંગો કે અવશેષો ગાયબ છે,જે બાદમાં અન્ય કોઈ વ્યક્તિની મદદથી અન્ય સ્થળે નિકાલ કરાયાની શંકા.
 • કિરીટસિંહે કેવી રીતે મદદ કરી હતી તેની તપાસ.
અન્ય સમાચારો પણ છે...