‘હરિ’નાં અંતિમ દર્શન:સ્વામીજીના નશ્વર દેહને 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે, અંત્યેષ્ટિમાં 8 વૃક્ષનાં લાકડાં વપરાશે

વડોદરા3 મહિનો પહેલા
અંતિમસંસ્કાર સ્થળ પર જમીનમાં 6 ફૂટનો સિમેન્ટનો બેઝ બનાવાયો છે, જેના ઉપર 4 ફૂટનું પ્લેટફોર્મ બનાવાયું છે, જેના પર અંતિમસંસ્કાર કરવામાં આવશે.
  • 1 ઓગસ્ટે મંદિર પરિસરમાં પાલખીયાત્રા બાદ બપોરે 2 વાગે અંતિમસંસ્કાર
  • હરિપ્રસાદ સ્વામીજીને લીમડો પ્રિય હોવાથી અંતિમવિધિમાં સૌથી વધુ લાકડાં એનાં વપરાશે
  • આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રવિવારે અંતિમવિધિમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે
  • અંતિમસંસ્કાર સ્થળની આજુબાજુ સ્વામીજીના મહત્ત્વનાં કાર્યોના ફોટા સાથેનાં પોસ્ટર પણ લગાવવામાં આવી રહ્યાં છે

સોખડા હરિધામ મંદિરમાં 1 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના દિવ્ય વિગ્રહ (નશ્વર દેહ)ની અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 કલાકે સંતો દ્વારા વેદ-શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારથી સંપન્ન કરવામાં આવશે. આ પહેલાં સ્વામીજીના વિગ્રહને ગંગા, જમુના, નર્મદા સહિત 7 નદીનાં જળથી સ્નાન કરાવાશે. ત્યાર બાદ પાલખીયાત્રા નીકળશે, યાત્રાને મંદિર પરિસરમાં જ લીમડા વન ખાતે સમાપ્ત કર્યા બાદ અંતિમસંસ્કાર વિધિ સંપન્ન થશે. અંતિમસંસ્કાર વિધિમાં ચંદન, લીમડા સહિતનાં 8 વૃક્ષનાં લાકડાંનો ઉપયોગ કરવામાં આવશે. અંતિમસંસ્કાર વિધિ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેશે, એમ જિલ્લા પોલીસે જણાવ્યું હતું.

કોઠારી સ્વામી, BAPS.
કોઠારી સ્વામી, BAPS.

સોખડા-હરિધામ મંદિરના સંતોએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટના રોજ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમસંસ્કાર વિધિ બપોરે 2:30 વાગે કરાશે, જેના માટે પહેલાં મંદિરની બહાર મેદાનના સ્થાનનો નિર્ણય કરાયો હતો. સોખડાના સંત ત્યાગવલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના પ્રિય સ્થાન લીમડા વનમાં જ તેમની અંત્યેષ્ટિ કરાશે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા લીમડાના ઝાડ નીચે બેસીને સત્સંગ કરતા હતા, જ્યારે હરિપ્રસાદ સ્વામીજીને પણ લીમડાનાં ઝાડ અત્યંત પ્રિય હતાં, એટલે અંતિમસંસ્કારમાં મોટા ભાગે લીમડાનાં લાકડાંનો જ ઉપયોગ કરાશે.

રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા.
રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા.

1 ઓગસ્ટના રોજ બપોરે 12 વાગ્યાથી અંતિમસંસ્કારની વિધિ શરૂ થશે, જેમાં પ્રથમ વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ગંગા, જમુના, ઘેલા, ઊંડ, સરયુ, નર્મદા અને તાપી 7 નદીનાં જળ તેમજ કેસરયુક્ત પાણી તેમજ ઘી સહિતનાં દ્રવ્યોથી સ્વામીજીના નશ્વર દેહને સ્નાન કરાવાશે. બાદમાં પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરની આસપાસ પ્રદક્ષિણા કરાવવા વિચારણા છે. આ ઉપરાંત કારમાં બિરાજમાન કરીને પણ પ્રદક્ષિણા કરવામાં આવી શકે છે. અંતિમસંસ્કાર સ્થળે 7 નદીનાં જળ, ગૌમૂત્ર અને છાણથી લીપણ કરાશે.

પ્રદીપસિંહ જાડેજા, ગૃહ રાજ્યમંત્રી.
પ્રદીપસિંહ જાડેજા, ગૃહ રાજ્યમંત્રી.

આ લીપણ કરાયેલા સ્થળ પર ચંદન, લીમડો, સેવન, અઘેડો, ઉમરો, ખેર, આંકડો અને પીપડો એમ 8 વૃક્ષોનાં લાકડાં ઉપરાંત અડાયા છાણ, દર્મનો પુડો અને ખડના પુડાનો, તુલસી અને નાગરવેલના પાનનો ઉપયોગ અંતિમસંસ્કારમાં કરાશે. શુક્રવારે સવારે 8થી રાતના 8 વાગ્યા સુધી અમદાવાદ સહિત 12 જિલ્લામાંથી આશરે 25 હજાર જેટલા ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયા, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલ અને કોંગ્રેસના અગ્રણી અમિત ચાવડા દર્શનાર્થે આવશે.

શુક્રવારે સ્વામીજીનાં અંતિમ દર્શન કરનારા મહાનુભાવો
સૌરભભાઈ પટેલ, ઊર્જામંત્રી, પરેશ ધાનાણી, વિધાનસભા, વિપક્ષ નેતા , હાર્દિક પટેલ, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ, નિત્યાનંદજી સ્વામી, ઈસ્કોન, પ્રવીણ તોગડિયા, વિહિપ, ભરત પંડ્યા, ગોપાલ ઈટાલિયા- આપ, મહેશ સવાણી-આપ, જયદ્રથસિંહ પરમાર, મોહન કુંડારિયા, સાંસદ.

શંકરસિંહ વાધેલા, પૂર્વ મુખ્યમંત્રી.
શંકરસિંહ વાધેલા, પૂર્વ મુખ્યમંત્રી.

નશામુક્તિ, શિક્ષા અને સ્વાસ્થ્યક્ષેત્રનું યોગદાન કદી નહીં ભુલાય
હરિધામ સોખડાના માધ્યમથી આધ્યાત્મિક સાથે હરિપ્રસાદ સ્વામીજીએ નશામુક્તિ,શિક્ષા અને સ્વાસ્થ્ય જેવા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવીને સમાજમાં જે યોગદાન આપ્યું છે એ કદી નહીં ભુલાય. (શોકસંદેશા અનુસાર) - અરવિંદ કેજરીવાલ, મુખ્યમંત્રી,દિલ્હી.

છાણીથી દંડવત કરતો કરતો જઇ મારા સ્વામીજીનાં દર્શન કરીશ
ગોરવાના હરિભક્ત વિશ્વનાથ મહારાજે કહ્યું હતું કે, સ્વામીજીનાં અંતિમ દર્શન કરવા હું છાણી ફર્ટિલાઈઝરથી દંડવત કરતો કરતો સોખડા જઈ સ્વામીજીના દર્શન કરીશ.હું સ્વામીજીને 3 વખત મળ્યો છું. મારા સ્વામીજીએ મને બોલાવ્યો છે અને હું તેમના અંતિમ દર્શન કરવા જઈ રહ્યો છું.તે જ મારી શ્રધ્ધા છે.

ખાસ અંતિમ દર્શન કરવા અમે યુકેથી ​​​​​​​દરેક મુસીબત પાર કરીને આવ્યાઃ હરિભક્ત
​​​​​​​લંડનથી આવેલા હરિભક્ત અજય પટેલે જણાવ્યું હતું કે લંડનથી અમે 300 હરિભક્તો શુક્રવારે સોખડા હરિપ્રસાદ સ્વામીજીનાં અંતિમ દર્શન કરવા પહોંચ્યા છે. અમારા સ્વામીજીનાં દર્શન કરવા અમે કોવિડ પ્રોટોકોલ, નોકરી તેમજ ક્વોરન્ટીન જેવી મુસીબતો પાર કરી છે. સ્વામીજીનાં અંતિમ દર્શન કરી ધન્ય થયા છીએે.

અન્ય સમાચારો પણ છે...