કૌભાંડ:સરકારી અનાજ સગે વગે કરવાના કૌભાંડમાં મેનેજર-સ્ટાફ ઉપર શંકા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીપીએસ સિસ્ટમ સાથે ચેડાં કરી જથ્થો અન્ય સ્થળે ઉતારાયો હતો
  • પોલીસની ટીમના કોન્ટ્રાક્ટરને પકડવા રાજકોટ જવા રવાના

જીપીએસ સિસ્ટમ સાથે છેડછાડ કરીને રૂા.8 લાખનો સરકારી અનાજનો જથ્થો સગેવગે કરવાના પ્રકરણમાં સરકારી અનાજના ગોડાઉનનો મેનેજર અને સ્ટાફ પણ શંકાના દાયરામાં આવ્યો છે. ત્યારે સીટી પોલીસ દ્વારા મેનેજર અને સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. આ ઉપરાંત ગુનામાં સંડોવાયેલા આરોપીઓ ઘર છોડીને ભાગી ગયા છે. જોકે સીટી પોલીસની એક ટીમ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવા માટે રાજકોટ રવાના થઈ છે. હજુરાતપાગા સ્થિત સરકારી અનાજના ગોડાઉનમાંથી માંજલપુરની ધી માંજલપુર કો.ઓપ.સોસાયટી લિ અને શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ. સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો આપવા માટે ટેમ્પો રવાના થયો હતો. જોકે જીપીએસ સાથે છેડછાડ કરીને આરોપીઓએ અન્ય સ્થળે જ જથ્થો સગે-વગે કર્યો હતો.

પુરવઠા વિભાગના દરોડા બાદ તપાસમાં સંપુર્ણ ઘટના સામે આવતા સરકારી અનાજને સગેવગે કરવાના ગુનામાં ડોર સ્ટેપ ડિલિવરીના ઈજારદાર સમીર ટ્રેડર્સના પ્રોપરાઈટર સમીર દિપકભાઈ માવાણી (રહે-ભાડલા, રાજકોટ) અને પ્રતિનિધિ રાજેશ ચંદુભાઈ પટણી (રહે-ઉમા સોસાયટી, હરણી રોડ), કમલેશ પટણી (રહે-વૃંદાવન પાર્ક, હરણી રોડ), ભરત પટણી (રહે-દિપીકા સોસાયટી, કારેલીબાગ), ટેમ્પાનો માલિક ઈરફાન અહેસાન અંસારી (રહે-અશોકનગર, તુલસીવાડી, કારેલીબાગ), ટેમ્પાનો ડ્રાઈવર પ્રવિણ રસીકભાઈ બારીયા (શંકરપુરા, વાઘોડિયા) તેમજ ધી માંજલપુર કો.ઓપ.સોસાયટીના સંચાલક નરેશ જગદીશચંદ્ર અગ્રવાલ અને શ્રીનાથ કો.ઓ.કન્ઝ્યુમર સોસાયટી લિ.નો પ્રમુખ ઈશ્વર ખુમાનસિંહ સોલંકી સામે સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે રૂ.8 લાખનો સરકારી અનાજનો જથ્થો સિફત પૂર્વક ટેક્નોલોજી સાથે ચેડા કરીને વગે કરવામાં આવ્યો હતો. જેમાં જીપીએસના લોકેશન નિર્ધારિત જગ્યાઓના જ મળ્યા હતાં. પરંતુ તપાસ કરતાં ટેમ્પો જુદા જ વિસ્તારોમાંથી પસાર થયો હતો તેમ સીસીટીવી ફૂટેજમાં જણાયું હતું. જેને આધારે સિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...