તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Suspicion Of A Young Man And Woman Attempting Suicide In A Love Affair In A Company In Luna Village Of Vadodara, The Statements Of Both Will Be Taken After They Come To Their Senses Today.

આપઘાતનો પ્રયાસ કે હુમલો?:વડોદરાના લુણા ગામની કંપનીમાં યુવક-યુવતીએ પ્રેમ-પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યાંની આશંકા, આજે હોશમાં આવ્યા બાદ બંનેના નિવેદન લેવાશે

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
યુવક અને યુવતીને માત્ર ગળાના ભાગે ઇજા જોવા મળી હતી - Divya Bhaskar
યુવક અને યુવતીને માત્ર ગળાના ભાગે ઇજા જોવા મળી હતી
  • સોમવારે કંપનીમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ યુવક અને યુવતીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા

પાદરાના લુણા ગામ પાસે બીડીઆર લાઇફ સાયન્સીસ કંપનીના ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટમાંથી સોમવારે સાંજે છ વાગે લેબ બોય તરીકે કામ કરતા યુવક અને લેબ ટેક્નિશિયન યુવતી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા. બંનેએ પ્રેમ પ્રકરણમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની આશંકા સેવાઇ રહી છે. બંનેને માત્ર ગળાના ભાગે ઇજા જોવા મળી હતી. તત્કાલ ઇજાગ્રસ્ત યુવક અને યુવતીને ડભાસા ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બંનેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આજે હોશમાં આવ્યા બાદ પોલીસ બંનેના નિવેદન લેશે.

ક્વોલિટી કંટ્રોલ માઇક્રો સ્ટોરનો દરવાજો જોર જોરથી કોઇએ ખખડાવ્યો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામે આવેલી બીડીઆર લાઇફ સાયન્સીસ પ્રા.લી કંપનીના ક્વોલિટી કન્ટ્રોલ વિભાગના સિનીયર ઓફિસર પૃથ્વીરાજસિંહ અરવિંદસિંહ બારડે પાદરા પોલીસને જણાવ્યું હતું કે, સોમવારે તેઓ કંપની પર હતા અને સાંજે 6 વાગે તેઓ તેમની ઓફિસમાં બેસી અન્ય કર્મચારીઓ સાથે નાસ્તો કરી રહ્યા હતા, ત્યારે ક્વોલીટી કન્ટ્રોલ ઓફિસની સામે આવેલ ક્યુસી માઇક્રો સ્ટોરનો દરવાજો જોર જોરથી કોઇએ ખખડાવ્યો હોય તેવો અવાજ આવ્યો હતો, જેથી કર્મચારીઓ સાથે માઇક્રો સ્ટોરના દરવાજા પાસે ગયા હતા.

બંને લોહીલુહાણ હાલતમાં મળી આવ્યા
બેંચ આડી મુકેલી હોવાથી તેઓ બેંચ આગળ જતાં તે સમયે જ માઇક્રો સ્ટોરનો દરવાજો ખોલીને સુવર્ણાબેન પ્રશાંતભાઇ ડોરીક (ઉ.28) બહાર આવ્યા હતા અને તેમના ગળા પર તેમણે હાથ મૂકેલો હતો અને તેમના ગળામાંથી લોહી નિકળતું હતું. તે દરવાજો ખોલીને બહાર આવ્યા બાદ નીચે ફસડાઇ પડયા હતા. જેથી તેમણે સિક્યુરિટીને જાણ કરી હતી. ત્યાર બાદ ઇજાગ્રસ્ત સુવર્ણાબેનને નજીકથી જોવા જતાં માઇક્રો સ્ટોરનો દરવાજો ખુલ્લો હોવાથી સ્ટોરની અંદર લેબ બોય અશ્વિન રાજેશ પરમાર(ઉ.22) પણ લોહીલુહાણ હાલતમાં બેભાન હાલતમાં પડેલા જોયા હતા જેથી બંનેને તત્કાલ સારવાર માટે ખસેડાયા હતા.

બીડીઆર લાઇફ સાયન્સીસ કંપની
બીડીઆર લાઇફ સાયન્સીસ કંપની

આપઘાતનો પ્રયાસ કર્યો કે કોઇએ હુમલો કર્યો તેની તપાસ શરૂ
બંનેને માત્ર ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા પણ શરીર પર અન્ય ભાગોમાં કોઇ ઇજા જોવા મળી ન હતી જેથી ઘટના કઇ રીતે બની તે વિશે ભારે સસ્પેન્સ જોવા મળ્યું હતું. બંને મંગળવારે પણ બેભાન હાલતમાં હોવાથી રુમમાં શું બન્યું તે વિશે સસ્પેન્સ જોવા મળ્યું હતું બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી કે પછી જાતે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા કે પછી કોઇ વ્યક્તિએ હુમલો કર્યો હતો તે સહિતના મુદ્દા પર તપાસ શરુ કરાઇ છે.

એફએસએલની મદદથી સમગ્ર ઘટનાની તપાસ શરુ કરાઇ
પોલીસે જણાવ્યું હતું કે ડોગ સ્કવોર્ડ, ફીંગર પ્રીન્ટ એકસપર્ટ અને એફએસએલની મદદથી સમગ્ર ઘટનાની તપાસ શરુ કરાઇ છે. બંને જણા ભાનમાં આવે ત્યાર બાદ જ હકીકત જાણવા મળી શકે છે તેમ પોલીસે જણાવ્યું હતું. બુધવારે પણ બંને ભાનમાં આવે ત્યારે બોલી શકે છે કે કેમ તે વિશે તબીબી અભિપ્રાય લેવાશે. જરૂર પડ્યે લેખિત નિવેદન લેવાય તેવી પણ શકયતા છે.

યુવતી પરિણીત છે જયારે યુવક અપરિણીત છે
પાદરા પોલીસે જણાવ્યું હતું કે, 28 વર્ષીય યુવતી સુવર્ણાબેન પરિણીત છે અને તે વડોદરાના અટલાદરા વિસ્તારમાં રહે છે. તેઓ તાજેતરમાં મેટરનિટી લીવ ઉપરથી પરત ફર્યા હતા. તે માઇક્રો બાયોલોજીસ્ટ થયેલી છે, તેનો પતિ હાલોલ ખાતેના યુનિટમાં કામ કરે છે, જ્યારે અશ્વિન કોન્ટ્રાક્ટમાં લેબ બોય તરીકે નોકરી કરે છે અને તે અપરિણીત છે. તે જાસપુર દાજીપુરાનો વતની છે. પોલીસે કંપનીના તમામ કર્મચારીઓની પૂછપરછ કરી હતી પણ નક્કર કડી મળી શકી ન હતી.

પાદરા પોલીસ સ્ટેશન
પાદરા પોલીસ સ્ટેશન

પ્રોહિબીટેડ વિસ્તારમાં કોણ ગયું તે સવાલ
પોલીસે જણાવ્યું હતું કે, કંપનીનો ક્વોલિટી કંટ્રોલ ડિપાર્ટમેન્ટ પ્રોહિબિટેડ છે. આ ડિપાર્ટમેન્ટમાં પરમિશન વગર કોઇ જઇ શકતું નથી. તો અંદર કોણ ગયું તે તપાસનો વિષય છે. બંને વચ્ચે કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી કે, પછી બંનેને કઇ રીતે ઇજા થઇ હતી તેની તપાસ ચાલી રહી છે. બંનેના પરિવારની પણ પૂછપરછ કરાઇ હતી, પણ પોલીસને કોઇ કડી મળી શકી ન હતી. પરિવાર પણ આ ઘટના બાદ આઘાતમાં સરી પડયો છે તેમ પોલીસે જણાવ્યું હતું. ભાનમાં આવ્યા બાદ આજે બંનેના નિવેદન લેવાશે

રૂમમાંથી ચાકુ અને લોક થયેલો મોબાઇલ ફોન મળ્યો
પોલીસે તપાસ કરતાં જે સ્થળે બંને લોહિલુહાણ હાલતમાં મળ્યા હતા તે રુમમાંથી ચાકુ પણ મળી આવ્યું હતું. જયારે લોક થયેલો મોબાઇલ ફોન પણ મળ્યો હતો. આ ફોનને અ્નલોક કરાવી કોની સાથે છેલ્લી વાતચીત થયેલી હતી તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...