ઠગાઇ:બ્લેક ડોલરને અસલી બનાવવાની લાલચે ઠગવાનું આંતરરાજ્ય ષડ્યંત્ર હોવાની શંકા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના વેપારી સાથે ઠગાઇ કરનારી ઠગ ટોળકી 3 દિવસના રિમાન્ડ પર
  • ભેજાબાજોએ નાણાં પડાવવા ભરત ગીડા 30 લાખની મદદ કરશે તેમ જણાવ્યું હતું

બ્લેક ડોલરને અસલી ડોલર બનાવવાનું કહી 30 લાખ પડાવનાર 4 જણાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડયા બાદ આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવી આ ષડયંત્ર આંતરરાજ્ય હોવાની શંકા વ્યક્ત કરી કાવતરું ક્યાં ઘડાયું હતું તે દિશામાં તપાસ આદરી હતી.

અમદાવાદના વેપારી નરેન્દ્ર પ્રજાપતિએ ફરિયાદ કરી હતી કે આ શખ્સો પૈકી ભરત જગુભાઇ ગીડાએ અને મહેશ વાળાએ ત્રણ માસ પહેલાં હાઇવે પર આવેલી હોટલ કમ્ફર્ટ ઇન ડોલીન ખાતે બોલાવ્યા હતા. સાહીદ નાવડેકરે તેની ઓળખાણ કસ્ટમ ઇન્સ્પેક્ટર એ.કે.મલહોત્રા તરીકે ઓળખ આપી હતી અને ઇમરાન ભુરાનીએ એ.કે.મલહોત્રા સાહેબના પીએ રાજુભાઇ તરીકે ઓળખ આપી હતી અને કસ્ટમમાં પકડેલા બ્લેક ડોલરને સસ્તા ભાવે આપવાની વાત કરી વેપારીને 1.25 કરોડના ડોલર આપવાની વાત કરી હતી.

વેપારીને વિશ્વાસમાં લેવા માટે 7 લાખના અસલ ડોલરનું બંડલ આપ્યું હતું અને વેપારી પાસેથી નાણાં પડાવવા માટે 30 લાખ સુધીની મદદ ભરત ગીડા કરશે તેમ જણાવ્યું હતું. ત્યારબાદ વેપારીને હોટલ રોયલ કિંગ ખાતે બોલાવી ભરત ગીડાએ 30 લાખ આપવાનો ડોળ કર્યો હતો અને વેપારી પાસેથી 30 લાખ પડાવી લીધા બાદ સિક્યોરિટી પેટે બાકીના રૂપિયાના 2 કોરા ચેક આપ્યા હતા અને 24 બંડલ બ્લેક ડોલરના નામે કાળા કલરના કાગળના બંડલ પધરાવી દીધા હતા. ક્રાઇમ બ્રાન્ચે તપાસ કરીને 4ને પકડી લીધા હતા.

પોલીસે ભરત જગુભાઇ ગીડા (રહે.સાવરકુંડલા), મહેશ ઓધડભાઇ વાળા (રહે.સાવરકુંડલા) ઇમરાન દીનમહમંદ ભુરાની (રહે. સાવરકુંડલા) સાહીદ હનીફ નાવડેકર (રહે.પનવેલ, મુંબઇ)ને ઝડપી અદાલતમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આ આંતરરાજ્ય ષડ્યંત્ર છે કે કેમ, અન્ય કોણ સામેલ છે, કઇ હોટલમાં તમામે ભેગા મળી કાવતરું રચ્યું હતું, ક્યાંથી ડોલર લાવ્યા હતા અને અન્ય કોને કોને આ પ્રકારે ઠગ્યા હતા તથા ઉપયોગમાં લેવાયેલાં વાહનો અને 30 લાખ રોકડા જપ્ત કરવાની દિશામાં તપાસ શરૂ કરી હતી. કોને કેટલી રકમ મળી તેની પોલીસ દ્વારા તપાસ કરાઇ રહી છે.

ભરત ગીડા સાવરકુંડલા NSUIનો પૂર્વ પ્રમુખ
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે પકડાયેલો ભરત ગીડા સાવરકુંડલા એનએસયુઆઇનો પુર્વ પ્રમુખ છે અને તેને આ ઠગાઇ બાદ 15 લાખ રુપીયા મળ્યા હતા. આ ટોળકીસોશિયલ મિડીયામાં સર્ચ કરીને ટાર્ગેટ શોધતા હતા. વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે 2 વર્ષ પહેલા સોશિયલ મિડીયાના માધ્યમથી ભાવનગર સ્વામીનારાયણ મંદિરમાં સેવા પુજા કરતા વિજય ભગત સાથે મિત્રતા થઇ હતી. તેમણે વિજયને ધંધામાં મંદી છે કોઇ સારુ કામ હોય તો કહેજો તેમ કહેતા વિજયે કહ્યું હતું કે ભરત ગીડાનો નંબર આપી વિજયે કહ્યું હતું કે ભરત ગીડાના સાવરકુંડલામાં સારા સંપર્કો છે , તમને ધંધામાં મદદ કરશે તે કહ્યું હતું. ત્યારબાદ ભરતે વેપારીને ફોન કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...