ઓપરેશન ગંગા:વડોદરા પરત ફરેલા ધ્રુવ પટેલે કહ્યું - સમયસર સાવચેત થઇ જતાં બચ્યા, હવે ઓનલાઇન ભણીશું

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધ્રુવ પટેલ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ધ્રુવ પટેલ - ફાઇલ તસવીર
  • ચેર્નેવિત્સીથી ત્રણ વિદ્યાર્થીને રેસ્ક્યૂ કરી વડોદરા લવાયા

શનિવારે વડોદરાના ત્રણ વિદ્યાર્થી યુક્રેનથી ઓપરેશન ગંગા અંતર્ગત વડોદરા પરત લવાયા હતા. વિદ્યાર્થીઓના મતે વહેલા સાવચેત થઇ જતાં તેમણે કોઇ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. આ તમામ વિદ્યાર્થીઓ રોમાનિયા બોર્ડર નજીકની ચેર્નેવિત્સી યુનિ.માં અભ્યાસ કરતા હતા.

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતા અને મેડિકલના પાંચમા વર્ષના વિદ્યાર્થી ધ્રુવ પટેલે જણાવ્યું કે, ‘ કીવ એરપોર્ટથી ફ્લાઇટ હોવાથી 26મી ફેબ્રુઆરીએ ચેર્નેવિત્સીથી 600 કિમી દૂર આવેલા કીવ માટે બસમાં ઉપડ્યા હતા. પણ કીવથી 150 કિમી દૂર હતા ત્યારે જ યુદ્ધના અને એરપોર્ટ બંધ કર્યાના સમાચાર જાણતા એમ્બેસીની સલાહથી અમારી યુનિ.ની હોસ્ટેલમાં પરત ફર્યા હતા. ત્યારબાદ બીજા દિવસે હોસ્ટેલથી રોમાનિયાની બોર્ડર તરફ જવા નીકળ્યાં હતા.

બોર્ડરથી ભારતીય દૂતાવાસે બસની વ્યવસ્થા કરી હતી. જે અમને રોમાનિયાના બુખારેસ્ટમાં લઇ ગઇ હતી. જયાં અમને ત્યાંના શેલ્ટરમાં બે દિવસ રોકાવું પડ્યું હતું. જ્યાં ભોજનની પણ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ અમે 5મીએ દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા હતા. હવેનો અભ્યાસ ઓનલાઇન જ પૂરો થશે તેવી શક્યતા છે. ધ્રુવની સાથે મીત પટેલ, પ્રીત પટેલ નામના વિદ્યાર્થીઓ પણ પરત ફર્યા હતા. મીત પટેલે જણાવ્યું કે, અમને યુદ્ધના ડરનો કોઇ માહોલનો અનુભવ જ થયો નહીં. અમે કોઇ આર્મી વ્હીકલ જોયું કે ન કોઇ ટ્રુપ્સ. બસ એ જ સૌથી મોટી રાહત હતી.

અન્ય સમાચારો પણ છે...