નવા મંત્રીમંડળમાં સ્થાન:વડોદરાના બાજવાડામાંથી 24 વર્ષે ફરી એકવાર કેબિનેટ મંત્રી, મનીષાબેન માટે ટિકિટ જેવું જ આશ્ચર્ય

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • બાજવાડાથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર નલિન ભટ્ટ 1995-97માં ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી હતા, હવે ત્યાંના જ રાજેન્દ્ર ત્રિવેદી બન્યા​​​​​​​​​​​​​​
  • 2012માં પ્રબળ દાવેદારો વચ્ચે આશ્ચર્યજનક રીતે મનીષાબેન વકીલને ટિકિટ મળી હતી, એ જ રીતે સિનિયરો કોરણે મૂકાતાં મંત્રી બન્યાં
  • નવાં બે મંત્રીમાં એક વ્યવસાયે અને બીજા અટકથી વકીલ

વર્ષ 1995માં બનેલી ભાજપની સંપૂર્ણ બહુમતિવાળી પ્રથમ સરકારમાં વડોદરામાંથી 2 ધારાસભ્યોને મંત્રી બનાવાયા હતા અને 1997 સુધી તેઓ મંત્રી રહયા હતા. જેના 24 વર્ષ પછી વડોદરાને ફરી એક સાથે બે મંત્રી મળ્યા છે. અગાઉ કેબિનેટ મંત્રી બનેલા નલિન ભટ્ટ બાજવાડાના હતા, હવે ત્યાંના જ રાજેન્દ્ર ત્રિવેદી મહેસૂલ મંત્રી બન્યા છે.જયારે 2012માં શહેર- વાડી વિધાનસભાની બેઠક માટે અનેક પ્રબળ દાવેદારો વચ્ચે આશ્વર્યજનક રીતે મનીષા બેન વકીલને ટિકિટ મળી હતી, એ જ રીતે વડોદરાના સિનિયર ધારાસભ્યોને કોરણે મૂકી રાજયકક્ષાના મંત્રી બનાવાયા છે.

રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સમાવેશ થતાં રાજેન્દ્ર ત્રિવેદીના ઘર પાસે અને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
રાજ્ય સરકારના મંત્રી મંડળમાં સમાવેશ થતાં રાજેન્દ્ર ત્રિવેદીના ઘર પાસે અને ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.

વર્ષ 1995માં ભાજપને બહુમતી મળી હતી .આ મંત્રીમંડળમાં વડોદરાના ત્રણ પૈકી બાજવાડાથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર નલિન ભટ્ટ કેબિનેટ મંત્રી અને જશપાલસિંઘ રાજ્ય કક્ષાના મંત્રી બન્યા હતા. જોકે, 1997માં શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા સરકાર પડી ભાંગી હતી અને 1998માં ચૂંટણી આવી હતી. જેમાં નલિન ભટ્ટ પાદરામાંથી હારી ગયા હતા.

2012માં અકોટા બેઠક માટે ચૂંટણી લડવા આવેલા તત્કાલિન ઊર્જા મંત્રી સૌરભ પટેલને કેબિનેટ મંત્રી બનાવાયા હતા. રાજેન્દ્રભાઇ ત્રિવેદી અગાઉ 1 વર્ષ માટે રાજયકક્ષાના મંત્રી રહી ચૂકયા છે. ચાલુ ટર્મમાં તેમણે વિધાનસભાના અધ્યક્ષની જવાદારી સોંપાઇ હતી.

રાજુભાઇ અગાઉ 1 વર્ષ રાજયકક્ષાના મંત્રી રહ્યા હતા, હવે ફરી સવા વર્ષ માટે મંત્રી મંડળમાં સામેલ
વ્યવસાયે વકીલ રાજેન્દ્ર ત્રિવેદી બે વખત કોર્પોરેટર બન્યા હતા અને એક વખત શિક્ષણ સમિતિના અધ્યક્ષ બન્યા હતા. 2012માં રાવપુરા વિધાનસભા બેઠક પરથી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમણે રાજયકક્ષાના મંત્રી બનાવ્યા હતા. આ કાર્યભાર તેમણે 1 વર્ષ માટે સંભાળ્યો હતો. હાલમાં ફરી ચૂંટણી આડે સવા વર્ષ બાકી છે. ત્યારે કેબિનેટ મંત્રીની જવાબદારી સોંપાઇ છે. જયારે શહેર વાડી ના ધારાસભ્ય મનીષા વકીલ પણ 2012માં શહેર-વાડી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. તેમની બીજી ટર્મ પૂરી થવા આડે સવા વર્ષ બાકી રહ્યું છે ત્યારે મંત્રીપદ મળ્યું છે.

પુનરાવર્તન : 24 વર્ષ પહેલાં વડોદરાને 2 મંત્રી મળ્યા હતા
1195માં કેબિનેટ મંત્રી તરીકે નલિન ભટ્ટ અને રાજયકક્ષાના મંત્રી તરીકે જશપાલસિંઘ નિમાયા હતા. 1997 બાદ અને સૌરભ પટેલના અપવાદને બાદ કરતાં વડોદરાને બે દાયકામાં રાજ્ય કક્ષાના મંત્રી, દંડક, નિગમ ચેરમેન જેવી જવાબદારી એકલદોકલ ધારાસભ્યને મળી હતી. 24 વર્ષ બાદ ફરી વડોદરાને કેબિનેટ અને રાજયકક્ષાના મંત્રી પદ મળ્યું છે.

એપી સેન્ટર : શહેર- વાડી વિસ્તારનું સત્તામાં પ્રભુત્વ
ભુપેન્દ્ર પટેલની સરકારમાં વડોદરાનો શહેર- વાડી વિધાનસભા વિસ્તાર વડોદરા માટે સત્તાનું કેન્દ્ર બન્યું છે. કેબિનેટ મંત્રી બનેલા રાજેન્દ્ર ત્રિવેદી રાવપુરા ધારાસભ્ય છે પણ તેમનું નિવાસ સ્થાન શહેર-વાડી વિધાનસભા વિસ્તારમાં આવેલુ છે. જયારે રાજયકક્ષાના મંત્રી મનીષા વકીલ આ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

બાદબાકી : વડોદરા જિલ્લાના ધારાસભ્યો ફરી ગાડી ચૂક્યા
ભુપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં વડોદરા જિલ્લામાંથી એક ધારાસભ્યને પ્રતિનિધિત્વ મળશે તેવું મનાતું હતું પરંતુ નવા સમીકરણમાં તેનો છેદ ઉડી ગયો હતો.એટલું જ નહીં છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાંથી પણ ભાજપના એકપણ ધારાસભ્ય અને મંત્રી બનાવાયા નથી. કેતન ઇનામદારનું નામ છેલ્લે સુધી ચર્ચામાં હતું, પરંતુ મંત્રી જાહેર થયા ન હતા.

ફેરફારની અસર વિશ્લેષકની નજરે, નવી નિમણૂકથી પાયાના કાર્યકરોમાં ઉત્સાહ વધશે
વડોદરામાંથી 2 મંત્રી બનતા તેની અસર અંગે રાજકીય વિશ્લેષક ડો. જયેશ શાહે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં એક નવી ઉર્જા ઉભી થશે અને ખાસ કરીને ભાજપના પાયાના કાર્યકરોમાં એક અનેરો ઉત્સાહ ઉભો થયો છે.ખાસ કરીને ગમે ત્યારે કોઇપણ કાર્યકર મંત્રી બની શકે છે તેવો સંદેશો આ મંત્રી મંડળ થકી આપવામાં આવ્યો છે.એટલું જ ને ગમે તે ચમરબંધી હશે અને જો પ્રજામાં આક્રોશ હશે તો તેને બદલી નાખતા ખચકાઈશું નહીં તેવો સંદેશો પણ આપવામાં આવ્યો છે.ભાજપે નેતૃત્વ માટે વ્રજ જેવા સખત અને ફૂલ જેવા કોમળ થતા આવડે છે તેવો સંકેત પણ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, રાજેન્દ્ર ત્રિવેદી વહીવટ અને બહોળો અનુભવ ધરાવે છે અને કાયદાના નિષ્ણાંત છે ત્યારે તેનો ફાયદો ચોક્કસ વડોદરા ને લગતા પ્રશ્નોના ઉકેલ માટે થશે. તેવી જ રીતે મનીષાબેન વકીલને પણ મહિલા બાળ વિકાસ વિભાગ આપવામાં આવ્યું છે અને ભૂતકાળમાં શિક્ષિકા રહી ચૂકયા છે ત્યારે તેમના સંવેદનશીલ સ્વભાવનો ફાયદો ચોક્કસ મળશે.

અન્ય સમાચારો પણ છે...