ભાસ્કર ઈનસાઈટ:વડોદરાના સુરસાગર તળાવને રોજ રાત્રે 8 વાગ્યે જ તાળાબંધી, પાલિકાનો તુક્કો - રાત્રે આપઘાત વધુ થાય છે!

વડોદરા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાત્રે સુરસાગરની સહેલગાહે જતાં લોકો 8 વાગે ગેટ બંધ કરી દેવાતો હોવાથી વિલા મોઢે પરત ફરે છે. - Divya Bhaskar
રાત્રે સુરસાગરની સહેલગાહે જતાં લોકો 8 વાગે ગેટ બંધ કરી દેવાતો હોવાથી વિલા મોઢે પરત ફરે છે.
  • ગરમીથી રાહત મેળવવા બહાર નીકળતા શહેરીજનો રાત્રે 8 પછી સુરસાગરના બંધ દરવાજા જોઇને હતાશ
  • બ્યૂટિફિકેશન બાદ 5 મહિનાથી ખુલ્લા મૂકાયેલા સુરસાગર માટે સવારે 5થી 11 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત
  • 34 કરોડનો ખર્ચ છતાં સીમિત સહેલગાહ, ગરમીમાં સમયમાં છૂટ ન અપાતાં લોકોમાં રોષ

શહેરના મધ્યે આવેલા સુરસાગરની સહેલગાહમાં સમયની પાબંદી લાગી ગઇ છે. જેને લઇને લોકોમાં નારાજગી ફેલાઇ છે. 5 મહિનાથી લોકો માટે ખુલ્લા મૂકાયેલા તળાવના 6 વાગે તાળાં ખોલ્યા બાદ 2 કલાકમાં જ રાત્રે 8 વાગે ફરી તાળાબંધી કરી દેવાય છે. ગરમીની મોસમમાં મહદંશે લોકો રાત્રે 8 વાગ્યા પછી રિલેક્સ થવા બહાર નીકળતા હોય છે. ત્યારે અા સમયે જ દરવાજા બંધ કરી દેવાના તઘલખી નિર્ણય પાછળ રાત્રે અાપઘાતના કિસ્સા વધુ બનતા હોવાનું ગળે ન ઊતરે તેવું કારણ પાલિકા અાપી રહી છે.

પાલિકા દ્વારા સુરસાગરની સુંદરતા વધારવા અને લોકો માટે વોક વે, સીટિંગ સહિતની સુ‌વિધા ઊભી કરવા 2019માં 34.92 કરોડના ખર્ચે બ્યૂટિફિકેશન કરાયું હતું. જે કામ પૂર્ણ થયા બાદ લાંબા સમય સુધી તળાવને તાળાં મારી રખાયાં હતાં. અાખરે 5 મહિનાથી સુરસાગર ખુલ્લું મૂકાયું છે. જેનો સવારે 5થી 11 અને સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરાયો હતો. શિયાળામાં સાંજે સહેલગાહે અાવતા લોકોની સંખ્યા અેટલી વધુ ન હતી, પરંતુ હાલ ગરમીનો મોસમ છે. ત્યારે લોકો રાત્રે 8 વાગ્યા પછી જ બહાર નીકળવાનું કે ક્યાંક નિરાંતે બેસવાનું અાયોજન કરતા હોય છે.

ખાસ કરીને સિનિયર સિટીઝન્સ ગરમીમાં રાહત મેળવવા બહાર નીકળે છે ત્યારે જ સુરસાગરને તાળાં મારી દેવાય છે. શહેરના અન્ય 25 તળાવમાં પણ બ્યૂટિફિકેશન કરીને વોકવેની સુવિધા કરાઈ છે. આ તમામના તળાવને ખુલ્લા રાખવાનો સમય સવારે 5થી 11 અને સાંજે 6થી 11નો છે. જ્યારે સુરસાગરને રાત્રે 8 વાગે તાળું મારવાના તઘલખી નિર્ણયને લઇને લોકોમાં કચવાટ ફેલાયો છે.

શહેરમાં સુરસાગર સિવાયના અન્ય 25 તળાવો અેવા છે, જ્યાં વોક વે અને ગાર્ડન સહિતની સુવિધા છે. અા તમામ તળાવો રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લા રખાતા નાગરિકો બહોળી સંખ્યામાં અાવતા હોય છે.
કમલાનગર તળાવ, માંજલપુર તળાવ, અટલાદરા તળાવ, કલાલી તળાવ, છાણી તળાવ, ગોત્રી તળાવ. સિધ્ધનાથ તળાવ, દંતેશ્વર તળાવ, વાડી મહાદેવ તળાવ, માણેજા તળાવ, સમા તળાવ, નાની બાપોદ તળાવ, ભીમ તળાવ, ખોડીયાર નગર તળાવ, મહિસાગર તળાવ, મોટી બાપોદ તળાવ, સિંધુસાગર તળાવ, તરસાલી તળાવ, લક્ષ્મીપુરા તળાવ, વાસણા તળાવ, કોતર તલાવડી, સયાજીપુરા તળાવ, મસિયા તળાવ. મોટનાથ મહાદેવ તળાવ

લોકોને પૂછ્યા બાદ જ આ સમય નક્કી કરાયો છે
સુરસાગર તળાવ ખુલ્લંુ રાખવાનો સમય લોકોને પૂછીને જ નક્કી કરવામાં આવ્યો છે. જો આ સમય ના રાખવામાં આવે તો લોકો કચરો ફેંકે અને ગંદકી પણ વધારે ફેલાશે. એટલે જે સમય નક્કી કરવામાં આવ્યો છે તે બરાબર છે. - યોગશ પટેલ, ધારાસભ્ય

તોફાની તત્ત્વો મોડી રાતે નુકસાન પહોંચાડી શકે છે
સુરસાગર ખાતે રાતના 8 વાગ્યા બાદ કોઈ આવતું નથી. રાત્રીના સમયે અાપઘાતના કિસ્સા વધુ બનતા હોય છે. તેમજ મોડી રાતે તોફાની તત્ત્વો આવે છે અને મિલકતને નુકસાન પહોંચાડી શકે છે, જેથી આ સમય રખાયો છે. - ગોૈરવ પંચાલ, ડે. ડાયરેકટર, પાર્કસ અેન્ડ ગાર્ડન

ફાયરબ્રિગેડ કહે છે,5 માસમાં તળાવમાં ઝંપલાવવાના કોલ દિવસે જ આવ્યા છે
પાલિકા અેક તરફ રાત્રે અાપઘાતના કિસ્સા વધુ બનતા હોવાની દલીલ સાથે સુરસાગરની સમય પાબંદીને યોગ્ય ઠેરવી રહ્યું છે. બીજી તરફ ફાયરબ્રિગેડનાં સૂત્રો મુજબ રાત્રે કોઇઅે સુરસાગરમાં ઝંપલાવ્યું હોય તેવો 5 મહિનામાં અેકેય કિસ્સો નોંધાયો નથી. તાજેતરમાં અેક લાશ રાત્રે કાઢવામાં અાવી હતી, જે અાગલા દિવસ બપોરથી પાણીમાં હતી. 5 મહિનામાં 7 કોલ અાવ્યા છે. સાંજે 5 વાગ્યા પહેલાંના છે. અા તમામને રેસ્કયૂ કરાયા હતા.

રોડ પર લટાર મારવી પડે તેવી સ્થિતિ
સુરસાગર નવું બન્યું ત્યારે ખુશી થઈ હતી કે નજીકમાં ચાલવાની જગ્યા છે, પણ સુરસાગરનો સમય જ એવો છે કે ચાલી નથી શકતા. રોડ પર વાહનો વચ્ચે ચાલવું પડે છે. - વૈશાલી ખારવા, ગૃહિણી, મરીમાતાનો ખાંચો

અોછા સમયનું લોજિક સમજાતું નથી
સવારે 5 કલાકનો સમય છે પણ તે શું કામનો. સવારમાં મોટેભાગે યુવાનો ચાલવા જઈ શકે. અમારા જેવા નોકરિયાતો રાત્રે 9 વાગે બહાર નીકળે ત્યારે સુરસાગરને તાળું હોય છે. - ચિરાગ પટેલ, નોકરિયાત, રાજમહેલ રોડ

સિટી વિસ્તારના લોકો સાથે અન્યાય
અન્ય તળાવોના રાતે 11 સુધી ખુલ્લાં રખાય છે તો સુરસાગરનો સમય કેમ ઓછો? આ તો સિટી વિસ્તારના લોકો સાથે અન્યાય છે. - વસંત શાહ, નોકરિયાત, અેમજી રોડ

અન્ય સમાચારો પણ છે...