સુભાનપુરા વિસ્તારમાં આવેલી સ્કુલમાં અભ્યાસ કરતી 8 વર્ષની વિદ્યાર્થિનીની છેડતી કરનાર કન્સ્ટ્રક્શનના સાઇટ સુપરવાઇઝરને કસૂરદાર ઠેરવી ન્યાયાધીશે પાંચ વર્ષની સજા ફટકારી બાળકીને વળતર પેટે રૂા.1 લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો. સુભાનપુરા વિસ્તારમાં આવેલી રાજેન્દ્રપ્રસાદ સ્કૂલમાં બાંધકામની કામગીરી ચાલતી હતી.
સાઇટનું સુપરવિઝન આરોપી રાજેશકુમાર મિશ્રા (રહે.સમતા) કરતો હતો. તા.28 ફેબ્રુઆરી,2019ના રોજ આ શખ્સે આઠ વર્ષની એક વિદ્યાર્થની બાથરૂમમાં ગઇ તે સમયે તેનો હાથ પકડી છેડતી કરી હતી. પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી. જે તે સમયે આરોપીએ અન્ય બાળકીઓ સાથે આ પ્રકારની હરકતો કરી હોવાના આક્ષેપો થયા હતા.
આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં સરકાર તરફે એડવોકેટ એચ.આર.જોષી હાજર રહ્યાં હતા. બચાવ પક્ષે દલીલ કરવામાં આવી હતી કે, બનાવના દિવસે આખર તારીખ હતી અને રિસેશ પડી નથી અને છેડતીનો બનાવ બન્યો નથી. અદાલતે આ બચાવ ગ્રાહ્ય રાખ્યો ન હતો. ન્યાયાધીશે આરોપીને કસુરદાર ઠેરવી 5 વર્ષની સજાનો આદેશ કર્યો હતો. અદાલતે નોંધ્યું હતું કે, આરોપી પરણીત છે. તેને સંતાનમાં બાળકી છે. તેણે સમાજ વિરોધી ગંભીર ગુનો આચર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.