કાર્યવાહી:ચરસનો જથ્થો સપ્લાય કરનાર ખેડાના સન્ની પટેલની ધરપકડ

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઓમકારપુરામાં ચંપલના કારખાનામાંથી ચરસ ઝડપાયું હતું
  • ચરસ આપનાર શાહનવાઝ ઉર્ફે શાનુ, પાર્થ કાલે પણ ઝડપાયા

રવિવારે છાણી પોલીસે દશરથ ગામ નજીક આવેલા ચંપલના કારખાનામાંથી ચરસનો જથ્થો ઝડપી કારખાનાના માલિક અને ચરસ લેવા આવેલા એક ગ્રાહકને ઝડપી લીધા બાદ ચરસનો જથ્થો આપનાર શાહનવાઝ ઉર્ફે શાનું અને પાર્થ કાલેને ઝડપી પાડ્યા હતા. દરમિયાન ચરસનો જથ્થો સપ્લાય કરનારા ખેડાના સન્ની રાજુ પટેલને પણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર છાણી પોલીસ મથક સ્ટાફે જીએસએફસી ટાઉનશિપ ફર્ટિલાઇઝર નગરમાં રહેતા જસ્મીન દિનેશ ગજેરાના ઓમકારપુરા ચાર રસ્તા તરફ જવાના રોડ પર ચંપલ બનાવવાના કારખાનામાંથી 303.08 ગ્રામ ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે ચંપલના કારખાનાના માલિક જસ્મિન દિનેશ ગજેરા અને ચરસ લેવા આવેલા ગ્રાહક સુરેન્દ્રસિંગ બલદેવ સિંગ સૈનીને ઝડપી લીધા હતા. પોલીસની પૂછપરછ જસ્મિન ગજેરાએ છાણી કેનાલ પાસે આવેલા સેફ્રોન બ્લીસમાં રહેતા પાર્થ પ્રદીપ કાલેની મદદથી યાકુતપુરામાં રહેતા શાહનવાઝ ઉર્ફે શાનું શેખ પાસેથી ચરસ લાવ્યો હોવાનું જણાવતાં છાણી પોલીસે પાર્થ પ્રદીપ કાલે અને શાહનવાઝ ઉર્ફે શાનું હાજી સલીમ શેખને ઝડપી લીધા હતા.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવી હતી. ચરસનો જથ્થો ખેડાના સન્ની રાજુ પટેલે આપ્યો હોવાનું ક્રાઇમ બ્રાન્ચને જાણવા મળતાં પોલીસે ખેડામાં વોચ ગોઠવી ખેડામાંથી જ સન્ની પટેલને ઝડપી લીધો હતો. તેની જડતીમાંથી રોકડા 1350 તથા ફોન અને અગાઉ પકડાયેલા ઈકોપી સુરેન્દ્રસિંગના પિતાના નામવાળું ડેબિટ કાર્ડ મળી આવ્યું હતું. પોલીસે તેની રિમાન્ડની તજવીજ કરી તે ચરસનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો અને બીજા કોઇની સંડોવણી છે કે કેમ તેની તપાસ આદરી હતી. પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે ? આરોપીઓ સાથે કોણ કોણ આ કારોબાર કરે છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...