આત્મહત્યા:ધંધાની ચિંતામાં ગીતા ભવન હોટેલના માલિકનો આપઘાત

વડોદરા5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકોટાની શ્રીનગર સોસાયટી સ્થિત નિવાસસ્થાને ફાંસો ખાધો

સયાજીગંજમાં આવેલી ગીતાભવન હોટેલના માલિકે ગત સાંજે પોતાના નિવાસસ્થાને ફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. આ ઘટનાના પગલે શહેરના હોટેલ માલિકોમાં પણ અરેરાટી ફેલાઇ ગઇ હતી. શહેરના અકોટા વિસ્તારની શ્રીનગર સોસાયટીમાં રહેતા 52 વર્ષીય પ્રકાશ પમનદાન ખીમનીયાની સયાજીગંજમાં ગીતાભવન નામની હોટેલના સંચાલક હતા. કોરોના બાદ છેલ્લા કેટલાક સમયથી બિઝનેસમાં તેમને મુશ્કેલી હોવાથી સતત ડિપ્રેશનમાં રહેતા હતા.

તેઓ નાની વાતે પણ ચિંતામાં પડી જતા હતા. લાંબા સમયથી તેમની આ માટેની દવા પણ ચાલતી હતી. સોમવારે મોડી સાંજે જ્યારે તેમની પુત્રી ટ્યુશને ગઇ હતી અને ઘરમાં પત્ની અને માતા સિવાય કોઇ ન હતું. ત્યારે પોતાના ઘરે બેઝમેન્ટમાં જઇને હૂક સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઇ લીધો હતો. દરમિયાન તેમના પત્ની બેઝમેન્ટમાં જતાં તેમને ફાંસો ખાધેલી હાલતમાં જોઇને હેબતાઇ ગયા હતા. ગોત્રી પોલીસે આ બાબતની તપાસ હાથ ધરી છે. તેમણે ઘણા સમય અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...