તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મહત્યા:પિતાને મોકલવાના પૈસા ઠગોએ ઉપાડી લેતાં યુવકનો આપઘાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મુન્ના શાહ - Divya Bhaskar
મુન્ના શાહ
  • માણેજાના ATMમાં યુવકનું કાર્ડ બદલી રૂ.40,500 ઉપાડી લીધાં
  • પતિની લાશ જોઇને પત્નીની તબિયત લથડતા દાખલ કરવી પડી

માણેજાના વિઠ્ઠલનગરમાં રહેતા ત્રણ સંતાનોના પિતાને શુક્રવારે માણેજા ક્રોસિંગ પાસેના એટીએમમાં ભટકાયેલા 3 ગઠિયાઓએ મદદ કરવાનું કહીને તેમના એકાઉન્ટમાંથી રૂ. 40,500 ઉપાડી લીધા હતા. જે બાદ ટેન્શનમાં રહેતા યુવકે ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પતિની લાશ જોઇને પત્નીની હાલત લથડતા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઇ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૂળ બિહારના અને વડોદરાના માણેજા વિઠ્ઠલનગરમાં રહેતા 26 વર્ષના મુન્ના જગમોહન શાહ વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેઓના પરિવારમાં પત્ની અને ત્રણ બાળકો છે. તેઓ ઘણા વર્ષોથી વડોદરામાં સ્થાયી થયા હતા અને માણેજા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા હતા. શુક્રવારે તેઓ નાણા ઉપાડવા માટે માણેજા ક્રોસિંગ પાસે આવેલા એટીએમ સેન્ટરમાં ગયા હતા. ત્યાં તેઓની બાજુમાં ઉભેલા ત્રણ શખ્સોએ તેઓને નાણા ઉપાડી આપવાનું કહી એટીએમ કાર્ડ લીધું હતું અને રૂ. 9,500 ઉપાડી આપ્યા હતા.

મુન્ના શાહ નાણા લઈ ઘરે ગયા હતા. જોકે ઘરે જઈ મોબાઈલમાં મેસેજ જોતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. મુન્ના શાહને તેમના એકાઉન્ટમાંથી રૂ. 40,500નો ઉપાડ થયો હોવાનું જાણવા મળ્યું હતું. પાઇ પાઇ ભેગી કરીને એકત્ર કરેલા નાણા ખાતામાંથી ઉપડી જતા મુન્ના શાહના ટેન્શનમાં આવી ગયા હતા અને તેઓ હાંફળા ફાંફળા બની એટીએમ સેન્ટર પર દોડી ગયા હતા. જોકે ત્યાં તેઓને નાણા ઉપાડી આપનાર ગઠિયાઓ ફરાર થયા હતા.

નાણા ગુમાવી હતાશ થયેલા મુન્ના શાહે તાત્કાલિક મકરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો. જ્યાં તેઓની પોલીસે સાંજે ફરિયાદ લીધી હતી. જોકે શનિવારે બપોરે નાણા ગુમાવનાર મુન્ના શાહ હતાશ થઇ ગયા હતા અને નાણા ગુમાવ્યાનો આઘાત સહન કરી શક્યા ન હતા. શનિવારે બપોરે પત્ની નહાવા ગઈ હતી અને તે સમયે મુન્ના શાહે તેના મકાનમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બાથરૂમમાંથી બહાર આવેલી પત્નીએ પતિને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા જ બુમરાણ મચાવી હતી.

જેના કારણે પાડોશી ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ મકરપુરા પોલીસ અને રહીશો સ્થળ પર દોડી આવ્યા હતા. પતિનો મૃતદેહ જોઇને પત્નીની તબિયત લથડતા દવાખાને ખસેડવી હતી. બીજી તરફ ત્રણ સંતાનોની માતા પતિ વિના એકલી પડી જતા તેના આક્રંદથી વિસ્તારમાં ભારે ગમગીની છવાઈ હતી. પતિએ ભરેલા પગલાં બાદ તેની પણ સ્થિતિ કથળી હતી.પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

મુન્નાભાઇ કહેતા હતા કે, મારે પૈસા વતનમાં મોકલવાનાં હતાં
ગઈ કાલે મુન્નાભાઈ મારી પાસે આવ્યા હતા અને મને કહેતા હતા કે એટીએમ સેન્ટર પર એક વ્યક્તિ બહાર ઉભો હતો અને ત્રણ વ્યક્તિ બહાર ઉભા હતા. તેઓ મારુ એટીએમ લઈને જતા રહ્યા હતા અને મને બીજું કાર્ડ આપ્યું હતું. મારા એકાઉન્ટમાંથી રૂ. 80 હજાર ઉપાડી લીધા છે. તેણે મને કહ્યું હતું કે આ રૂપિયા વતનમાં મારા માતાપિતાને મોકલવાના હતા. સાંજે ફરિયાદ આપી હતી અને આજે બપોરે આવું કર્યું. - મંજુલાબેન, પાડોશી

ત્રિપુટીએ નજર ચૂકવી કાર્ડ બદલી નાખ્યું
માણેજાનો યુવક શુક્રવારે ક્રોિસંગ પાસેના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગયો હતો. જ્યાં ઉભેલા 3 શખ્સ પૈકીએ એક લાવો હું મદદ કરી આપું તેમ કહી તેનું એટીએમ કાર્ડ લીધું હતું. ત્યારબાદ નજર ચૂકવીને બદલી નાખ્યું હતું. યુવક પૈસા ઉપાડીને નીકળી ગયા બાદ ત્રિપુટીએ તેના કાર્ડથી બારોબાર 40,500 ઉપાડી લીધા હતા. જેની જાણ યુવકને ઘરે ગયા બાદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...