વડોદરાના હરણી રોડ પર આવેલી યજ્ઞપુરુષ રેસિડેન્સીમાં રહેતા એક સંતાનની માતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બપોરે પુત્ર બાજુના રૂમમાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો હતો અને બીજા રૂમમાં મહિલાએ ગળેફાંસો ખાધો હતો. બનાવ સંદર્ભે હરણી પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ યજ્ઞપુરુશ રેસિડેન્સીમાં પહોંચી મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવ-1ઃએક સંતાનની માતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
હરણી રોડ પર આવેલી યજ્ઞપુરુષ સોસાયટીમાં કૌસ્તુભ ઉકાળે રહેતા હતા. તેઓ કારેલીબાગ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. સોમવારે પત્ની સેજલબેન અને પુત્ર ઘરે હતા. તે સમયે પુત્ર એક રૂમમાં ઓનલાઇન અભ્યાસ કરી રહ્યો હતો. બીજી તરફ બીજા રૂમમાં સેજલબેને ગળેફાંસો ખાધો હતો. પુત્રને ભૂખ લાગતાં પુત્રએ બીજા રૂમના દરવાજાને ખખડાવ્યો હતો. જોકે તેઓએ ન ખોલતા પુત્રએ પિતા અને પાડોશીને જાણ કરી હતી. જેના પગલે તેઓએ આવી દરવાજો તોડી જોતા સેજલબેન ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવાં મળ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે સેજલબેનને કોરોના થયો હતો અને ત્યારબાદ સાજા થયા પછી તેઓને સતત માથાનો દુખાવો અને શરીરે ખંજવાળ રહેતી હતી.
બનાવ-2: એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
વાઘોડિયા વિસ્તારની ખાનગી યુનિ.માં અભ્યાસ કરતા એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ મકાનના સ્ટોરરૂમમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું.મૂળ હિંમતનગરનો 20 વર્ષનો યશ ઈશ્વરભાઈ પટેલ વડોદરાની ખાનગી યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. તે હાલમાં શહેરના પ્રભાત ચાર રસ્તા પાસે આલોક સોસાયટીમાં 3 દિવસ પહેલા ભાડાના મકાનમાં મિત્રો સાથે રહેવા આવ્યો હતો. રવિવારે બપોરે યશ સાથે રહેતા બે મિત્રો કામ અર્થે બહાર ગયા હતા. દરમિયાન મકાનમાં એકલા પડેલા યશે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. સાંજે મિત્રો પરત ફરતા મકાનના સ્ટોરરૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી મકાનમાલિક અને બંને મિત્રોએ સળિયાની મદદથી દરવાજો ખોલી જોતાં યશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો.
બનાવ-3: કોન્ટ્રાક્ટના કર્મીનો GSFCના પ્લાન્ટના 5મા માળે આપઘાત
વડોદરા પાસે આવેલી GSFC કંપનીના કર્મચારીએ નાયલોન પ્લાન્ટનમાં પાંચમા માળે પ્લાસ્ટિકના રસ્સા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું. બાજવા નહેરુનગરમાં રહેતો 28 વર્ષનો યોગેશ દેવુભાઇ પ્રિસાંઠે GSFC કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતો હતો. તે સોમવારે સવારે કંપનીમાં નાયલોન પ્લાન્ટના 5માં માળે પહોંચ્યો હતો. ત્યાં 15 ફૂટ ઉંચા પ્લાન્ટ પર દોરડું બાંધી ફાંસો ખાધો હતો. પ્લાન્ટમાં આવેલા સુપરવાઇઝરે યોગેશને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોઈ ચોકી ઉઠ્યો હતો. તેઓએ ઘટના અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસને કરતા છાણી પોલીસ છાણી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે યોગેશ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો નહતો. તદુપરાંત તેની પાસેથી કોઈ ચિઠ્ઠી પણ મળી આવી નહતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.