આત્મહત્યા:દારૂની પાર્ટી બાદ મિત્રે જ દુષ્કર્મ કરતાં ડઘાઈ ગયેલી વિદ્યાર્થિનીનો આપઘાત

વડોદરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • લક્ષ્મીપુરામાં ભાડેથી રહેતી વિદ્યાર્થિનીના રૂમમાં યુવતી અને 2 યુવકોએ મહેફિલ યોજી હતી
  • પરિવારે બનાવ આપઘાતનો નહીં, દુષ્કર્મનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઈ: યુવતીએ આપઘાત પૂર્વે આપવીતીનો વીડિયો બનાવ્યો
  • મોડી રાત્રે દુષ્કર્મનો ગુનો નોંધી દિશાંત અને નઝીરની ધરપકડ કરાઈ

લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતી અને મ.સ.યુનિ.માં અભ્યાસ કરતી 19 વર્ષની વિદ્યાર્થિનીએ ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી, જેની પ્રાથમિક તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે મિત્રો સાથે ડ્રિન્ક્સ પાર્ટી યોજ્યા બાદ યુવતી પર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું, જેનાથી ડઘાઇ ગયેલી યુવતીએ આખરે ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત પૂર્વે યુવતીએ પોતાની સાથે થયેલા ઘૃણાસ્પદ બનાવને બયાન કરતો વીડિયો બનાવ્યો હતો. બનાવની ગંભીરતા જોતાં એક્શનમાં આવેલી પોલીસે મોડી રાતે દુષ્કર્મનો ગુનો નોંધી 2 યુવકની અટકાયત કરી હતી.

પોલીસસૂત્રો મુજબ, લક્ષ્મીપુરામાં વિસ્તારમાં રહેતી અને કોલેજમાં ભણતી 19 વર્ષીય વિદ્યાર્થિનીએ પોતાના ઘરે દુપટ્ટાથી સવારે 10.30 વાગ્યાના સુમારે ફાંસો ખાઇ લીધો હતો. લગભગ 12 વાગ્યાના સુમારે પરિવારજનોને જાણ થતાં ગોત્રી જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. જોકે પરિવારજનોએ આ બનાવ આપઘાતનો નહીં, પણ ગેંગરેપનો હોવાનો આક્ષેપ કરતાં પોલીસ દોડતી થઇ હતી.

પોલીસસૂત્રો મુજબ, વિદ્યાર્થિની શહેરના ઉત્તર વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જોકે તબીબી રિપોર્ટ હજી બાકી છે. બીજી તરફ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસ કરતાં પ્રાથમિક તપાસમાં જ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો, જેમાં હકીકત બહાર આવી હતી કે 6 માસ પૂર્વે માતાનું અવસાન થતાં યુવતી ભાડેથી ઘર રાખીને રહેતી હતી અને ખાનગી કંપનીમાં જોબ કરતી હતી. મંગળવારે સાથી કમર્ચારી અને મિત્ર એવા 2 યુવક અને એક યુવતી સાથે તેની રૂમ પર ડ્રિન્ક્સ પાર્ટી રાખી હતી. જ્યાં તમામે દારૂનો નશો કર્યા બાદ યુવતીએ ભાન ગુમાવતાં દિશાંત નામના યુવકે ફાયદો ઉઠાવી તેની પર રેપ કર્યો હતો.

સવારે યુવતીને ભાન આવ્યા બાદ દુષ્કર્મ થયું હોવાની ખબર પડી હતી. યુવતીને રાત્રે શું બન્યું એની ખબર પડતાં 2 યુવકો અને યુવતી ભાગી ગયાં હતાં. ડઘાઇ ગયેલી યુવતીએ તેના અન્ય મિત્રને કોલ કરી બનાવ અંગેની જાણ કરતાં મિત્રેે તેને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી, પરંતુ હતાશ યુવતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી.

આખરે શુક્રવારે સવારે તેણે નજીકમાં રહેતા પિતાને ઘરે જઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે ઇપીકો કલમ 376, 306 અને 114 મુજબ ગુનો નોંધી દિશાંત અને નઝીર નામના યુવકની અટકાયત કરી હતી. બંને યુવકોએ મંગળવારે રાત્રે બનેલી ઘટનાને સમર્થન આપ્યું હતું. પોલીસે મહેફિલમાં હાજર યુવતીની શોધખોળ હાથ ધરી છે.

પપ્પા, આઇ લવ યુ, મને માફ કરજો
દુષ્કર્મનો ભોગ બન્યા બાદ ડઘાઇ ગયેલી યુવતીએ મિત્રને કોલ કરી હૈયાવરાળ ઠાલવતાં જણાવ્યું હતું કે હું કયા મોઢે મારા પપ્પાને વાત કરીશ. તેણે આપઘાત પૂર્વે બનાવેલા વીડિયોમાં પિતાને સંબોધી કહ્યું હતું કે પપ્પા મને મારી ભૂલ સમજાઇ ગઇ છે, આઇ લવ યુ પપ્પા. પોલીસે આ વીડિયો કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે.

હું પુત્રીનો મૃતહેદ નહીં સ્વીકારું
જુવાનજોધ દીકરીના આપઘાતથી દ્રવી ઊઠેલા પિતાએ પોલીસ સમક્ષ આ આપઘાતનો નહીં, રેપનો બનાવ હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ આ અંગે ન્યાય નહીં મળે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારું તેમ કહેતાં પોલીસે પોસ્ટમોર્ટમ બાદ યુવતીનો મૃતદેહ કોલ્ડરૂમમાં મુકાવ્યો હતો.