આત્મહત્યા:માંજલપુરમાં સાઇકલની દુકાન ચલાવતા આધેડની આત્મહત્યા

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોરવામાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
  • બેંકની ઉઘરાણીથી 3 દિવસથી ઘરે ગયા નહોતા

શહેરના માંજલપુર જીઆઈડીસી રોડ વિસ્તારમાં સાઇકલની દુકાન ચલાવનાર આધેડે ભેદી સંજોગોમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવના સંબંધમાં માંજલપુર પોલીસ દ્વારા ગહન તપાસ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત થતી માહિતી અનુસાર માંજલપુર જીઆઇડીસી રોડ પર મસ્જિદની સામે રામદેવ નગર આવેલું છે. ત્યાં સાઇકલની દુકાન ચલાવનાર કિશોરભાઇ વાલજીભાઈ સોલંકી (ઉં.52, જીઆઈડીસી કોલોની)એ પોતાની દુકાનમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. સૂત્રો મુજબ બેંકવાળા પહેલી તારીખથી લઈને પાંચમી તારીખ સુધી પૈસા લેવા માટે તેમના ઘરના ધક્કા ખાતા હતા, જેથી કંટાળીને તે ઘરે પણ નહોતા આવતા. સતત ઉઘરાણીના કારણે તેઓ ઘણા ગભરાઈ જતા હતા અને તેમનું મગજ કામ નહોતું કરતું.

બેંકવાળા તેમને ધમકી આપતા હતા કે, હપ્તો આપો નહીં તો દુકાનને સીલ મારી દઇશ અને ઘરને પણ સીલ મારી દઇશું. 3 દિવસથી તેઓ ઘરે જ નહોતા આવ્યા. શનિવારના રોજ તેમનાં પત્ની દુકાનમાં તેમની તપાસ કરવા પહોંચ્યાં ત્યારે આધેડે ફાંસો ખાઈ લીધો હોવાનું જાેવા મળ્યું હતું. તેમનાં પત્નીએ બૂમાબૂમ કરતાં આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. ઘટનાની જાણ કરવામાં આવતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

અન્ય બનાવમાં ગોરવા પોલીસની હદમાં આવેલા સોહમપાર્ક ખાતે રહેતી મોહિની શાંતિલાલ સોલંકી (ઉ.31)એ શુક્રવારે સાંજે ભેદી સંજોગોમાં ગળા ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવના સંબંધમાં ગોરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...