સૂચન:ન્યાયમંદિરની દિવ્યતામાં ઘટાડો કરતા પદ્માવતી શોપિંગને હટાવવાનું સૂચન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લનો મ્યુનિ. કમિશનરને પત્ર

રાવપુરા મતવિસ્તારમાં આવતી હેરીટેજ બિલ્ડીંગને વિકાસવવા તથા ન્યાયમંદિરની દિવ્યતામાં ઘટાડો કરતા પદ્માવતી શોપિંગ સેન્ટર દુર કરવા વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લએ સૂચનો કર્યા છે. તેઓએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અધિકારીઓ સાથે એક બેઠક યોજવા જણાવ્યું છે. જોકે આ સંદર્ભે વેપારી વિકાસ એસોસિએશન અને અન્ય સંગઠનના લોકોએ પણ શોપિંગ સેન્ટરના વેપારીઓ સાથે વિચાર વિમર્શ કરવામાં આવે તેવી માંગ કરી છે.

તેઓએ મ્યુનિ. કમિશનરને પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે વર્ષોથી ઓળખાતું આવી રહ્યું છે. આ સાંસ્કૃતિક વારસા સમી ઐતિહાસિક ઈમારતોના વારસાને જીવંત રાખવો એ આપણી નૈતિક ફરજ છે. સદનસીબે આવા ઐતિહાસિક સ્થાપત્યો અમારા મતવિસ્તારમાં આવે છે. ચૂંટણી દરમિયાન પણ સ્થાપત્યોનું જતન અને જાળવણી કરીશ તેવા મતદારોને વચન આપ્યું હતું.

તેઓએ સૂચન કરતા કહ્યું હતું કે શહેરમાં આવેલા ઐતિહાસિક સ્થાપત્યોના સંદર્ભમાં ઐતિહાસિક ઈમારતોનું રક્ષણ-જાળવણી અને ઉપયોગ થઈ શકે અને આ હેરિટેજને વિશ્વ કક્ષાએ લઈ જવાય તદુપરાંત વડોદરાની ઐતિહાસિક ભવ્યતા નિહાળવા આવે તે માટે આ તમામ બાબતને સંલગ્ન વિભાગો તથા અધિકારીઓની એક બેઠક ત્વરિત કરવા સૂચન આપ્યું હતું. શહેરમાં મધ્યમાં આવેલી ન્યાયમંદિર ઈમારત હાલમાં જ સરકાર દ્વારા વડોદરા મહાનગરપાલિકાને અપાઇ છે.

ન્યાયમંદિર લગ્ન માટે આપવું ખોટું
રાવપુરાના ધારાસભ્ય બાલુભાઇ શુકલના ન્યાયમંદિરની રોનક વધારવા પદ્માવતી શોપિંગ સેન્ટર ખસેડવા કરેલા નિવેદનને આવકારુ છું. પદ્માવતી શોપિંગ સેન્ટરના દુકાનદારોના મંડળ તથા વેપાર વિકાસ એસોસિએશનના અગ્રણીઓ સાથે મિટીંગ કરી વિશ્વાસમા લેવા જોઈએ. ન્યાયમંદિરને લગ્ન સમારંભ માટે આપવાનો અન્ય પદધારીના વિચારને સાંખી લેવાય તેમ નથી. બરોડા સિટી મ્યૂઝિયમ બનાવવાના આયોજન માટે જ ચર્ચા કે સુચન આવકાર્ય હશે. અન્ય અયોગ્ય ઉપયોગ ચલાવી નહી લેવાય. > કીર્તિ પરીખ, કન્વીનર, નવચેતના ફોરમ

પહેલાં પદ્માવતી શોપિંગ સેન્ટરના વેપારીઓને વિશ્વાસમાં લેવા જોઈએ
પદ્માવતી શોપિંગ સેન્ટરમાં 400 દુકાનો છે. વેપારીઓનું ભવિષ્ય સુંદર થવું જોઈએ. સિટીનો વિકાસ સારી વાત છે પણ વેપારીઓ સાથે વિમર્શ કરવો જોઈએ. 400 દુકાનો ઉપર નભનારા બે હજારથી વધુ લોકો છે. વેપારીઓને વિશ્વાસમાં લઇ કોઈપણ પગલું ભરવું જોઈએ.> પરેશ પરીખ, પ્રમુખ, વેપાર વિકાસ એસોસિએશન

અન્ય સમાચારો પણ છે...