તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સામાજિક વનીકરણ વિભાગ, વડોદરા દ્વારા વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પાદરાના ભોજગામ અને છોટાઉદેપુરના પુનિયાવાંટ ગામમાં જાપાની પદ્ધતિ અનુસરીને બે નમૂના રૂપ એટલે કે, મોડેલ વન ઉછેરવામાં આવ્યા છે. આ પૈકી ભોજ ગામે 30 ×10 મીટરના વિસ્તારમાં 2×2ના અંતરથી 831 રોપાની સઘન વનરાજી ઉછેરવામાં સફળતા મળી છે.
ઓછા પાણી અને ઓછી જગ્યામાં આવક મેળવી શકાય છે
ઘરના વાડાની નાનકડી જગ્યામાં ઘનઘોર જંગલ ઉછેરવું હોય તો મિયાવાકી એક ઉત્તમ મોડેલ તરીકે વિશ્વમાં સ્વીકૃત બની રહ્યું છે, એવી જાણકારી આપતા આ પ્રયોગના માર્ગદર્શક નાયબ વન સંરક્ષક કાર્તિક મહારાજાએ જણાવ્યું હતું કે, મિયાવાકી પદ્ધતિ દ્વારા ઓછા પાણીથી ઓછી જગ્યામાં વધુ અને સઘન વૃક્ષ ઉછેર કરીને ગ્રામ પંચાયતો અને ખેડૂતો આવકનો સ્ત્રોત ઊભો કરી શકે છે અને જમીનની ફળદ્રુપતા જાળવવાની સાથે પર્યાવરણને વધુ હરિયાળુ બનાવી શકે છે.
ખેડૂતને નિયમિત રીતે ટૂંકા અને લાંબા ગાળાની આવક મળે છે
મિયાવાકી પદ્ધતિમાં ઓછી જમીનમાં વધુ ઉત્પાદન મેળવી શકાય છે. આ પદ્ધતિમાં જમીનની નીચે કંદમૂળ, જમીનના સ્તરે એટલે કે સપાટી પર શાકભાજીના અને ઔષધીય વેલા, તે પછી જમીનથી 2 મીટર ઊંચા ઉગતા છોડ અને તે પછી વધુ ઊંચાઈએ પહોંચતા વૃક્ષોએ રીતે ક્રમિક વાવેતર અને ઉછેર કરવામાં આવે છે. જેથી ખેડૂતને નિયમિત રીતે ટૂંકા અને લાંબા ગાળાની આવક અને ઉત્પાદન મળવાની સાથે આવકમાં વૃદ્ધિ થાય છે.
મિયાવાકી ટેક્નિકથી 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે
જાપાનના અકિરા મિયાવાકીએ ટુંકા ગાળામાં ઘટાદાર અને ગાઢ જંગલ ઉછેરવાના હેતુસર આ પદ્ધતિ વિકસાવી છે. વિશ્વના અનેક દેશોએ વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકીની આ પદ્ધતિ અપનાવી જંગલ નિર્માણ કર્યાં છે. કહેવાય છે કે, 100 વર્ષની ઉંમર હોય એવું પ્રગાઢ જંગલ આ પદ્ધતિથી માત્ર 10 વર્ષમાં ઉછેરી શકાય છે. આજે આ પદ્ધતિ હેઠળ ભારત સહિત વિશ્વના કેન્યા, ઓસ્ટ્રેલિયા, કોરિયા, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં નાના મોટા જંગલ ઉછેરવામાં આવી રહ્યાં છે.
નાના વૃક્ષો, મધ્યમ કદના વૃક્ષો અને વિશાળ વૃક્ષોની વાવણી કરી શકાય છે
મિયાવાકી પ્રક્રિયામાં ત્રણ પ્રકારના સ્તરોએ વૃક્ષોની વાવણી કરવામાં આવે છે, જેથી બે છોડ વચ્ચેનું અંતર સમાન રહે. પ્રથમ સ્તરને નિમ્ન સ્તરીય રોપા જેમ કે, શેતુર, નગોળ, અરડૂસી, સીતાફળ, કરેણ, જામફળ વગેરે પાકોનું ઉત્પાદન થાય છે. માધ્યમ સ્તરીય રોપામાં ગુલમહોર, બદામ, બંગાળી બાવળ વગેરે જેવા રોપા રોપવામાં આવે છે. ઉચ્ચ સ્તરીય રોપામાં પીપળ, દેશી બબૂલ, ખાટી આમલી, શિરસ તથા કોઠા જેવા વૃક્ષો વાવવામાં આવે છે. જમીનની ઉપર ડોડી તથા મધુનાશીની જેવા ઔષધીય અને કોળા, દૂધી જેવા શાકભાજીના છોડ લગાડવામાં આવે છે. તેમજ જમીનની અંદર શતાવરી, સુરણ, રતાળુ, હળદર તથા આદુ જેવા રોપા લગાવવામાં આવે છે.
કંપોસ્ટ ખાતર નાખીને છોડની માવજત કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા જળવાય છે
પિયત તથા બિનપિયત બંને રીતે આ જંગલ ઉછેરી શકાય છે અને વર્મી કંપોસ્ટ ખાતર નાખીને છોડની માવજત કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે છે. મિયાવાકી જંગલ માટેની જમીન ઉપર ઘઉં કે ડાંગરનું પરાળ ભેજ જાળવવા માટે પાથરવામાં આવે છે. આ પદ્ધતિ ઓછામાં ઓછી જમીન પર સઘન વનરાજી અને સારી આવક આપી શકે છે.
જાપાનના વિજ્ઞાની અકીરા મિયાવાકીએ મિયાવાકી પદ્ધતિ વિકસાવી
મિયાવાકી પદ્ધતિ જાપાનના વિજ્ઞાની અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવી છે. જાપાનમાં જમીન ખુબ ઓછી હોવાથી જંગલ ઉછેરની આ પદ્ધતિ તેમણે વિકસાવી જેની તરફ આજે જગતનું ધ્યાન દોરાયું છે. આ પદ્ધતિનો ઉદ્દેશ્ય ઓછી જમીનમાં ઓછા પાણીથી સઘન વનરાજી ઊભી કરવાનો છે, જેથી ખેડૂતની દૈનિક આવકમાં વૃદ્ધિ થાય અને વિવિધ પ્રકારના છોડ અલગ-અલગ પાક આપે, જેથી ખેડૂતને ઓછી મેહનતે વધુ ઉત્પાદન મળે.
ગામનું પર્યાવરણ સુધરે તે માટે મિયાવાકી પદ્ધતિનો સમાવેશ કર્યો
રાજ્યના ગ્રામ વિકાસ વિભાગે પંચાયતો નરેગામાં જરૂરિયાતમંદોને રોજગારી આપી શકે અને ગામનું પર્યાવરણ સુધરે તે માટે મિયાવાકી પદ્ધતિનો સમાવેશ કર્યો છે. તેના પ્રચાર અને માર્ગદર્શન માટે વન વિભાગ અને સામાજિક વનીકરણ વિભાગે નેતૃત્વ લઈને જિલ્લામાં નિદર્શન જંગલોનો ઉછેર હાથ ધર્યો છે. વડોદરા તથા છોટાઉદેપુર જિલ્લાની પંચાયતોની સાથે ખેડૂતો ભોજ અને પૂનિયાવાંટ ગામોના આ પ્રાયોગિક જાપાની જંગલની મુલાકાત લે, આ પદ્ધતિ વિશે માર્ગદર્શન મેળવે અને ખેતીમાં જંગલ ઉછેરનો સમન્વય કરે એવો અનુરોધ નાયબ વન સંરક્ષક શ્રીએ કર્યો છે.
મારા ઘરના વાડામાં કે મારા ખેતરમાં મારું જંગલની કલ્પના સાકાર
જંગલ ઉછેરવા ખુબ વિશાળ જમીન જોઈએ એ માન્યતા મિયાવાકીએ બદલી નાખી છે. મારા ઘરના વાડામાં કે મારા ખેતરમાં મારું જંગલની કલ્પના સાકાર કરવામાં આ પદ્ધતિ ઉપયોગી બની શકે છે.
મિયાવાકી પદ્ધતિ
-2 બાય 2 ફૂટના અંતરે વૃક્ષ વવાય છે.
-છોડનો વિકાસ 10 ગણી ઝડપે થાય છે.
-પૂરેપૂરા છોડને માવજત મળે છે.
-સમગ્ર છોડ સિંચવામાં આવે છે.
-આમાં થડ પ્રમાણમાં પાતળું રહે છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.