શિક્ષણ:ગુજકેટનાં પેપર પુસ્તક મુજબ નીકળતાં છાત્રો સ્કોર કરી શકશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પેપર એકંદરે સરળ નીકળતાં વિદ્યાર્થીઓને રાહત - Divya Bhaskar
પેપર એકંદરે સરળ નીકળતાં વિદ્યાર્થીઓને રાહત
  • બાયોલોજીમાં કેટલાક પ્રશ્ન કસોટી કરે તેવા હોવાનો નિષ્ણાતનો મત

ગુજકેટનાં પેપરો પાઠ્યપુસ્તક આધારિત નીકળતાં વિદ્યાર્થીઓ સ્કોર કરી શકશે. બાયોલોજીના પેપરમાં થીયરી આધારિત ગણતરીવાળા પ્રશ્નો વિદ્યાર્થીઓની કસોટી કરે તેવા હોવાનો મત વિષય નિષ્ણાતોએ વ્યક્ત કર્યો હતો. જોકે એકંદરે પેપર સરળ નીકળતાં વિદ્યાર્થીઓએ રાહત અનુભવી હતી. રાજ્યની એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા ધો.12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે સોમવારે ગુજકેટ લેવાઇ હતી.

જેમાં ભૌતિક વિજ્ઞાન-રસાયણ વિજ્ઞાનના પેપરમાં 6978માંથી 6697 વિદ્યાર્થી હાજર રહ્યા હતા, જ્યારે 281 ગેરહાજર રહ્યા હતા. જીવવિજ્ઞાનના પેપરમાં 3278 માંથી 3148 વિદ્યાર્થી હાજર રહ્યા હતા. ગણિતના પેપરમાં 3736 પરીક્ષાર્થીઓમાંથી 3568 હાજર હતા, જ્યારે 168 ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા આપનાર વિદ્યાર્થિની ખુશી પટેલે કહ્યું કે, પેપર સમય કરતાં વહેલું પૂરું થઇ ગયું હતું. એમસીક્યુ પાઠ્યપુસ્તકમાંથી પૂછવામાં આવ્યા હતા. અમુક એમસીક્યુ નોલેજ બેઝ્ડ હતા. પેપર સહેલું નીકળ્યું હતું.

બાયોલોજીના પેપરમાં પ્રશ્ન તર્કસંગત હતા
બોયોલોજીના પેપરમાં આકૃતિ આધારિત પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રશ્ન તર્કસંગત હતા. થીયરી આધારિત ગણતરીવાળા પ્રશ્નો મગજ કસે તેવા હતા. - જૈમિની શાહ, બાયોલોજી વિષય નિષ્ણાત

કેમિસ્ટ્રીમાં પુસ્તકમાંથી તૈયાર કરનાર ફાવ્યા
​​​​​​​કેમિસ્ટ્રીનું પેપર પાઠ્યપુસ્તક આધારિત હતું. જે વિદ્યાર્થીએ પુસ્તકમાંથી તૈયારી કરી હશે તે ફાવ્યા હશે. આવા વિદ્યાર્થીઓ સારો સ્કોર કરી શકશે. - કેતન પરીખ, કેમિસ્ટ્રી, વિષય નિષ્ણાત

ગણિતમાં 2થી 3 પ્રશ્ન ટ્વિસ્ટ કરી પૂછાયા
​​​​​​​ગણિતના પેપરમાં મોટાભાગના પ્રશ્ન સરળ હતા અને પાઠ્યપુસ્તકમાંથી પૂછાયા હતા. ફક્ત 2 થી 3 પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હતા. - ગૌરાંગ ઓઝા, વિષય નિષ્ણાત, ગણિત

ફિઝિક્સનું પેપર લોજિક-જ્ઞાન આધારિત હતું
ફિઝિક્સના પેપરમાં લોજિક, સમજણ અને જ્ઞાન આધારિત પ્રશ્નનું સંતુલન હતું. પુસ્તક આધારિત પેપર હોવાથી છાત્રોનો આત્મવિશ્વાસ વધ્યો હતો. - ધ્રુવિત પંચોલી, વિષય નિષ્ણાત, ફિઝિક્સ

અન્ય સમાચારો પણ છે...