વડોદરા શહેરની MS યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચે તે પહેલાં જ વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. પદવીદાન સમારોહના સર સયાજીનગર ગૃહ હાઉસફુલ થઈ જતાં અસંખ્ય વિદ્યાર્થીઓને એન્ટ્રી મળી નહોતી. જેથી વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને એક તબક્કે પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું અને MSU હાય હાયના નારા પણ લગાવ્યા હતા.
વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ
વડોદરા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દ્વારા ખરાબ હવામાનના કારણે 71માં પદવીદાન સમારંભનું સ્થળ બદલીને સર સયાજીગનર ગૃહ, અકોટામાં રાખવામાં આવ્યું હતું. પરંતુ, સયાજીનગર ગૃહમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રીના આગમન પૂર્વે વિદ્યાર્થીઓએ હોબાળો મચતા તંત્ર મૂંઝવણમાં મૂકાઈ ગયું હતું. સયાજીનગર ગૃહની એક હજારની બેઠક વ્યવસ્થાની સામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ કોન્વોકેશનમાં ભાગ લેવા માટે ઉમટી પડતા અંધાધૂંધી સર્જાઈ હતી. સયાજીનગર ગૃહની બહાર વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
હજારો વિદ્યાર્થીઓ ઉમટ્યા
મોડી સાંજે સ્થળ બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી વડોદરા શહેર અને જિલ્લા સહિત રાજ્યના વિવિધ શહેરો અમદાવાદ, રાજકોટ, મહેસાણા, જુનાગઢ સહિત વિવિધ શહેરો અને ગામડાઓમાંથી કોન્વોકેશનમાં ભાગ લેવા માટેની તૈયારી કરનાર વિદ્યાર્થીઓને મેસેજ ન મળતા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉમટી પડ્યા હતા.
વિદ્યાર્થીઓ એન્ટ્રી ન લઈ શક્યા
MS યુનિવર્સિટી દ્વારા પદવીદાન સમારંભ માટે નક્કી કરેલા કોન્વોકેશન ગ્રાઉન્ડની કેપિસીટી વધારે હતું. પરંતુ, ખરાબ હવામાનને ધ્યાનમાં લઈને એક હજારની બેઠક વ્યવસ્થાવાળા અકોટા ખાતેના સર સયાજી નગરગૃહમાં આયોજન કરવાનો નિર્ણય લેવામાં આવતા વડોદરા શહેર-જિલ્લા સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી પદવીદાન સમારોહમાં ભાગ લેવા માટે આવી પહોંચેલા હજારો વિદ્યાર્થીઓ પદવીદાન સમારોહમાં ભાગ લઇ શક્યા ન હતા.
MSU હાય હાયના નારા લાગ્યા
યુનિવર્સિટી દ્વારા સર સયાજી નગરગૃહમાં 4 વાગે પ્રવેશ આપી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિણામે વડોદરા શહેર સહિત ગુજરાતના વિવિધ શહેરોના વિદ્યાર્થીઓ સમયસર સયાજી નગરગૃહ ખાતે આવી પહોંચ્યા હતા. પરંતુ, યુનિવર્સિટી સત્તાધિશો દ્વારા ગોલ્ડ મેડલ મેળવનાર વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પ્રવેશ 4 વાગ્યા પૂર્વે જ આપી દેતા સયાજીનગર ગૃહ ભરાઇ ગયું હતુ. જેથી અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. અને નગરગૃહની બહાર MSU હાય..હાય.. VC હાય..હાય..ના સૂત્રોચ્ચારો શરૂ કરી દીધા હતા.
વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો
71માં પદવીદાન સમારોહમાં કેન્દ્રના ગૃહ મંત્રી અમિત શાહ અતિથી વિશેષ હોવાના કારણે શહેર પોલીસ તંત્ર દ્વારા જડબેસલાક પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું હતું. પદવીદાન સમારોહ સ્થળ સર સયાજી નગરગૃહ રોડ તેમજ નગરગૃહની બહાર પોલીસનો ખડકલો ખડકી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને નગરગૃહમાં પ્રવેશ ન મળતા તેઓએ હોબાળો મચાવવાનું શરૂ કરતા પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું હતું અને વિદ્યાર્થીઓને નગરગૃહ કમ્પાઉન્ડની બહાર કાઢવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું.
વિદ્યાર્થીઓને સમજાવવાના પ્રયાસ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગમન પૂર્વે વિદ્યાર્થીઓએ નગરગૃહની બહાર MSU તેમજ વહીવટકર્તાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા પોલીસ અધિકારીઓ મૂંઝવણમાં મુકાઇ ગયા હતા અને વિદ્યાર્થીઓને શાંત પાડવા માટેના નિષ્ફળ પ્રયાસો કર્યાં હતા. તે સાથે યુનિવર્સિટી સત્તાવાળાઓ પણ વિદ્યાર્થીઓને સ્થિતીથી વાકેફ કરવા માટે નગર ગૃહની બહાર આવી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓને સમજાવવા માટેના પ્રયાસો કર્યા હતા.
સત્તાધિશો મૂંઝવણમાં મૂકાયા
ઉલ્લેખનિય છે કે, બપોર બાદ વડોદરામાં પુનઃ એકવાર હવામાન બદલાયું હતું. વરસાદી વાદળો ગોરંભાતા તંત્ર શુક્રવારની સાંજ જેવો માહોલ સર્જાય તેવું વાતાવરણ થઇ ગયું હતું. બીજી બાજુ નગર ગૃહની બહાર હજારોની સંખ્યામાં ઉમટી પડેલા વિદ્યાર્થીઓ કોન્વોકેશનમાં જવા માટેની જીદ પકડીને બેસતા પોલીસ તંત્ર અને યુનિવર્સિટી સત્તાવાળાઓ મૂંઝવણમાં મૂકાઇ ગયા હતા.
યુનિવર્સિટી ડિગ્રી આપીને ઉપકાર નથી કરતી
કોન્વોકેશનમાં ભાગ લેવા માટે આવી પહોંચેલી એક વિદ્યાર્થિનીએ ભારે રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, પદવીદાન સમારંભનું સ્થળ બદલાયું હોવાનો કોઇ વિદ્યાર્થીઓને મેસેજ આપવામાં આવ્યો નથી અને નગર ગૃહમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના બદલે વાલીઓને પ્રવેશ આપી દેવામાં આવ્યો છે. યુનિવર્સિટી વિદ્યાર્થીઓથી ચાલે છે. તે તંત્રએ ભૂલવું ન જોઇએ. યુનિવર્સિટી ડિગ્રી આપીને વિદ્યાર્થીઓ ઉપર કોઇ ઉપકાર કરતી નથી.
14761 જેટલા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ
71માં પદવીદાન સમારોહમાં 14761 જેટલા વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાશે. જેમાં 6713 વિદ્યાર્થીઓ અને 8048 વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવશે. 71માં પદવીદાન સમારોહમાં કુલ 302 ગોલ્ડ મેડલ 191 વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવશે. જેમાં 77 વિધ્યાર્થીઓને 115 ગોલ્ડ મેડલ અને 114 વિદ્યાર્થિનીઓને 187 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. સાથે સાથે વર્ષ 2021-2022માં જે વિદ્યાર્થીઓના પી.એચડી પૂર્ણ થયા છે તેવા 100 જેટલા વિદ્યાર્થીઓને પણ પદવીદાન સમારોહમાં આમંત્રિત કરવામાં આવ્યા છે.
ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓને સ્કાર્ફ મળશે
વાઇસ ચાન્સેલર પ્રો.(ડો.) વિજયકુમાર શ્રીવાસ્તવ દ્વારા ત્વરિત નિર્ણય લઈ ને જેતે વિભાગને સૂચના આપી વિદ્યાર્થીઓને સ્કાર્ફ સમયસર મળી રહે તે સુનિશ્ચિત કર્યું અને વિદ્યાર્થીઓને પદવીદાન સમારોહમાં એ સ્કાર્ફ પોતાની ફેકલ્ટી ખાતેથી મેળવી લેવાના રહેશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગેસ્ટ ઓફ ઓનેર્સ તરીકે રાજ્યના શિક્ષા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ધ મહારાજા સયાજીરાવ વિશ્વ વિદ્યાલયના નવનિર્મિત એમ.આર.આઈ.ડી ભવનનું ડિજિટલ મોડથી લોકાર્પણ કરવામાં આવશે.
વરસાદને કારણે સ્થળ બદલાયું
ઉલ્લેખનીય છે કે, પદવીદાન સમારંભના એક દિવસ પહેલા જ વડોદરા શહેર અને જિલ્લામાં કરા સાથે માવઠું થયું છે. બીજી તરફ પહેલા વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે કાર્યક્રમ મેદાનમાં જ યોજાશે અને પાણી સુકાઇ જશે તેમ જણાવ્યું હતું. પરંતુ, ત્યાર બાદ ગઈકાલે રાત્રે આ નિર્ણય બદલ્યો હતો અને વર્તમાન વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પ્રોટોકોલ અંતર્ગત સર સયાજી નગર ગૃહ ખાતે પદવીદાન સમારોહ યોજાશે તેમ મેસેજ કરી જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.