ટોક્યો ઓલિમ્પિકમાં નીરજ ચોપરા સહિતના ખેલાડીઓએ વિવિધ રમતમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતી દેશનું નામ રોશન કરતા જેને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના એ.જી.એસ.યુ. ગ્રુપના વિદ્યાર્થીઓએ ભાલા, વેઇટ લિફ્ટીંગ, હોકી જેવા સાધનો અને વંદે માતરમના ગગનભેદી જયઘોષ સાથે કેમ્પસમાં ફરીને ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓએ ભારત માતા કી જય, વંદે માતરમ્ અને નીરજ ચોપરા જિંદાબાદના નારા લગાવી કેમ્પસ ગજવી દીધું હતું.
નીરજ ચોપડા જિંદાબાદના નારા લગાવ્યા
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પેવેલિયન ખાતે એ.જી.એસ.યુ ગ્રુપના વિદ્યાર્થીઓએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓના શાનદાર પ્રદર્શનને લઈ ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓએ પોતાના હાથમાં ભાલા ફેંક, વેઇટ લિફ્ટિંગ, હોકીની રમતના સાધનો રાખ્યા, સાથે જ તિરંગા સાથે રાખી ભારત માતા કી જય, વંદે માતરમ્ ગગનભેદી નારા લગાવી ઉજવણી કરી હતી. તે સાથે વિદ્યાર્થીઓએ રંગ બે રંગી ફટાકડાથી ભવ્ય આતશબાજી પણ કરી હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સહિત વિવિધ મેડલો લાવી દેશનું નામ રોશન ખેલાડીઓને અભિનંદન આપવા માટે ઉજવાયેલા આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ પણ મોટી સંખ્યામાં જોડાઇ હતી. વિદ્યાર્થિનીઓએ પણ ગોલ્ડ મેડાલિસ્ટ નીરજ ચોપરા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.
ખેલાડીઓએ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે
યુનિવર્સિટીના વિદ્યાર્થી પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ખેલાડીઓએ મેડલ જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. સાથે જ લાખો યુવા રમતવીરોને દેશ માટે કંઈક કરવાની પ્રેરણા આપી છે, જેથી આજે અમે વિદ્યાર્થીઓએ ભેગા થઈ અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. આવનારા ઓલિમ્પિકમાં દેશમાંથી વધુમાં વધુ ખેલાડીઓ ગોલ્ડ મેડલ મેળવે અને દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવીએ છે.
MS યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ એથ્લેટિક્સ રમતો રમે છે
ઉલ્લેખનિય બાબત એ છે કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં અનેક વિદ્યાર્થીઓ છે. જેઓ એથ્લેટિક્સ રમતો રમે છે, હોકી, બાસ્કેટ બોલ, જુડો, ભાલા ફેંક જેવી રમતો પણ રમે છે, ત્યારે આવા તમામ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ વધ્યો છે. આવનારા દિવસોમાં યુનિવર્સિટીના ખેલાડીઓ દેશનું નામ રોશન કરે તે માટે તેઓના ઉત્સાહમાં વધારો થાય. તેવા ઉદ્દેશ્ય સાથે આજનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.