• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • Student Lost His Father 4 Months Before The Exam, Got A Job And Failed But Said: Don't Think Of Suicide, Failure Is Temporary In Vadodara

નાપાસ છતાં નિરાશ નહીં:વડોદરામાં વિદ્યાર્થીએ પરીક્ષાના 4 મહિના પહેલા પિતા ગુમાવ્યા બાદ નોકરી કરી, નાપાસ થયો છતાં કહ્યું: 'આપઘાતનો વિચાર ન કરો નિષ્ફળતા ક્ષણિક છે'

વડોદરા12 દિવસ પહેલાલેખક: મેહુલ ચૌહાણ
  • 3 વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીની માતા બે-ત્રણ ઘરમાં રસોઇ કરે છે
  • ભાઇ ધોરણ 10માં નાપાસ થયો તો તેને પણ મોટિવેશન આપ્યું હતું

ધોરણ 12 સાયન્સનું આજે 72.02 ટકા પરિણામ જાહેર થયું. જેમાં કહીં ખુશી તો કહી ગમનો માહોલ છે, ત્યારે વડોદરાના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી ઋત્વિકે થોડા મહિના પહેલા જ પિતા લાલસિંગભાઇને ગુમાવ્યા અને પરિવારના ગુજરાનની જવાબદારી ઉપાડી પરીક્ષા આપી. જેમાં તે નાપાસ થયો. પરંતુ, આ નિષ્ફળતા આ અડગ મનના વિદ્યાર્થીને ડગાવી શકી નથી અને હજારો વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બનતા તે કહે છે કે, નાપાસ થયા બાદ આત્મહત્યાનો વિચાર ન કરશો. આપણે જીવનથી નથી હાર્યા. ફરી પ્રયત્ન કરીશું અને સફળ થઇશું.

વિદ્યાર્થી નાપાસ થયો છતાં નિરાશ થયો નથી
વડોદરાના ન્યુ સમા વિસ્તારમાં રહેતા અને સમા સાવલી રોડ પર આવેલી ઉર્મિ સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઋત્વિક ભુરિયાનું આજે પરિણામ આવ્યું. જેમાં તે રાજ્યમાં સફળ થયેલા 72 ટકા વિદ્યાર્થીઓમાં નહીં પણ નાપાસ થયેલા 28 ટકા વિદ્યાર્થીઓમાં સામેલ હતો. જ્યારે ઋત્વિકને ખબર પડી કે નાપાસ થયો છે, ત્યારે નિરાશ થવાના બદલે ફરી એકવાર સફળ થઇ તેવી નેમ સાથે અનેક વિદ્યાર્થીઓને પ્રેરણા આપી રહ્યો છે.

વિદ્યાર્થી ઋત્વિક ભુરિયા રિટેઇલ શોપમાં નોકરી કરે છે.
વિદ્યાર્થી ઋત્વિક ભુરિયા રિટેઇલ શોપમાં નોકરી કરે છે.

પિતાના અવસાન બાદ વિદ્યાર્થી પર જવાબદારી આવી ગઇ
ધોરણ 12 સાયન્સના પરિણામના દિવસે પણ વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક રિટેઇલ શોપમાં નોકરી પર હાજર ઋત્વિક ભુરિયાએ દિવ્યભાસ્કર ડિજિટલ સાથેની વાતમાં જણાવ્યું હતું કે, મારા પિતા પ્લમ્બિંગનું કામ કરતા હતા અને ચાર મહિના પહેલા જ હ્રદય રોગનો હુમલો આવતા નિધન થયું. પિતાના અવસાન બાદ મારા પર મારી માતા અને ભાઇઓની જવાબદારી આવી. તેથી ભણવાની સાથે હું નોકરી કરવા લાગ્યો અને ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી. જોકે, આજે આવેલા પરિણામમાં હું ત્રણ વિષયમાં નાપાસ થયો છું પણ નિરાશ નથી થયો. હું પરીક્ષા આપીશ અને પાસ થઇને એન્જીનિયર બનીશ. બીજા વિદ્યાર્થીઓને પણ મારી અપીલ છે કે તમે નાપાસ કે ઓછા માર્ક્સ આવ્યા હોય તો આપઘાત કરવાનો વિચાર જરા પણ ન કરશો.

નાપાસ થનાર વિદ્યાર્થી ઋત્વિક ભુરિયાનું રિઝલ્ટ
નાપાસ થનાર વિદ્યાર્થી ઋત્વિક ભુરિયાનું રિઝલ્ટ

હું ફરી મહેનત કરીને સારુ પરિણામ લાવીશ
ઋત્વિકે જણાવ્યું હતું કે, મારા માતા બે-ત્રણ ઘરમાં રસોઇ બનાવવાનું કામ કરે છે. પરિવારમાં બે નાના ભાઇઓ પણ છે, તેથી હુ પણ નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદરૂપ થાઉ છું. મારો ધોરણ 12 સાયન્સમાં ચાર મહિનાનો અભ્યાસ બાકી હતો અને પિતાનું અવસાન થયું હતું. જ્યારે માતા પિતાનું નિધન થયું ત્યારે અમને ખૂબ જ દુખ થયું હતું કે, અમારા પિતા નથી. પણ મેં મારા મનને કાબૂમાં રાખ્યું અને નક્કી કર્યું કે, મારે આગળ ભણવું છે અને આગળ કંઇક કરવું છે. ભલે હું હમણા ફેઇલ છું, તેનો મને વાંધો નથી. પણ આપણે પોતાના મનની એકાગ્રતા જાળવવાની છે. આપણે આપણા મનને જાણવાનું છે. હું 12 સાયન્સની પરીક્ષામાં ફેઇલ થયો છું લાઇફમાં ફેઇલ નથી થયો. હું ફરી મહેનત કરીને સારુ પરિણામ લાવીશ.

વિદ્યાર્થી કહે છે કે, હું ફરી પરીક્ષા આપીશ અને પાસ થઇને એન્જીનિયર બનીશ
વિદ્યાર્થી કહે છે કે, હું ફરી પરીક્ષા આપીશ અને પાસ થઇને એન્જીનિયર બનીશ

ભાઇ પણ નાપાસ થતાં તેને મોટિવેશન આપ્યું
વધુમાં તેણે કહ્યું હતું કે, ત્રણ ભાઇઓમાં હું મારા પરિવારમાં મોટો છું, મારાથી નાનો ભાઇ વિવેક અને સૌથી નાનો ભાઇ અંકિત છે. મારો નાનો ભાઇ વિવેક ધોરણ 10માં નાપાસ થયો હતો અને તે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વિવેક જ્યારે નાપાસ થયો ત્યારે પણ મેં જે તેને મોટિવેશન આપ્યું હતું કે ભલે તું ફેઇલ છું પણ આગળ વધ. જ્યારે સૌથી નાનો ભાઇ અંકિત હાલ સાતમાં ધોરણમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે.

આપઘાત કરવાનું જરા પણ ન વિચારો
જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે કે ઓછા માર્ક્સ આવ્યા છે તેમને ઋત્વિકે અપીલ કરતા કહ્યું હતું કે, આપણે લાઇફમાં ફેઇલ નથી થયા. લાઇફને જાણો, પહેલા પોતાને ઓળખો કે દુનિયામાં તમે શું કરવા માટે આવ્યો છો અને તમારે શું કરવું છે તો તમે જરૂર સફળ થશો. આપણે પોઝિટિવ વિચારો રાખો. નાપાસ થવાથી એવું ન વિચારો કે, મારું એક વર્ષ બગડ્યું. આપઘાત કરવાનું જરા પણ ન વિચારો. તમે સચિન તેંડુલકર પણ ધોરણ 10માં નાપાસ થયા અને તેમણે વિચાર્યું કે મારે ક્રિકેટર બનવું છે તો આજે ક્રિકેટમાં તેમનું આખા વિશ્વમાં નામ છે. તેણે ઉમેર્યું હતું કે હું ફરી 12 સાયન્સની પરીક્ષા આપીશ અને મારુ સપનું છે કે કોમ્પ્યુટર એન્જીનિયર બનું. મને વિશ્વાસ છે કે હું મારા લક્ષ્યને હાંસલ કરીશ.

ઉર્મિ સ્કૂલના સાયન્સના શિક્ષક દિવ્યાંગ વાળા.
ઉર્મિ સ્કૂલના સાયન્સના શિક્ષક દિવ્યાંગ વાળા.

નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે અંત્ય બિંદુ નથીઃ શિક્ષક
ઉર્મિ સ્કૂલના સાયન્સના શિક્ષક દિવ્યાંગ વાળાએ જણાવ્યું હતું કે, ઋત્વિકના પિતાના અવસાન બાદ પણ પરિવારની જવાબદારી ઉપાડી તેણે પરીક્ષા આપી હતી. સ્કૂલ દ્વારા તેની 20 હજાર જેટલી ફી માફ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને એટલું જ કહેવું છે કે પાસ થયેલા વિદ્યાર્થીઓની ઉજ્વળ કારકિર્દી માટે શુભેચ્છાઓ છે. જેમને ઓછા માર્ક્સ કે નાપાસ થયા છે તેમને કહીશું કે નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે અંત્ય બિંદુ નથી. નિષ્ફળતાનો માત્ર ક્ષણિક હોય છે.

અન્ય સમાચારો પણ છે...