આપઘાત કે દુર્ઘટના?:વડોદરાના ગણપતપુરામાં ધો-10ની પરીક્ષા આપીને ઘરે જઇ રહેલા વિદ્યાર્થીનું નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત

વડોદરા10 મહિનો પહેલા
ધોરણ 10ની પરીક્ષા આપવા નીકળેલા યુવાને પ્રથમ પેપર આપ્યા બાદ ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત
  • ફાયર બ્રિગેડે વિદ્યાર્થીના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી બોર્ડની પરીક્ષામાં ધોરણ 10ની પરીક્ષા આપવા નીકળેલા યુવાને પ્રથમ પેપર આપ્યા બાદ ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. આ યુવાને આપઘાત કરી લીધો છે કે, પછી અકસ્માતે કેનાલમાં ડૂબી જવાથી મોત થયું છે. તે અંગે પાદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

વિદ્યાર્થી ઘરે ન આવતા પરિવારે શોધખોળ શરૂ કરી
આ બનાવની વિગત એવી છે કે, પાદરા તાલુકાના ગણપતપુરા ગામમાં 22 વર્ષીય લલિત મહેન્દ્રભાઇ પરમાર પરિવાર સાથે રહે છે અને ઓટો રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. અગાઉ તેને બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પરંતુ નાપાસ થયો હતો. આ વખતે તેને પુનઃ ધોરણ 10ની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યું હતું અને તારીખ 28 માર્ચથી શરૂ થયેલી પરીક્ષાના પ્રથમ દિવસે પરિવારને પરીક્ષા આપવા જવું છું તેમ જણાવી રિસીપ્ટ લઈ પોતાની રીક્ષામાં નીકળ્યો હતો. પરીક્ષા પૂરી થયા બાદ પણ લલિત મોડી સાંજ સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ કોઇ પત્તો મળ્યો ન હતો

વિદ્યાર્થીની લાશ નર્મદા કેનાલમાંથી મળી
દરમિયાન લલિત પરમારની ઓટો રીક્ષા ગણપતપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પાસેથી મળી આવી હતી. આ બનાવ અંગેની જાણ પાદરા પોલીસને થતા પાદરા પોલીસે સ્થળ પર પહોંચી ઓટો રીક્ષા કબજે કરી હતી. પોલીસે ઓટો રીક્ષામાં તપાસ કરતાં ધોરણ 10ની લલિત પરમારની રીસિપ્ટ અને મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે લલિત પરમારે કેનાલમાં પડતું મુક્યું હોવાનું અનુમાન લગાવી લલિતની શોધખોળ માટે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર પોતાના સ્ટાફ સાથે ગણપતપુરા કેનાલ પાસે પહોંચી ગયા હતા અને શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની શોધખોળ બાદ આજે બપોરે લલિત પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...